<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

રાજકોટમાં રવિવારે માનવતાનો મહાકુંભઃ થેલેસેમિયા પીડિત માસૂમો માટે યોજાશે રક્‍તદાન કેમ્‍પ, મનપાના નવા પદાધિકારીઓનું કરાશે બહુમાન

શ્રી સતનામ ચેરિટેબલ ટ્રસ્‍ટ પ્રેરિત અનોખા સેવા યજ્ઞમાં પૂજ્‍ય સંતોની પાવન નિશ્રા વચ્‍ચે સાંસદ પરશોત્તમભાઇ રૂપાલા, ધારાસભ્‍યો સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે

રાજકોટઃ ‘તમારું એક લોહીનું ટીપું, કોઈકની જિંદગી બચાવી શકે છે' એવા પરમ કલ્‍યાણકારી હેતુ સાથે રાજકોટના આંગણે આગામી રવિવાર, તા. ૧૪ જૂનના રોજ સેવા અને સન્‍માનનો એક અનોખો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. શ્રી સતનામ ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા થેલેસેમિયાગ્રસ્‍ત બાળકોના અમૂલ્‍ય જીવનને નવજીવન આપવા માટે રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સેવા યજ્ઞની સાથે-સાથે રાજકોટ મહાનગરપાલિકાના નવા ચૂંટાયેલા પદાધિકારીઓનો સન્‍માન સમારોહ અને રક્‍તદાતાઓનો ગરિમામય બહુમાન કાર્યક્રમ પણ યોજાશે. આ કાર્યક્રમ વ ડો. યાજ્ઞિક રોડ પર, જયસીયારામ પેંડાની સામે આવેલા શ્રી કક્કરબાપા કુમાર છાત્રાલય ખાતે રવિવારે સવારે ૮ થી સાંજના ૪ વાગ્‍યા સુધી યોજાશે. તેમ શ્રી સતનામ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ જયશભાઇ ઘાવરી મો. ૯૭૩૭૨ ૯૯૪૧૦એ જણાવ્‍યું છે.

આ ભગીરથ કાર્યક્રમની શરૂઆત આધ્‍યાત્‍મિક વાતાવરણમાં પૂજ્‍ય ધર્મગુરુ શ્રી રામબાપુ, શ્રી ચિમનાજીબાપુ, શ્રી વિજયબાપુ અને શ્રી ગોપાલબાપુના  હસ્‍તે દીપ પ્રાગટ્‍ય અને આશીર્વચન સાથે થશે. સમારોહના મુખ્‍ય પ્રમુખ સ્‍થાને રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી નેહલભાઈ શુક્‍લ ઉપસ્‍થિત રહેશે.  મુખ્‍ય અતિથિ વિશેષ તરીકે રાજકોટ લોકસભાના સાંસદશ્રી પરશોત્તમભાઇ  રૂપાલા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ અને ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા હાજરી આપશે.

આ ઉપરાંત પ્રજાસેવાના સંકલ્‍પ સાથે મેદાનમાં ઉતરેલી મનપાની નવી ટીમ અને વરિષ્ઠ અગ્રણીઓ પણ ખાસ હાજર રહી પ્રેરણા પૂરી પાડશે, જેમાં સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, દંડક સંજયસિંહ રાણા, શાસક પક્ષના નેતા હિરેનભાઈ ખીમાણીયા, કર્ણાવતી શહેર પ્રભારી કશ્‍યપભાઈ શુક્‍લ, કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, વિવેકાનંદ યુથ ક્‍લબના પ્રમુખ અનુપમભાઈ દોશી અને પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ ઉપસ્‍થિત રહેશે.

સિવિલ હોસ્‍પિટલના લાભાર્થે  શરૂ થનારા રક્‍તદાન કેમ્‍પની વચ્‍ચે જ સવારે ૧૧કલાકે મનપાના નવા વરાયેલા તમામ પદાધિકારીઓનું જાહેર નાગરિક સન્‍માન કરવામાં આવશે અને ત્‍યારબાદ તુરંત જ સવારે ૧૧:૩૦ કલાકે રક્‍તદાન કરીને મહાદાન કરનારા તમામ રક્‍તદાતાઓનું વિશેષ બહુમાન કરાશે.

કાર્યક્રમનું સંચાલન કિશનભાઈ ડી. પરમાર કરશે.

તસ્‍વીરમાં રામદાસ બાપુ - ધર્મગુરૂશ્રી, હીરાભાઇ ધાવરી-ટ્રસ્‍ટી, વિનુભાઇ-આગેવાન, રવિભાઇ ચુડાસમા-આગેવાન, જયેશભાઇ ધાવરી, ટ્રસ્‍ટી,  દિનેશભાઇ ગોહેલ-પ્રમુખ, બટુકભાઇ વાઘેલા- અગ્રણી, નિતીનભાઇ વાઘેલા- અગ્રણી, અભિષેકભાઇ ગોરી- મહામંત્રી, કિશનભાઇ પરમાર- વકતા, ગોવિંદભાઇ સોલંકી- અગ્રણી નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

 

(3:43 PM IST)