<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

સાઇકલ હંકારી નોકરીએ જઇ રહેલા ગંજીવાડાના વિનુભાઇ મકવાણાનું ટ્રકની ઠોકરે ચડતાં મોત

આજીડેમ ચોકડીથી હુડકો ચોકડી વચ્‍ચેના રસ્‍તા પર બનાવથી અરેરાટી ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોતઃ બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૧: આજીડેમ ચોકડીથી કોઠારીયા ચોકડની વચ્‍ચેના રસ્‍તે સાઇકલને અજાણ્‍યા ટ્રકના ચાલકે ઠોકરે ચડાવતાં સાઇકલસવાર ગંજીવાડાના આધેડનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્‍થળે જ કમકમાટી  ભર્યુ મોત થયું છે. નોકરીએ જતી વખતે આ બનાવ બન્‍યો હતો. અકસ્‍માત એટલો ગંભીર હતો કે આધેડના બંને પગનો છુંદો બોલી ગયો હતો અને મોઢા, શરીરે પણ ગંભીર ઇજાઓ થઇ હતી. જે જીવલેણ નીવડી હતી. જાણવા મળ્‍યા મુજબ ગંજીવાડા શેરી નં. ૨૭માં રહેતાં વિનુભાઇ આલાભાઇ મકવાણા (ઉ.વ.૪૬) સવારે સાઇકલ હંકારીને આજીડેમ ચોકડીથી કોઠારીયા ચોકડી તરફ જતાં હતાં ત્‍યારે વચ્‍ચે શિવ શક્‍તિ સર્વિસ સ્‍ટેશન પાસે તેઓ સાઇકલ સહિત ટ્રકની ઠોકરે આવી જતાં ઘટના સ્‍થળે જ મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ જતાં પોલીસને જાણ કરી હતી. આજીડેમ પોલીસની ટીમે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર વિનુભાઇ મકવાણા ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. સંતાનમાં બે દિકરા છે. પોતે સંસ્‍કાર ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં  કારખાનામાં નોકરી કરતાં હતાં. સવારે નોકરીએ જતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. મોભીના મોતથી મકવાણા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(3:36 PM IST)