તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
બે મહિનામાં ૯ ચોરી કરીઃ કરસન ઉર્ફે ઉદય અને પ્રકાશને આજીડેમ પોલીસે પકડી લીધા
રાજકોટ, શાપર, વાંકાનેર, છાસીયા, પાળ, ગવરીદળ, ગોંડલની વાડીઓમાં ત્રાટક્યા હતાં પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ એસ. વી. ગોહિલ અને ટીમની કાર્યવાહીઃ ઉદય અગાઉ પણ પાંચ ચોરીઓમાં સામેલઃ પોલીસે ચોરાઉ કોપર વાયર, રિક્ષા મળી ૧.૬૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ તા. ૯: શહેરના ગ્રામ્ય અને વાડી વિસ્તારોમાં રાત્રિના સમયે ખેડૂતોના કૂવા તેમજ સબમર્સિબલ પંપના મોંઘા કોપર કેબલની ચોરી કરતી ટોળકીના બે શખ્સને આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમ પકડી લીધા છે. ખોખડદડ ગામના વાડી વિસ્તારમાં થયેલી કેબલ ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. હુડકો ચોકથી આગળ ખોખડદડ નદીના પુલ પાસેથી આ બંનેને ૧૭ કિલોગ્રામ કોપર કેબલ અને ગુનામાં વપરાયેલી સીએનજી રિક્ષા સહિત કુલ રૂ. ૧,૬૩,૫૦૦ના મુદ્દામાલ સાથે પકડી લીધા છે. આ બંનેએ બે મહિનામાં ૯ ચોરી કર્યાનું કબુલ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી ખોખડદડ ગામના વાડી વિસ્તારમાં રાત્રિના સમયે કિંમતી કેબલ વાયર ચોરાઈ જવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ અંગે ખેડૂત હિતેષભાઇ તળશીભાઇ ખુંટ તથા ધવલભાઇ મેસુરભાઇ બોરીચા નાઓએ આજીડેમ પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદો નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુના દાખલ કર્યા હતાં. આ ગુના ઉકેલવા ટીમ પેટ્રોલીંગમાં હ તી ત્યારે હેડકોન્સ. હાર્દિકભાઇ સાંગા, કોન્સ. ચંદ્રપાલભાઇ બરાડીયા, કુલદીપસિંહ જાડેજાને બાતમી મળતાં ખોખડદડ નદીના પુલ પાસે વોચ રાખી પ્રકાશ ભરતભાઈ કટેશીયા (ઉ.વ.૨૧, ધંધો-રિક્ષા ડ્રાઇવિંગ, રહે. શક્તિનગર શેરી નં.૦૨, રાજભાઈના મકાનમાં ભાડેથી, કોઠારીયા સોલવન્ટ ફાટકની સામે, ગોંડલ રોડ, મૂળ રહે. ગુંદાળા ગામ, તા. જસદણ) તથા કરશન ઉર્ફે ઉદય હમીરભાઇ મકવાણા (ઉ.વ.૨૭, ધંધો રિક્ષા ડ્રાઇવિંગ, રહે. શીતળાધાર, ૨૫ વારીયા, કોઠારીયા સોલવન્ટ, મુળ ચલાલા ગામ, તા. ધારી, જી. અમરેલી)ને પકડી લઇ જીજે૦૩સીવી-૦૨૪૧ નંબરની રિક્ષા, ૧૩૬૦૦નો કોપર વાયર કબ્જે કર્યો છે.
આ બંનેએ છેલ્લા બે મહિનામાં શાપર વાડી વિસ્તાર, જસદણના લીલાપુરમાં, જખરાપીર પાસે વાડીમાં, શાપર સીએનજી પંપ પાસે, ગવરીદડની સીમમાં, વાંકાનેરમાં, પાળ ગામ, છાસીયા ગામ અને ગોંડલ વાડી વિસ્તારમાંથી કોપર વાયર, ભંગાર ચોરી કર્યાનું કબુલ્યું છે. આ બે પૈકી કરસન ઉર્ફે ઉદય અગાઉ અમરેલી, વડીયા, આજીડેમ પોલીસમાં ચોરીના પાંચ્ ગુનાઓમાં પકડાઇ ચુક્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી રાકેશ દેસાઇની રાહઆ સફળ ઓપરેશન આજીડેમ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એન.પટેલ, પીએસઆઈ એસ.વી.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ હાર્દિકભાઇ સાંગા, તેમજ પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રપાલભાઇ બરાડીયા, કુલદિપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા અને પ્રતિકભાઇ બોરસદીયા દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
(2:49 PM IST)










