તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
પ્રજાકીય કામગીરી માટે ‘ઉપરથી' પદાધિકારીઓને છૂટો દોર
સંગઠનને ચંચૂપાત નહિ કરવા પ્રદેશ કક્ષાએથી સૂચના સ્ટેન્ડીંગ કમિટી અને જનરલ બોર્ડની સંકલન બેઠકની જવાબદારી હવે પદાધિકારીઓનેઃ મહત્વના નીતિગત નિર્ણયો પહેલાં શહેર ભાજપ પ્રમુખ સાથે સંકલન ફરજિયાત

રાજકોટ ,તા.૯: મહાનગરપાલિકાના નવા શાસકોને વધુ સ્વતંત્રતા સાથે કામગીરી કરવાની તક આપવા પ્રદેશ ભાજપ સંગઠન અને રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કોર્પોરેશનના રોજિંદા વહીવટ અને નિર્ણય પ્રક્રિયામાં અનાવશ્યક દખલગીરી ટાળવા સંગઠનના હોદ્દેદારોને સૂચના આપવામાં આવી છે, જ્યારે બીજી તરફ મહત્વના નીતિગત નિર્ણયો અને દરખાસ્તો અંગે શહેર ભાજપ પ્રમુખને જાણ કરી સંકલન જાળવવા પદાધિકારીઓને પણ તાકીદ કરાઈ છે.
તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓના પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોની બેઠક દરમિયાન કોર્પોરેશન અને સંગઠન વચ્ચે જવાબદારીઓનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું હતું. માર્ગદર્શન મુજબ સ્ટેન્ડિંગ કમિટી પૂર્વે યોજાતી સંકલન બેઠકનું નેતળત્વ હવે ચેરમેન કરશે, જ્યારે જનરલ બોર્ડ પૂર્વેની સંકલન બેઠકની જવાબદારી મેયરને સોંપવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખની હાજરી હવે દરેક બેઠકમાં ફરજિયાત રહેશે નહીં.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રદેશ નેતળત્વનો આશય એ છે કે નવા પદાધિકારીઓ પોતાની કાર્યશૈલી અને વિઝન મુજબ વિકાસલક્ષી નિર્ણયો લઈ શકે. જોકે, સંગઠન સાથેનો સંપર્ક અને વિશ્વાસ યથાવત્ રહે તે માટે કોઈપણ મહત્વપૂર્ણ દરખાસ્ત, નીતિગત ફેરફાર અથવા મોટા નિર્ણય પહેલાં શહેર ભાજપ પ્રમુખને જાણ કરવી જરૂરી રહેશે.
આ નવી વ્યવસ્થાથી કોર્પોરેશનના વહીવટી નિર્ણયો વધુ ઝડપથી લેવામાં મદદ મળશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. સાથે જ સંગઠન અને સત્તાધીશો વચ્ચે સમન્વય જળવાઈ રહે અને શહેરના વિકાસકાર્યોને ગતિ મળે તેવા હેતુથી બંને પક્ષોને પરસ્પર સહકાર અને સંકલન સાથે કાર્ય કરવાની સૂચના આપવામાં આવી છે
(3:10 PM IST)










