તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
રેલનગરના દાબેલીના ધંધાર્થીને ૭થી ૨૫ ટકા વ્યાજે નાણા દઇ ૮ વ્યાજખોરોએ નીચોવી લીધા
પત્નિની સારવાર માટે અને ધંધાના વિકાસ માટે બે વર્ષ પહેલા વ્યાજે નાણા લેવાનું ચાલુ કર્યુ અને જાળમાં ફસાઇ જતાં આપઘાતનો પ્રયાસ કરવો પડયોઃ હોસ્પિટલમાંથી રજા મળતાં ફરિયાદ નોંધાવી : પરેશભાઇ પુરોહિતની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે હીમાંશુ વ્યાસ, દિવ્યરાજસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ રાણા, રાજભા ચુડાસમા, ઇમારાન સંધી, હીમાંશુ ટંકારીયા, બે સગી બહેનો હસીના રફાઇ, રેશ્મા કુરેશી સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૦: વ્યાજખોરીના વધુ એક બનાવમાં પોલીસે કાર્યવાહી કરી છે. બે દિવસ પહેલા રેલનગરમાં રહેતાં દાબેલીના વેપારીએ ઘેનની ટીકડીઓ પી આપઘાતનો પ્રયાસ કર્યાના બનાવમાં પોલીસે તેની ફરિાયદને આધારે બે મહિલા સહિત ૮ સામે વ્યાજખોરીનો ગુનો નોંધ્યો છે.
જાણવા મળ્યા મુજબ રેલનર શ્યામા સ્કાઇ લાઇફ એપાર્ટમેન્ટમાં રહેતાં અને મા કોમ્પલેક્ષમાં શ્યામ કચ્છી દાબેલી નામે ધંધો કરતાં પરેશભાઇ મહેશભાઇ પુરોહિત (ઉ.વ.૫૦) નામના વેપારીએ રવિવારે રાતે રેલનગરમાં ઉંઘની ટીકડીઓ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેઓ ભાનમાં આવ્યા બાદ વ્યાજંકવાદમાં ફસાયાનું ખુલતાં તેમની ફરિયાદ પરથી પોલીસે પુનીતનગરના હીમાંશુ પ્રકાશભાઇ વ્યાસ, રેલનગરના દિવ્યરાજસિંહ મોહનસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ રાણા, પોપટપરાના રાજભા ચુડાસમા, પોપટપરાના ઇમરાન સુલેમાન સંધી, રેલનગર ગુલમહોર પ્લાઝમાં ઓફિસ ધરાવતાં હીમાંશુ ભુપતભાઇ ટંકારીયા, સ્લમ ક્વાર્ટરની હસીનાબેન કમલશા રફાઇ અને રેલનગરની રેશ્માબેન દિલવારભાઇ કુરેશી સામે ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં જણાવાયું છે કે પરેશભાઇ દાબેલીની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજથી આશરે બે વર્ષ પહેલાં તેમની પત્નિ વર્ષાબેનને થાઈરોઈડની બીમારી લાગુ પડતા તેની સારવારના ખર્ચ માટે તેમજ દાબેલીના ધંધાના વિકાસ માટે પરેશભાઈને નાણાંની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી.
આથી તેમણે મજબુરીવશ જુદા-જુદા લોકો પાસેથી ૭થી ૨૫ ટકા જેવી રકમ વ્યાજે લીધી હતી. પરેશભાઈ નિયમિત રીતે તમામ વ્યાજખોરોને વ્યાજ અને ડાયરીના હપ્તા ચૂકવતા હતા. પરંતુ છેલ્લા એકાદ મહિનાથી તેમનો દાબેલીનો ધંધો વ્યવસ્થિત ચાલતો ન હોવાથી વ્યાજના હપ્તા ચુકવવામાં વિલંબ થયો હતો. આથીે પરેશભાઈને ફોન પર તથા રૂબરૂ તેમની દુકાને આવીને બેફામ ગાળો ભાંડી ‘રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખીશું' તેવી ધમકીઓ વ્યાજખોરોએ આપવાનું શરૂ કર્યું હતું.
