<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ત્રંબામાં વાડીમાં ૧૩ લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું

પિયુષ રૈયાણીએ વાડીના ફળોના ખામણાઓમાં ગાંજો વાવી દીધો હતોઃ ૨૬ કિલો વજનના લીલા-સુકા ૩૭ છોડ કબ્‍જે : શાંતિધામ સ્‍મશાનથી આગળના કાચા રસ્‍તે આવેલી બાબુભાઇ ચકુભાઇ રૈયાણીની વાડી પિયુષ રૈયાણીએ વાવવા રાખી છેઃ આંબા-ચીકુના બાગ વચ્‍ચે ગાંજો વાવી દીધો હતોઃ ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ એચ. એન. પટેલ અને ટીમનો દરોડોઃ પ્રદિપસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજાની બાતમીથી કાર્યવાહી

રાજકોટ તા. ૧૧: રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા ત્રંબા કસ્‍તુરબાધામ ખાતે એક ખેડુતે આંબા-ચીકુના બાગ વચ્‍ચે ગાંજાનું વાવેતર પણ કરી દીધુ હોવાની માહિતી પરથી આજીડેમ પોલીસે દરોડો પાડી રૂા. ૧૩ના લાખના ૨૬ કિલો ગાંજાના છોડ કબ્‍જે કરી કાર્યવાહી કરી છે. પોતાના જ કાકાનું ખેતર આ ખેડુતે વાવવા રાખ્‍યું હતું અને તેમાં ફળોના ખામણાની વચ્‍ચે ગાંજો પણ વાવી દીધો હતો. ખેતરમાંથી લાખોનું ગાંજાનું વાવેતર ઝડપાતાં ચકચાર મચી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ ‘સે નો ટુ ડ્રગ્‍સ' ઝુંબેશ અંતર્ગત આજીડેમ પોલીસ સ્‍ટેશનની ટીમ માદક પદાર્થનું ખરીદ-વેચાણ કે સેવન કરતાં શખ્‍સોને શોધવા માટે પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એક ચોક્કસ બાતમીના આધારે ત્રંબા ગામની સીમમાં ખેતરમાં ત્રાટકી ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા લીલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વાડીમાંથી નાના-મોટા કદના કુલ ૩૭ નંગ લીલા-સુકા ગાંજાના છોડ કુલ વજન ૨૬ કિલોગ્રામ, કિંમત રૂપિયા ૧૩,૦૦,૦૦૦ તથા એક મોબાઈલ ફોન કિંમત ૧૦,૦૦,૦૦ મળી કુલ ૧૩,૧૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ખેડૂતની અટકાયત કરી છે. આ મામલે પોલીસે ત્રંબામાં રામજી મંદિરની બાજુમાં રૈયારાજ મકાનમાં રહેતાં પિયુષ શંભુભાઇ રૈયાણી સામે એનડીપીએસનો ગુનો નોંધી અટકાયત કરી વિશેષ પુછતાછ હાથ ધરી છે.

આજીડેમ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એચ.એન. પટેલ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્‍ટાફ હાજર હતો, તે દરમિયાન પોલીસ કોન્‍સ્‍ટેબલ પ્રદિપસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા અને કુલદિપસિંહ જાડેજાને ખાનગી રાહે પાકી બાતમી મળી હતી કે, ત્રંબા ગામના શાંતિધામ સ્‍મશાનથી આગળ વાડી તરફ જવાના કાચા રસ્‍તે આવેલ બાબુભાઈ ચકુભાઈ રૈયાણીની વાડીમાં પિયુષભાઈ રૈયાણીએ ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરલુ છે. બાતમી મળતા જ પોલીસે નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા રજીસ્‍ટ્રાર કચેરીનો સંપર્ક કરી બે સરકારી પંચ બોલાવાયા હતાં અને દરોડો પાડવામાં આવ્‍યો હતો.

પોલીસ કાફલો ત્રંબા ગામની સીમમાં આવેલી વાડીએ પહોંચ્‍યો ત્‍યારે ત્‍યાં હાજર એક શખ્‍સ મળી આવ્‍યો હતો, જેણે પોતાનું નામ પિયુષ શંભુભાઈ રૈયાણી-પટેલ (ઉ.વ.૩૫-રહે. ત્રંબા રામજી મંદિર પાસે)  જણાવ્‍યું હતું. પિયુષે ખુલાસો કર્યો હતો કે આ વાડી તેના કાકા બાબુભાઈ ચકુભાઈ રૈયાણીની માલિકીની છે અને પોતે ભાગીદારી/મજૂરીથી આ વાડી વાવવા રાખી છે. પોલીસે વાડીમાં તપાસ કરતાં વાડીના દક્ષિણ છેડા તરફ કાંટાડા તારની ફેન્‍સિંગ નજીક અલગ-અલગ આંબા અને અન્‍ય ફળોના વળક્ષોની વચ્‍ચે છૂટક-છૂટક વાવેલા અણીદાર પાંદડાવાળા અનિયમિત આકારના કુલ ૩૭ નંગ ગાંજાના છોડ મળી આવ્‍યા હતા.

આથી પોલીસે એફએસએલ અધિકારી કે.એમ. તાવીયાને સ્‍થળ પર બોલાવતાં તેમણે નાર્કોટિક્‍સ ટેસ્‍ટિંગ કીટ વડે સ્‍થળ પર પ્રાથમિક રાસાયણિક પરીક્ષણ કરી આ છોડ કેનાબીસ-ગાંજાના સક્રિય ઘટકો ધરાવતા હોવાનું પ્રમાણિત કર્યું હતું.

પોલીસે નાના મોટા મુળીયા સહિતના ૩૭ છોડનું વજન કરતાં તે અલગ અલગ થયું હતું. કુલ ૧૩ લાખના ૨૬ કિલોગ્રામ ગાજાના છોડ કબ્‍જે કરાયા હતાં. જેની કિંમત રૂા. ૧૩ લાખ ગણવામાં આવી છે. આરોપી પિયુષભાઈ શંભુભાઈ રૈયાણી પાસે આ માદક પદાર્થના વાવેતર કે વેચાણ અંગેનો કોઈ આધાર કે પરવાનો ન હોવાથી પોલીસે તેની સામે એન.ડી.પી.એસ.ની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત આ કામગીરી પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ એસ. વી. ગોહિલ, એએસઆઇ રવિભાઇ વાંક, હેડકોન્‍સ. પિયુષભાઇ ચીરોડીયા, હરપાલસિંહ જાડેજા, ભરતભાઇ જોગીયા, દેવાંગભાઇ પાલા, સંજયભાઇ મિયાત્રા,  હિતેષભાઇ અગ્રાવત, લક્ષમણભાઇ મકવાણા, સવજીભાઇ હુંબલ, કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ જાડેજા, મહેશભાઇ કોઠીવાળ, કુલદીપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ, મનિષભાઇ શિરોડીયા, વિશ્વરાજસિંહ પરમાર, પ્રતિકભાઇ બોરસદીયાએ આ કામગીરી કરી હતી. વેંચવા માટે પિયુષે ગાંજાનું વાવેતર કર્યુ હતું. ગાંજો પાકવાની તૈયારીમાં જ હતો. જો કે થોડા દિવસમાં પિયુષ ગાંજાનું વેંચાણ કરે એ પહેલા જ આજીડેમ પોલીસ ત્રાટકી હતી. વિશેષ તપાસ માટે રિમાન્‍ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(3:02 PM IST)