તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 9th June 2026
ચુનારાવાડ ચોકમાં આરામ કરી રહેલા યુવાનના ખિસ્સામાંથી રોકડ અને મોબાઇલ ફોનની ચોરી
મુસાફરીનો થાક હોઇ બેઠા બેઠા ઉંઘી ગયો'તોઃ દેવભુમિ દ્વારકાના હાથલા ગામના ભરતભાઇ મગરાએ થોરાળા પોલીસમાં અજાણ્યા ઉઠવાગીર સામે ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૯: શહેરના ચુનારાવાડ ચોક નજીક અમુલ પાર્લર પાસે આરામ કરવા સુતેલા હાથલા ગામના યુવાનની ઉંઘનો લાભ ઉઠાવી કોઇ ઉઠાવગીર તેની પાસેની રોકડ, મોબાઇલ મળી રૂા. ૩૫૦૯૦ની માલમત્તા ચોરી જતાં પોલીસને જાણ કરી છે.
આ બનાવમાં થોરાળા પોલીસે દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના હાથલા ગામે રહેતા અને કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ભરતભાઇ દેવશીભાઇ મગરા (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્યો છે. ફરિયાદની વિગત મુજબ ભરતભાઇ હાથલા ગામે પત્નિ, ત્રણ સંતાનો અને વળદ્ધ માતા સાથે રહી છૂટક કડિયાકામ કરે છે. તા. ૬ના રાત્રે અગિયારેક વાગ્યે પોતાના ગામથી બસ મારફતે પોરબંદર જવા નીકળ્યા હતા. ત્યાંથી તેઓ ટ્રેન દ્વારા રાજકોટ આવવા રવાના થયા હતા. ૭મીએ વહેલી સવારે આશરે ત્રણેક વાગ્યે તેઓ રાજકોટ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. વહેલી સવાર હોવાથી તેમણે ત્રણેક કલાક રેલવે સ્ટેશન પર જ આરામ કર્યો હતો.
ત્યારબાદ સવા છ વાગ્યાની આસપાસ ભરતભાઈ પોતાના કામ અર્થે રેલવે જંકશનથી રિક્ષામાં બેસી ચુનારાવાડ ચોક ખાતે આવ્યા હતા. અહીં આવેલા એક અમુલ પાર્લરની દુકાન આગળના ઓટા પર તેઓ થાક ખાવા માટે બેઠા હતા. મુસાફરીના થાકને કારણે તેમને ત્યાં જ ગાઢ ઊંઘ આવી ગઈ હતી. આશરે સવા સાતેક વાગ્યે જ્યારે તેમની ઊંઘ ઉડી ત્યારે ચોરીની ખબર પડી હતી. કોઇ તેના ખિસ્સામાં રાખેલી રૂા. ૨૩૫૯૦ની રોકડ અને ૧૧૫૦૦નો ઓપો કંપનીનો તેનો મોબાઇલ ચોરી ગયું હતું. આસપાસ તપાસ કરવા છતાં પત્તો ન મળતાં અંતે થોરાળા પોલીસને જાણ કરતાં પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં હેડકોન્સ. એન. એસ. ડામોરે ગુનો દાખલ કર્યો હતો. એએસઆઇ એમ. એ. સોલંકીએ વધુ તપાસ હાથ ધરી છે.
(2:11 PM IST)










