તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
મહિકા ગામમાં બે ખેડુત પાસે ધરાર ઇનામી કુપન સ્ક્રેચ કરાવી ગઠીયાઓએ નાણા પડાવ્યાઃ ૪ શકમંદ સકંજામાં
આ કુપન સ્ક્રેચ કરો, રૂા. ૩૦ ફી છે, તમને જે વસ્તુ લાગશે એ મળશે, ઇનામ લાગે તો જ પૈસા દેવાના કહી ખેડુતોને છેતરતી ટોળકીના બે કારસ્તાનઃ ખેડુતે સ્ક્રેચ કરવાની ના પાડતાં ગઠીયાએ જાતે કુપન સ્ક્રેચ કરી ઉઘરાણી કરી : ધીરૂભાઇ મોલીયા પાસેથી ૨૨૫૦૦ પડાવી હલકી ગુણવત્તાના ઇષાી, ઇલેક્ટ્રીક સગડી, કૂકર, પંખો ખેતરમાં ફેંકી ભાગી ગયાઃ બીજા ખેડુત રમેશભાઇ મોલીયા સાથે પ્રયાસઃ ક્રાઇમ બ્રાંચે શકમંદોની પુછતાછ હાથ ધરીઃ વધુ આવા ગુના ઉકેલાય તેવી શક્યતા

રાજકોટ તા. ૯: શહેરના ગ્રામ્ય પંથકમાં વાડીએ જઇ ખેડુતો પાસે પરાણે ઇનામી કુપન સ્ક્રેચ કરાવવાના નામે પૈસા પડાવતી ટોળકીએ એક ખેડુતને ડરાવી ધમકાવી રૂા. ૨૨૫૦૦ પડાવી લેતાં અને બીજા ખેડુત પાસેથી પણ ૨૨ હજાર પડાવવાનો પ્રયાસ કરતાં ચકચાર જાગી છે. રાજકોટ-ભાવનગર હાઇવે પરના મહિકામાં આ બંને ઘટના બની છે. ક્રાઇમ બ્રાંચે ચાર શકમંદોને સકંજામાં લઇ તપાસ શરૂ કરી છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે મહિકા ગામે રહેતાં ધીરૂભાઇ ગોબરભાઇ મોલીયા (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ધીરૂભાઇ પરિવાર સાથે રહે છે અને મહિકામાં ખેતી કરી ગુજરાન ચલાવે છે.
ફરિયાદમાં જણાવાયા મુજબ તા. ૬ના સવારે સાડા છ વાગ્યે ધીરૂભાઇ પોતાના ઘરેથી વાડીએ કામ અર્થે ગયા હતા. સવારે સાડા આઠેક વાગ્યાની આસપાસ તેઓ વાડીના ઝાંપા પાસે હતા, ત્યારે બહાર એક સફેદ રંગની ઇકો ગાડી આવીને ઉભી રહી હતી. ગાડીમાંથી ત્રણ અજાણ્યા શખ્સો નીચે ઉતર્યા હતા અને એક વ્યક્તિ ડ્રાઇવિંગ સીટ પર બેઠો હતો. નીચે ઉતરેલા શખ્સોએ ૅઅમારે પાણી પીવું છેૅ તેમ કહેતા દયાળુ ખેડૂત ધીરૂભાઈએ ઝાંપો ખોલી એક શખ્સને પાણી ભરી આપ્યું હતું.
પાણી પીધા બાદ તરત જ અન્ય એક શખ્સ ધીરૂભાઇ પાસે આવ્યો હતો અને તેમને નીચે બેસાડી અલગ-અલગ ડ્રો ના કુપન બતાવવા લાગ્યો હતો. ગઠિયાએ જણાવ્યું કે-આ જાહેરાતો છે, એક કુપનની કિંમત રૂ. ૩૦ છે. કુપન સ્ક્રેચ કરો, જો ઇનામ લાગે તો જ પૈસા ભરવાના. ખેડૂતે ના પાડવા છતાં ગઠિયાએ બળજબરીથી તેમનો હાથ અડાડી એક કુપન સ્ક્રેચ કરી નાખ્યું અને કહ્યું કે-તમને મિક્ષર લાગ્યું છે, હવે બીજા ૪ કુપન પણ સ્ક્રેચ કરવા પડશે. ખેડૂતે સ્પષ્ટ ના પાડતા ગઠિયાઓ ગાળાગાળી કરવા લાગ્યા હતા.
