<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

સોમનાથ સોસાયટીમાં ઘર સામે પાર્ક કરાયેલા બાઇકમાંથી પેટ્રોલ ચોરી પછી આગ લગાડી!

વહેલી સવારે ચાર વાગ્‍યે આવેલા બે શખ્‍સોનું કારસ્‍તાનઃ પાનની દુકાનમાં નોકરી કરતાં મહેશભાઇ મેંદપરાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધાયોઃ ઘટના સીસીટીવીમાં કેદ થઇ તસ્‍વીરમાં અજાણ્‍યા બે શખ્‍સ અને સળગતુ બાઇક અને સળગી ગયા પછીની હાલત જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૧: શહેરના  ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલી સોમનાથ સોસાયટી-૧માં ઘર આંગણે પાર્ક કરેલી એક મોટરસાયકલને બે અજાણ્‍યા યુવકોએ રાત્રિના સમયે આગ ચાંપી દેતાં પોલીસને જાણ કરવામાં આવી  છે.  પાડોશીએ સમય સુચકતા વાપરી બુમો પાડતા આગને કાબુમાં લેવાઈ હતી, પરંતુ ત્‍યાં સુધીમાં બાઇક અડધુ સળગી ગયુ હતું. આ સમગ્ર ઘટના બાજુના મકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોઇ તપાસ શરૂ થઇ છે. પહેલા તો આ બંનેએ આ બાઇકમાંથી પેટ્રોલ ચોરી લીધુ હતું અને બાદમાં  આગ લગાડી હતી!

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે સોમનાથ સોસાયટી-૧ શેરી નં. ૩માં રહેતાં મહેશભાઇ વલ્લભભાઇ મેંદપરા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી અજાણ્‍યા બે શખ્‍સ સામે ગુનો નોંધ્‍યો છે. મહેશભાઇ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે આવેલ પ્‍યાસ પાન નામની દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. ૬ના  રાત્રે અગીયારેક વાગ્‍યે પોતાની નોકરી પુરી કરીને ઘરે આવ્‍યા હતા. તેમણે પોતાનું કાળા રંગનું હોન્‍ડા શાઇન મોટરસાયકલ જીજે૦૩કેઆર-૯૧૯૧ ઘરની સામે લોક કરીને રાખ્‍યું હતું અને સુઇ ગયા હતાં.

બીજા દિવસે ૭મીએ સવારે ચારેક વાગ્‍યે પાડોશમાં રહેતા ભાવુબેન વૈષ્‍ણાની નામના મહિલાએ પોતાના ફળિયામાંથી મહેશભાઈનું નામ લઈને જોરજોરથી બુમો પાડવાનું શરૂ કર્યું હતું. બુમો સાંભળીને મહેશભાઈ જાગી ગયા હતા અને ઘરનો દરવાજો ખોલીને બહાર દોડી આવ્‍યા હતા. બહાર આવીને જોયું તો તેમનું બાઇક સળગી રહ્યું હતું.  મહેશભાઈએ તાત્‍કાલિક પાણીની ડોલ ભરીને  છાંટતા માંડ-માંડ આગ ઓલવાઈ હતી.જો કે અડધુ બાઇક બળી ગયું હતું.

આગ ઓલવાયા બાદ સોસાયટીના રહેવાસી દુષ્‍યંતભાઈએ પોતાના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ફૂટેજ જોતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે વહેલી સવારે બે અજાણ્‍યા મોટરસાયકલ સવાર યુવાનો આશરે સાડા પાંચ ફૂટ હાઇટ ધરાવતા ત્‍યાં આવ્‍યા હતા. જેમાંથી એક શખ્‍સ બાઇક પર બેઠો રહ્યો હતો અને બીજો બાઇકમાંથી પેટ્રોલ કાઢતો હોય તેવું સ્‍પષ્ટ દેખાતું હતું. પેટ્રોલ કાઢી જતાં રહ્યા બાદ ફરી એક શખ્‍સ આવ્‍યો હતો અને આગ લગાડી ભાગીગયો હતો. આગથી વાહનમાં ૩૫ હજારનું નુકસાન થયું છે. મહેશભાઇના કહેવા મુજબ સીસીટીવીમાં બે શખ્‍સ દેખાયા છે, પણ ઝાંખા દ્રશ્‍યો છે, આ શખ્‍સોના વાહનના નંબર કે ચહેરા દેખાતા નથી. પોતાને કોઇ સાથે માથાકુટ પણ નથી. પેટ્રોલ ચોરીને પછી બાઇક સળગાવી ભાગેલા બંનેને શોધવા યુનિવર્સિટી પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે. આ મામલે હેડકોન્‍સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધ્‍યો હતો. (૧૪.૯)

 

(3:17 PM IST)