તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 11th June 2026
આખરે મુર્હૂત નીકળ્યું: શનિવારથી સાંઢીયો પુલ વાહનચાલકો માટે ધમધમશે
છેલ્લા બે વર્ષથી લોકોને પડતી પારાવાર તકલીફ પુરી થશેઃ તા.૧૩ના સવારે ૧૦ વાગ્યે હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ : પદાધિકારીઓ અને મ્યુ.કમિશનર સહિતના અધિકારીઓની સ્થળ મુલાકાતઃ મેયર નેહલ શુકલની નવો બ્રિજ ખુલ્લો મુકવાની સતાવાર જાહેરાત

બ્રિજની ટેકનીકલ માહિતી : કુલ ૬૦૦ મીટર લંબાઇ, સીવીલ હોસ્પિટલ સાઇડ ર૯૮ મીટર, માધાપર સાઇડ ર૯૮ મીટર, રેલવે ટ્રેક ઉપરનો સ્પાન ૩૬ મીટરનો રાખવામાં આવ્યો છે. પહોળાઇ ૧૬.૪૦ મીટર અને ઉંચાઇ ૬.રપ મીટર છે. આ બ્રીજ પ૪ ફુટનો બન્યો છે. આ બ્રીજમાં ર૦ પીલર અને રર સ્પાન બનાવાયા છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટઃ તા. ૧૧: અંતે શહેરના જામનગર રોડ સ્થિત સાંઢીયા પુલ લોકાર્પણનું મુર્હુત આવી પહોંચ્યું છે. આજે મનપા પદાધિકારીઓ તથા અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી કામગીરીને આખરી ઓપ આપ્યો હતો. સંભવતઃ શનિવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાંઢીયો પુલ ખુલો મુકાશે અને લાખો વાહન ચાલકોની બે વર્ષથી વધુની મુશ્કેલીનો અંત પણ આવશે જો કે આ અંગે મનપાની સત્તાવાર જાહેરાત બાકી છે.
રાજકોટ-જામનગર રોડ પર વાહનચાલકો લાંબા સમયથી જે સાંઢિયા ફ્લાયઓવર બ્રિજની રાહ જોઈ રહ્યા હતા, તે હવે પૂર્ણતાના આરે પહોંચી ગયો છે. બ્રિજના મોટાભાગના ટેકનિકલ અને ફિનિશિંગ કામો પૂર્ણ થઈ જતા આજે મેયર, મ્યુનિસિપલ કમિશનર અને અન્ય અધિકારીઓએ સ્થળ પર પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન અધિકારીઓએ કામથી સંતોષ વ્યક્ત કર્યો હતો અને ટૂંક સમયમાં બ્રિજના લોકાર્પણની તારીખ જાહેર કરવામાં આવશે તેવી માહિતી આપી હતી.
ગત ૨૯ મેના રોજ મેયર સહિતના પદાધિકારીઓએ બ્રિજની મુલાકાત લીધી હતી. તે સમયે વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા સહિત કેટલીક ટેકનિકલ ખામીઓ સામે આવી હતી. આ મુદ્દે મેયરે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને કડક શબ્દોમાં ઠપકો આપીને તમામ ખામીઓ તાત્કાલિક દૂર કરવા સૂચના આપી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા સતત દેખરેખ રાખી જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા હતા.
આજે ફરી એકવાર મેયર અને કમિશનર સહિતના અધિકારીઓએ ઓવરબ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, સુરક્ષા માપદંડો તેમજ ફિનિશિંગ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ અગાઉ સૂચવાયેલી તમામ મુખ્ય ખામીઓનું નિવારણ થઈ ગયું છે અને હવે બ્રિજ લોકાર્પણ માટે તૈયાર છે.
આ બ્રિજ શરૂ થતાં રાજકોટ-જામનગર માર્ગ પર ટ્રાફિકની અવરજવર વધુ સુગમ બનશે અને વાહનચાલકોને લાંબા સમયથી ભોગવવી પડતી ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે.
આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ૧૮ મહિનાનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો હતો. રાજકોટ મનપા દ્વારા કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા માટે પહેલાથી જ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ માટે ભોમેશ્વર પાસેથી ડાઈવર્ઝન કાઢવામાં આવ્યું હતું. ત્યાંથી ચાલતા વાહનવ્યવહારમાં લોકોને ખૂબ મુશ્કેલીઓ પડતી હતી. જોકે સાંઢિયા પુલમાં તમામ ૧૨૦ ગર્ડર સફળતાપૂર્વક મુકાઈ ગયા છે. ઉપરાંત, પુલ પર અન્ય સ્લેબ ભરવાની પ્રક્રિયા તેમજ સર્વિસ રોડ સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે પદાધિકારીઓ દ્વારા ફાઇનલ વિઝીટ પણ કરી લેવામાં આવી છે. અને આજે નવનિર્મિત બ્રિજના લોકાર્પણની તારીખની પણ જાહેરાત કરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર ભોમેશ્વર પાસે આવેલા ૪૦ વર્ષથી વધુ જૂના સાંઢિયા પુલના સ્થાને રૂ. ૭૪.૩૨ કરોડ રૂપિયાના ખર્ચે ફોર લેન ઓવરબ્રિજ બનાવવામાં આવ્યોછે. પ્રોજેક્ટમાં સૌથી મહત્વનો પડકાર રેલવે ટ્રેક પરના ભાગને તોડવાનો હતો. કારણ કે આ કામગીરી દરમિયાન રેલવે વ્યવહારને નુકસાન ન થાય અને સલામતી જળવાઈ રહે તે અત્યંત જરૂરી હતું.
મનપા દ્વારા ત્રણ મહિનાની સઘન મથામણ અને વિવિધ ટેકનિકલ પ્રસ્તાવો રજૂ કર્યા બાદ રેલવેની મંજૂરી મળી હતી. અને રેલવે ટ્રેક પરનો ભાગ તોડવા માટે ઁડાયમંડ કટિંગ ટેકનોલોજીઁનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
(3:01 PM IST)










