<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

લાખેણી લાઠીના રાજવી કવિ કલાપીની ૧૨૬મી પુણ્યતિથિએ રાજકોટમાં સ્મરણાંજલિ કાર્યક્રમ : લાઠી હાઉસ ખાતે પ્રપૌત્ર ઠાકોરસાહેબ કિર્તીકુમારસિંહજી ગોહિલ અને રાણીસાહેબા ઉષાબાનું પરંપરાગત સન્માન કરાયું

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ (ઢોલરા) પ્રેરિત અને સાહિત્ય સેતુ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કવિ કલાપીની અમર પંક્તિઓનું ભાવપૂર્ણ પઠન : વસંતભાઈ ગદેશા, મુકેશભાઈ દોશી, અનુપમભાઈ દોશી અને જનાર્દન આચાર્ય સહિતના સાહિત્યપ્રેમીઓએ વાગોળ્યા સંસ્મરણો

રાજકોટ : (રાજેશ પટેલ દ્વારા, મુંબઈ):ગુજરાતી સાહિત્ય જગતના અમર નક્ષત્ર અને લાખેણી લાઠીના રાજવી કવિ કલાપીની ૧૨૬મી પુણ્યતિથિ નિમિત્તે કવિને ભાવપૂર્ણ સ્મરણાંજલિ આપવા માટે રાજકોટ ખાતે એક સુંદર અને યાદગાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ-ઢોલરા પ્રેરિત અને સાહિત્ય સેતુ-રાજકોટ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમમાં કલાપીના ચાહકો અને સાહિત્યકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

કલાપીની અમર અને અવિસ્મરણીય કવિતાઓનું ગુંજન:

કાર્યક્રમ દરમિયાન કવિ કલાપીની અદભુત અને હૃદયસ્પર્શી કવિતાઓનું ભાવપૂર્ણ પઠન કરવામાં આવ્યું હતું. જેમાં તેમની લોકપ્રિય પંક્તિઓ જેવી કે, "ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં", "જયાં જયાં નજર મારી ઠરે, યાદ ભરી ત્યાં આપની", "રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાંઈ ગાજો", "તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો", "મ્હાણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું", "પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી?", "સૌંદર્યો વેડફી દેતા ના, ના, સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે", "હમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ" તેમજ "નથી નથી મુજ તત્વો વિશ્વથી મેળ લેતા હૃદય મમ: ઘડાયું અન્ય કો વિશ્વ માટે" જેવી અનેક પ્રખ્યાત રચનાઓ પ્રસ્તુત કરી કવિને ભાવભીની અંજલિ આપવામાં આવી હતી.

 

રાજવી પરિવાર સાથે સંસ્મરણો વાગોળવામાં આવ્યા:

કવિ કલાપીની પુણ્યતિથિના આ વિશેષ અવસરે રાજકોટ નિવાસી તેઓના પ્રપૌત્ર આદરણીય નેકનીતિ ધરાવતા નેકનામદાર ઠાકોરસાહેબ ઓફ લાઠી કિર્તીકુમારસિંહજી ગોહિલના નિવાસસ્થાન 'લાઠી હાઉસ' ખાતે સંસ્થાના સભ્યો અને કલાપીના ચાહકો રૂબરૂ મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં રાજવી પરંપરા અનુસાર ઠાકોરસાહેબ કિર્તીકુમારસિંહજી ગોહિલનું અને રાણીસાહેબા ઉષાબાનું ભાતીગળ તેમજ પરંપરાગત રીતે શાલ ઓઢાડી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત સૌ કોઈએ રાજવી પરિવાર સાથે કલાપીના જીવનની યાદો અને અજાણ્યા સંસ્મરણો વાગોળ્યા હતા.

 

અલ્પ આયુષ્યમાં સાહિત્યને રળિયાત કરનાર સૌરાષ્ટ્રનું ઘરેણું:

વક્તાઓએ કવિ કલાપીને યાદ કરતા જણાવ્યું હતું કે, કલાપી એ સમગ્ર સૌરાષ્ટ્રનું અનમોલ ઘરેણું છે. અત્યંત અલ્પ આયુષ્ય ધરાવતા હોવા છતાં તેમણે ગુજરાતી ભાષા અને સાહિત્યને પોતાની કલમની શક્તિથી સમૃદ્ધ અને રળિયાત કર્યું છે. તેમણે ગુજરાતના નવયુવાનોને સાચા પ્રેમ અને નૈતિકતાનું ઊંડું મહત્વ સમજાવ્યું છે. આયુષ્યભર તેઓ સત્ય, પ્રેમ, કરુણા અને જ્ઞાનને પામવા માટે મથતા રહ્યા હતા. વિશ્વની સુંદરતાને આત્મસાત કરવા માટે પણ તેમણે અનેક ભગીરથ પ્રયત્નો કર્યા હતા, અને પોતાના ટૂંકા જીવનમાં બનેલી ઘટનાઓ તથા પ્રસંગોમાંથી મળેલી શુદ્ધ અનુભૂતિજન્ય ચૈતન્યને તેમણે પોતાની કવિતાઓમાં કાયમ માટે આલેખ્યું છે.

 

કવિઓ અને સર્જકો પોતાની આંતરિક અનુભૂતિને એવી સુંદર રીતે શબ્દોમાં ઢાળીને વિદાય લે છે કે, પોતાના દેહાવસાન પછી પણ તેઓ શબ્દદેહે ચિરકાળ સુધી લોકોના હૃદયમાં જીવંત રહે છે. કલાપીની કવિતાઓ સમયના બંધનોને ઠોકર મારીને આગળ વધી ગઈ છે અને તેમના અવસાનના ૧૨૬ વર્ષ પછી પણ આજે પણ વાચકોને એટલો જ આનંદ અને નવી સમજણ પૂરી પાડે છે.

આ યાદગાર અને ભવ્ય કાર્યક્રમમાં વસંતભાઈ ગદેશા, મુકેશભાઈ દોશી, અનુપમભાઈ દોશી, જનાર્દન આચાર્ય સહિત સાહિત્ય સેતુ-રાજકોટ પરિવારના સભ્યો, સાહિત્યપ્રેમીઓ અને કલાપીના અસંખ્ય ચાહકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કવિ કલાપીના તૈલીચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)

(9:24 PM IST)