તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
રાજકોટ-બરોડા વચ્ચે ૨ અને રાજકોટ-ભુજ રૂટ પર ૩ નવી વોલ્વો બસનો પ્રારંભઃ મેયરના હસ્તે લીલીઝંડી

રાજકોટ, તા.૧૦: રાજકોટ એસ.ટી. વિભાગને ફાળવાયેલી વધુ પાંચ નવીન વોલ્વો બસને મેયર શ્રી નેહલભાઈ શુકલએ લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવ્યું હતું. કુલ પાંચ વોલ્વો બસ પૈકી બે બસ રાજકોટ - બરોડા રૂટ પર અને ત્રણ વોલ્વો બસ રાજકોટ - ભુજ રૂટ પર શરુ થતા મુસાફરોની સુવિધામાં વધારો કરશે. આ નવીન વોલ્વો બસનો ફ્લેગ ઓફ કાર્યક્રમ આજરોજ એસ.ટી. બસપોર્ટ, ઢેબર રોડ, રાજકોટ ખાતે મેયર તેમજ એસ.ટી. વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મેયરશ્રી નેહલભાઈ શુકલએ બસને કુમકુમ તિલક કરી, શ્રીફળ વધેરી બસને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે મેયરશ્રીએ બસમાં બેસી વોલ્વો બસની સુવિધાઓનો સ્વાનુભવ કર્યો હતો. આ પ્રસંગે વિભાગીય નિયામક શ્રી એમ.પી.રાજ તેમજ વોલ્વો બસ મેનેજર શ્રી એન.વી.ઠુંમર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
(2:18 PM IST)










