<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

ચંદીગઢથી કાળી માટીની આડમાં રાજકોટ મોકલાયેલો ૩૧.૧૦ લાખનો દારૂ ભરેલો ટ્રક ક્રાઇમ બ્રાંચે પકડયો

બામણબોર પાસે દરોડોઃ માટીના બાચકા દૂર કરતાં અલગ અલગ બ્રાંન્‍ડની દારૂની ૨૦૭૩૬ બોટલો મળીઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ આર. કે. ગોહિલની ટીમની કામગીરી : તુલસીભાઇ, સંજયભાઇની બાતમીઃ રાજસ્‍થાની ડ્રાઇવર સત્‍યપાલ પકડાયોઃ કુલ ૪૬.૨૦ લાખનો મુદ્દામાલ કબ્‍જે : બેડલા નજીક ૧.૩૭ લાખનો દારૂ બીયર ભરેલી કાર સાથે પીએઅસાઇ એસ. વી. ચુડાસમા અને ટીમે રૂપાવટી, ભલગામના બે શખ્‍સને પકડયા

રાજકોટ તા. ૧૦: દારૂ-જૂગારની પ્રવૃતિને ડામવા ઉચ્‍ચ અધિકારીઓની સુચના અંતર્ગત કાર્યરત ક્રાઇમ બ્રાંચની ટીમે વધુ એક વખત વિદેશી દારૂની હેરાફેરી નિષ્‍ફળ બનાવી છે. બામણબોર ચેકપોસ્‍ટ નજીક બાતમીના આધારે ટ્રકને આંતરી લઇ રાજસ્‍થાની ચાલકને રૂા. ૩૧,૪૦,૪૦૦ની કિંમતની ૨૦૭૩૬ બોટલ દારૂ સાથે ઝડપી લીધો છે. કાળી માટી (ખાતર)ના બાચકાની આડમાં આ દારૂ ચંદીગઢથી રાજકોટ તરફ મોકલાયો હતો. પરંતુ જે તે બૂટલેગર સુધી આ જથ્‍થો પહોંચે એ પહેલા ક્રાઇમ બ્રાંચ પહોંચી ગઇ હતી.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. તુલસીભાઇ ચુડાસમા, કોન્‍સ. સંજયભાઇ ખાખરીયાને બાતમી મળતાં અમદાવાદ-રાજકોટ હાઇવે પર બામણબોર ચેકપોસ્‍ટથી એક કિ.મી. રાજકોટ તરફ રામદેવ હોટેલ પાસે જીજે૩૬એક્‍સ-૩૭૭૮ નંબરના ટ્રકને આંતરી લેવાયો હતો. પોલીસે તપાસ કરતાં ઠાઠામાં કાળી માટીના અલગ અલગ બાચકા જોવા મળ્‍યા હતાં. આ બાચકા દૂર કરીને જોતાં પાછળના ભાગેથી અલગ અલગ બ્રાનડનો વિદેશી દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો. પોલીસે ગણતરી કરતાં રૂા. ૩૧,૧૦,૪૦૦નો ૨૦૭૩૬ બોટલ દારૂ મળ્‍યો હતો. આ તમામ બોટલો-ચપલા ૧૮૦ એમએલના હતાં.

પોલીસે ઓલ્‍ડ સ્‍કૂલ ટ્રીપલ ગ્રેઇન વોડકાના રૂા. ૧૯,૫૧,૨૦૦ના ૧૩૦૦૮ નંગ ચપલા (પ્‍લાસ્‍ટીકની બોટલો), સુપર જ્‍યુબીલી વ્‍હીસ્‍કીના ૧૮૦ એમએલના રૂા. ૩૨,૬૬,૪૦૦ના ૧૭૭૬ ચપલા, ઓલ્‍ડ સ્‍કૂલ ટ્રીપલ જામુન ફલવેર વોડકાના રૂા. ૫,૩૨,૮૦૦ના ૩૫૫૨ ચપલા અને ગ્રાન્‍ડ પાર્ટી પ્રીમીયમ જામુન ફલેવર વોડકાના રૂા. ૩,૬૦,૦૦૦ના ૨૪૦૦ ચપલા કબ્‍જે લીધા હતાં. તેમજ મોબાઇલ ફોન, ટ્રક મળી કુલ ૪૬,૨૦,૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

ટ્રક ચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ સત્‍યપાલ ઠાકરારામ ગોદારા-બીશ્નોઇ (ઉ.વ.૨૯, રહે. લાખોલઇ નાડી ગામ તા. ધોરીમન્‍ના જી. બાલોતરા રાજસ્‍થાન) જણાવતાં તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીનસા કહેવા મુજબ ઝડપાયેલો આ ડ્રાઇવર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ તેના વિરૂધ્‍ધ સુરેન્‍દ્રનગરના થાનગઢમાં, પાટણના રાધનપુરમાં દારૂના ગુના નોંધાયા હતાં. દારૂ મોકલનાર અને મંગાવનારને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક પુછતાછમાં ડ્રાઇવરે ચંદીગઢથી જથ્‍થો આવ્‍યાનું રટણ કર્યુ હતું.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ.ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ આર. કે. ગોહિલ, એએસઆઇ રણજીતસિંહ પઢારીયા,  વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્‍સ. તુલસીભાઇ ચુડાસમા, કોન્‍સ. સંજયભાઇ ખાખરીયાની ટીમે આ કામગીરી કરી હતી.

બીજો દરોડો ક્રાઈમ બ્રાન્‍ચ પીએસઆઇ એસ.વી.ચુડાસમા અને ટીમે પાડયો હતો.  એએસઆઈ યશવંતભાઈ ભગત, હેડ કોન્‍સ્‍ટેબલ કરણભાઈ કોઠીવાર, કોન્‍સ્‍ટેબલ અરવીંદભાઈ ફતેપરા અને સંજયભાઈ અલગોતરને મળેલી બાતમી પરથી બેડલા ગામથી આવી રહેલી એક સફેદ કલરની ઈકો નં. જીજે૩૬એલ-૬૧૧૪ને  બેટી ગામથી બેડલા ગામ તરફ જવાના રસ્‍તે આંતરી લેવાઇ હતી. કારમાં તપાસ કરતાં રૂા. ૧.૩૭ લાખનો દારૂ-બીયરનો જથ્‍થો મળતાં તે તથા કાર મળી કુલ ૩.૪૭ લાખનો મુદ્દામાલ કબ્‍જે કરી કારમાં બેઠેલા બે શખ્‍સો અનીલ જેશાભાઇ બાવળીયા (ઉ.વ.૩૦,ધંધો ખેતીકામ રહે-ગામ-રૂપાવટી,વાંકાનેર) અનભરત પીઠુભાલ ધાધલ (ઉ.વ.૨૭, રહે-ગામ-ભલગામ, વાંકાનેર) જણાવતાં બંને સામે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. 

 

(2:58 PM IST)