તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
જિલ્લા પંચાયત હેઠળના કોલીથડ આરોગ્ય કેન્દ્રમાં એકસ રે મશીન ૭ વર્ષથી બંધ
કેન્દ્ર મુલાકાત લઇ સગવડતા નિવારવા ઉપ્રપ્રમુખની તાકીદ

રાજકોટ, તા. ૯: કોલીથડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સામતભાઈ બાંભવાએ અચાનક મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
ડોક્ટરો, ર્નસિંગ સ્ટાફ અને કર્મચારીઓ સાથે વિભાગવાર ચર્ચા દરમિયાન અનેક ગંભીર પ્રશ્નો સામે આવ્યા હતા. એક્સ-રે મશીન છેલ્લા ૭ વર્ષથી બિનકાર્યરત હોવાનું સામે આવતા તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. દરરોજ ૩૦ થી ૫૦ દર્દીઓ સારવાર માટે આવતા હોવા છતાં દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
હાલ હોસ્પિટલના રિનોવેશન કાર્યની સમીક્ષા દરમિયાન પણ અનેક ખામીઓ સામે આવી હતી. વિવિધ વિભાગોના અધિકારીઓને સ્થળ પર જ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી હતી.
કોલીથડ ગામની અંદાજે ૮ હજાર જેટલી વસ્તી તથા આસપાસના ૨૦ થી ૨૫ ગામોના લોકો આરોગ્ય માટે આ CHC પર નિર્ભર છે. તેમ છતાં અહીં ઇમર્જન્સી EMT સાથે ૧૦૮ એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ નથી અને માત્ર IFT સેવા કાર્યરત છે. આ ગંભીર બાબત ધ્યાને આવતા તેમણે સ્થળ પર જ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તાત્કાલિક ઇમર્જન્સી સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગણી કરી હતી.
આરોગ્ય વિભાગમાં બાળકોના તબીબની જગ્યા લાંબા સમયથી ખાલી છે. દરરોજ આશરે ૧૦ જેટલા બાળ દર્દીઓ સારવાર માટે આવતા હોવા છતાં નિષ્ણાત ડોક્ટરની અછત હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
(4:02 PM IST)










