તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૫ બુધવાર
News of Thursday, 11th June 2026
પડધરીના મોટા રામપર પાસે રેલનગરના સલમાનનું બાઇક અકસ્માતમાં મોતઃ રેસ લગાવ્યાની ચર્ચા?
૩૩ વર્ષિય સલમાન શેખ રેલ્વે પાર્સલ વિભાગમાં લેબર વર્કર હતોઃ એકના એક દિકરાના મોતથી પરિવારમાં માતમઃ બાઇકની પાછળ બેઠેલા મિત્ર જીજ્ઞેશનો બચાવઃ તેણે ફોન બંધ કરી દીધોઃ રેલનગર-કોઠારીયા રોડ હુડકોના યુવાનોએ રાતે રેસ લગાવ્યાનું પરિચીતનું કથનઃ પડધરી પોલીસે તપાસ શરૂ કરી : પડધરી ગોલા ખાવા જવાનું કહીને યુવાનો ગયા હતાં: ખરેખર અકસ્માત કઇ રીતે સર્જાયો તેની તપાસ

રાજકોટ તા. ૧૧: રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી વિસ્તારમાં અવાર-નવાર કેટલાક યુવાનો રાતે બાઇક રેસ લગાવતાં હોવાનું અગાઉ સામે આવી ચુક્યુ છે. અગાઉ પોલીસે આવા બાઇકર્સની સામે કાર્યવાહી પણ કરી હતી. આ દરમિયાન પડધરી નજીક રાત્રીના બાઇક અકસ્માતમાં રાજકોટના રેલનગરના યુવાનનું મોત થયું છે. આ યુવાન સહિતના કેટલાક યુવાનોએ રાતે બાઇક રેસ લગાવી હોઇ તે વખતે આ જીવલેણ અકસ્માત સર્જાયાનું મૃતકના પરિચીતે જણાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. મૃત્યુ પામનાર યુવાનના બાઇક પાછળ જે યુવાન બેઠો હતો તેનો ચમત્કારીક બચાવ થયો હતો. તે પોસ્ટમોર્ટમ રૂમેથી નીકળી ગયો હતો અને ફોન બંધ કરી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ રેલનગરમાં શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ સી-વીંગ-૬૦૫માં રહેતાં સલમાનભાઇ સુલેમાનભાઇ શેખ (ઉ.વ.૩૩) નામના યુવાનને રાતે સાડા અગીયાર આસપાસ પડધરીના મોટા રામપર ગામ પાસે બાઇક અકસ્માતમાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર સલમાનભાઇ એક બહેનથી મોટો અને પરિવારનો આધારસ્તંભ હતો. તે રેલ્વેના પાર્સલ વિભાગમાં લેબર વર્ક કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના લગ્ન ૨૦૨૪માં થયા હતાં. પોસ્ટમોર્ટમ રૂમ ખાતે હાજર તેના સગા પરિચીતે જણાવ્યું હતું કે રાતે સલમાનભાઇ તેનું બાઇક લઇને નીકળ્યો હતો. આ બાઇક તે મિત્રને આપીને અન્ય કોઇ જીજ્ઞેશ નામના મિત્રના બાઇકમાં બેઠો હતો. આ બાઇક બાદમાં સલમાનભાઇ ચલાવતો હતો. પરિવારજનોને એવુ જાણવા મળ્યું છે કે રેલનગર, કોઠારીયા રોડ હુડકો ચોકડીના કેટલાક યુવાનો રાતે પડધરી ગોલા ખાવા જવાનું કહીને ગયા હતાં. બાદમાં રેસ લગાવતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.
સલમાનભાઇ જે બાઇક ચલાવતો હતો તે બાઇક જીજ્ઞેશ નામના યુવાનનું હતું. તે આ બાઇકની પાછળ બેઠો હતો અને તેનો ચમત્કારીક બચાવ થયો હતો. જો કે તે પોતાનો ફોન બંધ કરી હોસ્પિટલેથી રાતે જ નીકળી ગયાનું સગાએ કહ્યું હતું. ખરેખર આ બનાવ કેવી રીતે બન્યો? તેની તપાસ પડધરી પોલીસ કરી રહી છે. યુવાન અને આધારસ્તંભ દિકરાના મોતથી રેલનગરના શેખ પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
(10:42 AM IST)