આ માનસિક ત્રાસ અસહ્ય બની જતાં પરેશભાઈએ ગ૮મીએ રાત્રે સાડા બાર વાગ્યે મેડિકલ સ્ટોરમાંથી ઊંઘની ગોળીઓ ખરીદી એકસાથે ગળી લીધી હતી. ઝેરી અસર થતાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી રજા મળતા જ તેમણે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
હિમાંશુ વ્યાસે બે વર્ષ પહેલાં રૂ. ૨૦,૦૦૦ માસિક ૭ ટકાના વ્યાજે આપ્યા હતા. પરેશભાઈએ રૂ. ૩૨,૦૦૦ ચૂકવી દીધા હોવા છતાં હજુ મૂળ રકમ રૂ. ૨૦,૦૦૦ ની ઉઘરાણી ચાલુ રાખી હતી. દિવ્યરાજસિંહે સાત મહિના પહેલાં રૂ. ૫૫,૦૦૦ માસિક ૧૦ ટકાના વ્યાજે આપ્યા હતા. રૂ. ૩૯,૦૦૦ વસૂલ્યા બાદ પણ વેપારીના દીકરા પાર્થનું રૂ. ૪૫,૦૦૦ ની કિંમતનું લેપટોપ ગીરવે મૂકાવી દીધું હતું અને બે કોરા ચેક તેમજ આધાર-પાન કાર્ડની ઝેરોક્ષ પડાવી લીધા હતા.
દિગ્વિજયસિંહ પાસેથી દોઢ મહિના પહેલાં રૂ. ૩૦,૦૦૦ માસિક ૧૨ ટકાના વ્યાજે આપ્યા હતા. માસિક રૂ. ૧૨,૦૦૦ના હપ્તા નક્કી કરી એક હપ્તો વસૂલ્યો હતો અને બે કોરા ચેક તથા દસ્તાવેજો પડાવ્યા હતા.
રાજભા ચુડાસમા પાસેથી એક મહિના પહેલાં ૧૦ ટકાના વ્યાજે રૂ. ૫,૦૦૦ આપ્યા હતા, જેમાં ૬૦ દિવસ સુધી રોજની રૂ. ૫૦૦ ની ડાયરી ભરવાની શરત હતી. પરેશભાઈએ રૂ. ૧૯,૦૦૦ ભરી દીધા હોવા છતાં આખી મૂળ રકમ રૂ. ૫,૦૦૦ ની માંગણી કરી કોરો ચેક પડાવી લીધો હતો.
તેમજ ઈમરાને એક મહિના પહેલાં ૨૫ ટકાના તોતિંગ વ્યાજે રૂ. ૧૫,૦૦૦ની રોજની રૂ. ૩૦૦ વાળી ડેઇલી ડાયરી આપી હતી. રૂ. ૮,૧૦૦ ચૂકવવા છતાં હજુ મુળ રકમ અને વ્યાજ માટે દબાણ કરતો હતો. હિમાંશુએ દોઢ મહિના પહેલાં રૂ. ૧૫,૦૦૦ માસિક ૨૦ ટકાના વ્યાજે આપ્યા હતા. રૂ. ૬,૦૦૦ વસુલ્યા બાદ પણ બે કોરા ચેક અને આધાર-પાન કાર્ડની નકલો રાખી ત્રાસ આપતો હતો. જ્યારે હસીનાબેન અને તેની બહેન રેશમાબેને ે ત્રણ માસ પહેલાં ભેગા મળીને રૂ. ૨૦,૦૦૦ માસિક ૨૦ ટકાના વ્યાજે વેપારીની દુકાને આવીને આપ્યા હતા. રૂ. ૧૨,૦૦૦ પરત મેળવ્યા બાદ પણ વ્યાજ અને મૂળ રકમ માટે ધમકીઓ આપતી હતી અને બે કોરા ચેક તથા દસ્તાવેજો કબ્જે રાખ્યા હતા. પ્ર.નગર પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઇ ડી. એસ. ગજેરાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(2:06 PM IST)










