<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

તંત્રની ઘોર બેદરકારી : ચોમાસાની શરૂઆતમાં જ ગૌતમબુદ્ધનગર અને આસપાસના વિસ્‍તારો બેટમાં ફેરવાશે?

રાજકોટ મનપાના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન : જાહેર રોડ પર ગેરકાયદેસર બાંધકામનો કાટમાળ ઠલવાતાં પાણીના નિકાલના માર્ગો રૂંધાયા : સ્‍થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળે છે..

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૨માં આવેલા ગૌતમબુદ્ધનગર, જયભારત સોસાયટી, ન્‍યુ જયભારત સોસાયટી તથા વિશ્વકર્મા સોસાયટીના રહીશો આગામી ચોમાસાને લઈને ભારે ચિંતામાં મુકાયા છે. મનપાના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે આ વિસ્‍તારોના મુખ્‍ય જાહેર રોડ પર મોટા પાયે બાંધકામ વેસ્‍ટ (કાટમાળ) ગેરકાયદેસર રીતે ઠાલવી દેવામાં આવ્‍યો છે. જેના કારણે ચોમાસાના વરસાદી પાણીના નિકાલના તમામ કુદરતી માર્ગો બંધ થઈ ગયા છે અને સામાન્‍ય વરસાદમાં પણ આખો વિસ્‍તાર પાણીમાં ગરકાવ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

આ અંગે બૌદ્ધિસત્‍વ માનવ કલ્‍યાણ ચેરીટેબલ ટ્રસ્‍ટ, રાજકોટ પ્રમુખ નટુભાઇ રાઠોડ - મો. ૯૯૭૯૧૭૭૭૧૬ તેમજ સ્‍થાનિક લોકોએ મેયર ડૉ. નેહલ શુકલને રજુઆતમાં જણાવ્‍યું છે કે જાહેર રોડ પર આડેધડ કચરો અને બાંધકામનો કાટમાળ ખડકી દેવાતા વરસાદી પાણીનો કોઈ નિકાલ થતો નથી. પરિણામે, ગત ચોમાસામાં વહેણ બંધ થઈ જતાં સ્‍થાનિક રહીશોના ઘરોમાં કેડ સમાણા પાણી ઘૂસી ગયા હતા અને લોકોની ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચ્‍યું હતું. આ વર્ષે પણ જો ચોમાસા પહેલા આ કાટમાળ હટાવવામાં નહીં આવે, તો ગત વર્ષ કરતાં પણ વધુ ભયાનક સ્‍થિતિ સર્જાઈ શકે છે.

સામાજિક સંસ્‍થા બૌદ્ધિસત્‍વ માનવ કલ્‍યાણ ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા આ ગંભીર સમસ્‍યા અંગે અગાઉ પણ રાજકોટ જિલ્લા કલેક્‍ટરશ્રી તેમજ મ્‍યુનિસિપલ કમિશનરશ્રીને લેખિતમાં અને વીડિયો પુરાવાઓ સાથે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તંત્ર દ્વારા પ્રી-મોન્‍સૂન કામગીરીના નામે માત્ર ગૌતમબુદ્ધનગરના છેવાડાના ભાગે થોડો ઘણો મુરમ (માટી-પથ્‍થર) નાખીને સંતોષ માની લેવાયો છે. જેનાથી સમસ્‍યા હલ થવાને બદલે વધુ વણસી છે. ભરાયેલા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ તોળાઈ રહ્યો છે.

સ્‍થાનિક રહીશો અને અગ્રણીઓએ જણાવ્‍યું છે કે, આર.એમ.સી.ના કોઈ પણ અધિકારી એરકન્‍ડિશન્‍ડ ઓફિસોમાંથી બહાર નીકળીને ગ્રાઉન્‍ડ ઝીરો પર સ્‍થિતિ તપાસવા આવતા નથી. પાણી હજુ સુકાયું નથી ત્‍યાં નવો ચોમાસો માથે છે. સ્‍થાનિકોએ મનપા કમિશનર અને જવાબદાર અધિકારીઓને અપીલ કરી છે કે, કાગળ પર કામગીરી બતાવવાને બદલે પહેલા અમારા વિસ્‍તારની સ્‍થળ મુલાકાત લો અને યુદ્ધના ધોરણે આ બાંધકામનો કાટમાળ દૂર કરાવી પાણીના નિકાલની યોગ્‍ય વ્‍યવસ્‍થા કરો. જેથી હજારો નાગરિકોને મુશ્‍કેલીમાંથી બચાવી શકાય.

(4:01 PM IST)