તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
રાજકોટ જીલ્લામાં ૯ ફુટથી વધુ ઉંચાઇના તાજીયા પર પ્રતિબંધઃ રાત્રે ૧૦થી સવારે ૬ સૂધી લાઉડ સ્પીકરનો ઉપયોગ નહિ કરી શકાય
ઝૂલૂસ કાઢવા માટે પરવાનગી ફરજીયાતઃ નવા એડી. કલેકટર જયકુમાર બારોટનું પ્રથમ જાહેરનામુ

રાજકોટ તા.૧૦: રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આગામી મહોરમ (તાજીયા)ના તહેવારની ઉજવણીને સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે એડી. કલેકટરશ્રી બારોટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું તા.૧૮/૦૬/૨૦૨૬ થી તા.૨૭/૦૬/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
ભૂતકાળમાં તાજીયાના ઝુલુસ દરમિયાન વીજકરંટ લાગવાને કારણે થયેલી દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે.
તાજીયાની બેઠક સહિત ૯ ફુટથી વધુ ઊંચાઈના તાજીયા બનાવવા, વેચવા કે જાહેર માર્ગ પર પરિવહન કરવા પર પ્રતિબંધ છે.
તાજીયામાં લોખંડના સળિયા કે વીજળી વહન કરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકાશે નહીં. લાઈટિંગનું વાયરિંગ ખુલ્લું રાખવા કે વીજળીના થાંભલા/વાયરને નુકસાન થાય તેવા કળત્યો કરવા પર પ્રતિબંધ છે.
સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વગર ઝુલુસ કાઢી શકાશે નહીં અને મંજૂર કરેલા રૂટ કે સમય મર્યાદાનું પાલન કરવાનું રહેશે.
રાત્રે ૧૦ થી સવારના ૦૬ વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં. તેમજ ગંદકી ન ફેલાવવાની અને તાજીયા બિનવારસી હાલતમાં ન છોડવાની સૂચના આપવામાં આવી છે.
આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સબ ઇન્સ્પેકટર અને તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીઓને જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની સત્તા આપવામાં આવી છે.
આ જાહેરનામું રાજકોટ શહેર પોલીસ કમિશનરેટની હકુમત સિવાયના સમગ્ર રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં લાગુ પડશે
(3:47 PM IST)










