તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
પરસાણાનગરના વૃધ્ધા ઉષાબેનનો જમાઇએ વ્યાજ માટે હાથ ભાંગી નાંખ્યો!
૫૦ હજાર સામે ૧.૬૫ લાખ ચુકવ્યા છતાં વધુ રકમની માંગણીઃ જમાઇ સંજય રાઠોડ, દિકરી મીરા રાઠોડ અને જમાઇના ભત્રીાજ પ્રતિક વિરૂધ્ધ પ્ર.નગર પોલીસમાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૯: વ્યાજખોરીના વધુ એક બનાવમાં એક વૃધ્ધાને સગી દિકરી, જમાઇ, જમાઇના ભત્રીજાએ વ્યાજ માટે માર મારી હાથ ભાંગી નાંખી તેમજ મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જામનગર રોડ પર પરસાણા નગર શેરી નં. ૧, દીવ્ય એપાર્ટમેન્ટમાં રહેતા ઉષાબેન પ્રવીણભાઈ જોબનપુત્રા (ઉ.વ.૬૫)એ આ મામલે જમાઇ સંજય અભેસીંગભાઇ રાઠોડ, દિકરી મીરા સંજય રાઠોડ અને જમઇાના ભત્રીજા પ્રતિક રાઠોડ સામે ગુનો નોંધ્યો છે.
આશરે અઢી વર્ષ પહેલાં પોતાના જમાઈ સંજય પાસેથી પાંચ ટકાના વ્યાજે રૂ. ૫૦,૦૦૦ લીધા હતા. આ વ્યાજ ભરવા માટે સગવડ ન થતાં, તેમણે દોઢેક વર્ષ પહેલાં બીજા રૂ. ૫૦,૦૦૦ પણ ૫ાંચ ટકા વ્યાજે લીધા હતા. આ પછી તેઓ દર મહિનાની ૧૫ તારીખે નિયમિત રૂ. ૫,૦૦૦ વ્યાજ ચૂકવતા હતા. આ રીતે અત્યાર સુધીમાં કુલ રૂ. ૧,૬૫,૦૦૦ વ્યાજ પેટે ચુકવી દીધા છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે મુળ રકમ પરત ન થઈ શકતાં ઉષાબેનની દીકરી મીરાબેન તથા જમાઈ સંજયભાઈએ વ્યાજની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. અગાઉ ગત તારીખ ૧૨/૫ના રોજ રતનપર ખાતે વ્યાજની ઉઘરાણી બાબતે જમાઈએ ફરિયાદી ઉષાબેનને માર મારી હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું.
જો કે તે સમયે માતાના કહેવાથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી. દરમિયાન ગત તારીખ ૫/૬ના રોજ રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ ફરિયાદી જ્યારે તેમના દીકરા ભાવિનના ઘરે રોકાયા હતા ત્યારે જમાઈ સંજયે ફોન કરીને બિભત્સ ગાળો આપી હતી અને ધમકી આપતા કહ્યું હતું કે-તારા છોકરાને જાનથી મારી નાખવો છે, એના હાડકાં ભાંગી નાખવા છે, પોલીસની બહુ હવા છે તો પોલીસને પણ બોલાવી રાખે, હું આવું છું. ત્યારબાદ ફરિયાદીના દીકરા ભાવિન અને જમાઈના ભત્રીજા પ્રતીક વચ્ચે પણ ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પ્રતીકે પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ધમકીભર્યા ફોન બાદ ફરિયાદીનો પરિવાર ડરી ગયો હતો અને દીકરા ભાવિને તાત્કાલિક ૧૧૨ નંબર પર ફોન કરી પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં કાચી અરજી આપી હતી. આ દરમિયાન જમાઈ સંજય અને તેનો ભત્રીજો પ્રતીક હાથમાં ધોકા લઈને ફરિયાદીના ઘરની બહાર ધસી આવ્યા હતા અને આખા પરિવારને મારવાની ધમકી આપી હતી. અંતે પોલીસ ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ કે. કે. ચાવડાએ ગુનો નોંધ્યો હતો.
(2:05 PM IST)