ખેડૂતે પૈસા આપવાનો ઈનકાર કરતા ત્રણેય ગઠિયાઓએ તેમને પકડી રાખ્યા હતા અને એક શખ્સે બળજબરીપૂર્વક તેમના પેન્ટના ખિસ્સામાંથી પાકીટ કાઢી તેમાં રહેલા રૂ. ૪,૦૦૦ રોકડા લૂંટી લીધા હતા. આટલેથી ન અટકતા ગઠિયાઓએ વધુ પૈસાની માંગણી કરી ધમકાવતા ડરી ગયેલા ખેડૂતે સોરઠીયાવાડી પાસે ૮૦ ફૂટ રોડ પર વિકાસ ડેરી ધરાવતા પોતાના નાના ભાઈ દિનેશભાઈને ફોન કર્યો હતો. ખેડૂતે ભયના માર્યા ભાઈને ખોટું બોલવું પડ્યું કે-વાડીએ ખાતર ઉતાર્યું છે તેના રૂ. ૧૮,૫૦૦ આપવાના છે, તમે ડેરીએ કોઈ આવે તેને આપી દેજો.ૅ
ગઠિયાઓએ પોતાની ગેંગના સાગ્રીતને ફોન કરી ડેરીએ મોકલ્યો હતો. થોડીવારમાં જ દિનેશભાઈનો ખેડૂત પર ફોન આવ્યો કે, બે અજાણ્યા લોકો આવ્યા હતા અને તેમને રૂ. ૧૮,૫૦૦ આપી દીધા છે. ડેરીએ પૈસા પહોંચી ગયાની પુષ્ટિ થતાં જ વાડીએ હાજર ગઠિયાઓએ ઇષાી, ઇલેક્ટ્રિક સગડી, કુકર અને પંખો જેવો હલકી ગુણવત્તાનો સામાન ત્યાં વાડીમાં ફેંકી દીધો હતો. જતા-જતા ખેડૂતને ધમકી આપી હતી કે-જો આ બાબતની કોઈને જાણ કરીશ તો તારો વારો કાઢી નાખશું.
આ ઘટનાથી ખેડૂત ભારે ડરી ગયા હતા. જેથી તેમણે બે દિવસ સુધી કોઈને વાત કરી ન હતી. બાદમાં તેમણે પોતાના ભાઈ રસિકભાઈને આપવીતી જણાવતા ભાઈએ હિંમત આપતાં આજીડેમ પોલીસ સ્ટેશને પહોંચી છ અજાણ્યા ગઠીયા વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. પરાણે ઇનામી કાર્ડ સ્ક્રેચ કરાવડાવી પૈસા લૂંટી લઇ બળજબરીથી પણ નાણા પડાવી લીધાનો આરોપ મુકાતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ આર. એમ. સાખરાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બીજા આવા બનાવમાં મહિકા ગામે જ આંગણવાડી પાસે રહેતાં રમેશભાઇ શામજીભાઇ મોલીયા (ઉ.વ.૫૬)ની ફરિયાદ પરથી બે અજાણયા સામે ગુનો દાખલ થયો છે. ફરિયાદ મુજબ રમેશભાઇ પરિવાર સાથે રહી ખેતી કરે છે. મહિકા નવા રીંગ રોડ પર તેમની જમીન છે. તા. ૮ના સવારે આઠેક વાગ્યે તે વાડીએ હતાં ત્યારે ઇકો ગાડી આવી હતી અને બે જણા ઉતરી વાડીમાં આવ્યા હતાં. શરૂઆતમાં તેમને કોઇ મહેમાન હોવાનું લાગ્યું હતું.
પણ બાદમાં બે જણાએ આ અલગ અલગ જાહેરાતો છે, કુપન સ્ક્રેચ કરો એક કુપનના રૂા. ૩૦ છે, તમને ઇનામ લાગે તો જ પૈસા ભરવાના બાકી કશું કરવાનું નથી, તમને જે ઇનામ લાગે તે વસ્તુ મળશે તેમ કહ્યું હતું. પણ રમેશભાઇએ આવુ કરવાની ના પાડી હતી. આમ છતાં એક શખ્સે જાતે કુપન સ્ક્રેચ કરીને કહેલું કે તમારે ૨૨ હજાર ભરવા પડશે. જેથી તેણે કહેલ કે મારી પાસે તો ખીસ્સામાં માત્ર રૂા. ૩૦ છે. આથી એ શખ્સે ૨૨ હજાર ભરવાડ જ પડશે તેવી લપ કરતાં તેમણે દિકરા નાગજીને ફોન કરતાં તેણે આ શખ્સો સાથે વાત કરી હતી.
આથી એક શખ્સે નાગજીને કહેલું કે તમારા પિતાએ કુપન સ્ક્રેચ કર્યુ છે એટલે ૨૨ હજાર ભરવા જ પડશે. આથી નાગજીએ તમે ઉભા રહો હું આવુ જ છું તેમ કહીી ફોન મુકી દીધો હતો. આ પછી આ શખસોએ રૂપિયા નહિ આપો તો સાંજે પાછા આવશું તેમ કહ્યું હતું અને નીકળી ગયા હતાં. આ રીતે રમેશભાઇ પાસેથી કુપનના નામે ૨૨ હજાર પડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે એએસઆઇ કે. જે. કુરીયાએ ગુનો નોંધ્યો છે. આજીડેમ પોલીસે શકમંદોને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.
(11:23 AM IST)










