તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
હૃદય ધબકારા ચુકી જતાં મેટોડાના ૩૦ વર્ષના યુવાન, ૫૪ વર્ષના પ્રોઢ, રાજકોટના ૪૩ વર્ષના વેપારીના મૃત્યુ
રાજેશભાઇ રાઠોડ, મોહનભાઇ જેઠવા, કલ્પેશભાઇ ચાવડાએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ પરિવારોમાં ગમગીનીઃ ઉદ્યોગનગરના વૃધ્ધા સવિતાબેન અને રેલનગરના પ્રોઢા લક્ષ્મીબેનના બેભાન હાલતમાં મૃત્યુ

રાજકોટ તા. ૯: હૃદય રોગના હુમલાથી મોતના વધુ બે બનાવ બન્યા છે. જેમાં મેટોડામાં રહેતાં ત્રીસ વર્ષના યુવાનનું અને ચોપન વર્ષના પ્રોૈઢનું હૃદય બેસી જવાથી મોત થતાં પરિવારોમાં કલ્પાંત સર્જાયો છે. રાજકોટ ગાયત્રીનગરના પાનના વેપારી યુવાનનું પણ હૃદય ધબકારા ચુકી જવાથી મૃત્યુ થયું હતું. અન્ય એક વૃધ્ધા અને મહિલાના બેભાન હાલતમાં મોત થયા હતાં.
જાણવા મળ્યા મુજબ મેટોડા જીઆઇડીસી અંજલી પાર્કમાં રહેતાં રાજેશભાઇ અમરૂભાઇ રાઠોડ (ઉ.વ.૩૦) ગઇકાલે ઘરે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાયેલ. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રાજેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે દિકરી છે. પોતે છુટક મજુરી કરતાં હતાં. હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયાનું સગાએ કહ્યું હતું.
બીજા બનાવમાં મેટોડા ગેઇટ-૨માં રીપલ પ્રાઇમની બાજુમાં રહેતાં મોહનભાઇ વિરજીભાઇ જેઠવા (ઉ.વ.૫૪) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં પાંચ દિકરી છે. પોતે કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું ખુલ્યું હતું.
ત્રીજા બનાવમાં ગાયત્રીનગર મેઇન રોડ પર જીવરાજ હોસ્પિટલ સામે જલારામ ચોકમાં રહેતાં કલ્પેશભાઇ ચંદુભાઇ ચાવડા (ઉ.વ.૪૩) નામના યુવાન સવારે પાંચેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. તેઓ એક બહેનથી મોટા હતાં અને ગાયત્રીનગરમાં ખોડીયાર પાન નામે દુકાન ચલાવતાં હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકી મારફત થતાં ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
ત્રીજા બનાવમાં ઉદ્યોગનગર કોલોની પાસપોર્ટ ઓફિસ પાછળ રહેતાં સવિતાબેન શીવાભાઇ ધાણક (ઉ.વ.૭૫) ઘરે સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. સવિતાબેન મુળ અમદાવાદના વતની હતાં. વર્ષોથી રાજકોટ જમાઇના ઘરે રહેતાં હતાં. મોતનું કારણ જાણવા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
ચોથા બનાવમાં રેલનગર શ્રીરામ પાર્કમાં પાણીના ટાંકા પાસે રહેતાં લક્ષ્મીદેવી દુદાનાથ રાજભર (ઉ.વ.૫૬) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી. બિમારીથી મૃત્યુ થયાનું સગાએ કહ્યું હતું. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતુ઼.
(2:42 PM IST)










