<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

શહેરના વાવડી રોડ રૂ.૨૧ લાખના ખર્ચે રોશનીથી ઝળહળ્‍યો

પુનિતનગર ચોકથી વાવડી ગામના ગેઇટ સુધીનો માર્ગ હવે આધુનિક એલઇડી લાઇટોનું મેયર નેહલ શુકલના હસ્‍તે લોકાર્પણ

રાજકોટ, તા. ૧૧:  મહાનગરપાલિકા દ્વારા શહેરમાં માર્ગ સુરક્ષા વધારવા, રાત્રિના સમયે નાગરિકોને માર્ગ પર વધુ સુવિધાજનક અવરજવર મળી રહે તેમજ આધુનિક શહેરી માળખાકીય સુવિધાઓના વિકાસના ભાગરૂપેવાવડી રોડ પર પુનિતનગર ચોકથી વાવડી ગામના ગેઇટ સુધી સેન્‍ટ્રલ લાઇટિંગ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

 આ લોકાર્પણ પ્રસંગે  મહાનગર પાલિકાના મેયર ડૉ.નેહલ શુકલ, ધારાસભ્‍ય ભાનુબેન બાબરિયા, શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી યોગેન્‍દ્રસિંહ જાડેજા, વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર ડૉ.પ્રદિપ ડવ,  કિશનભાઈ ટીલવા,  કિરણબેન હરસોડા,  જયશ્રીબા જાડેજા, વોર્ડ પ્રભારી  નરસિંહભાઈ કાકડીયા, પ્રમુખ  જયેશભાઈ પંડ્‍યા, મહામંત્રી  ધીરજભાઈ મુંગરા, મનસુખભાઈ વેકરીયા, રાજદીપસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, સંગઠનના હોદ્દેદારઓ, વોર્ડના હોદ્દેદારઓ તેમજ નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

 આ કામગીરી અંતર્ગત માર્ગના મધ્‍યભાગમાં કુલ૪૩ નંગ સેન્‍ટ્રલ લાઇટિંગ પોલ ઉભા કરવામાં આવ્‍યા છે. આ પોલ પર કુલ ૯૨ નંગ ૯૦ વોટ ક્ષમતાવાળા આધુનિક એલઇડી સ્‍ટ્રીટલાઈટ ફિક્‍સર સ્‍થાપિત કરવામાં આવ્‍યા છે. આ સમગ્ર કામગીરી પાછળ અંદાજેરૂ. ૨૧ લાખનો ખર્ચકરવામાં આવ્‍યો છે.

 વાવડી રોડ શહેરના ઝડપી વિકાસ પામી રહેલા વિસ્‍તારોપૈકીનો એક માર્ગ છે. આ માર્ગ પરથી રોજિંદા મોટી સંખ્‍યામાં વાહનચાલકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ તથા સ્‍થાનિક નાગરિકોની અવરજવર રહે છે. અગાઉ રાત્રિના સમયે પૂરતી પ્રકાશ વ્‍યવસ્‍થા ન હોવાને કારણે કેટલીક અસુવિધાઓનો સામનો કરવો પડતો હતો. હવે નવી સેન્‍ટ્રલ લાઇટિંગ વ્‍યવસ્‍થા કાર્યરત થતા માર્ગ પર પૂરતો અને એક સરખો પ્રકાશ ઉપલબ્‍ધ બન્‍યો છે, જેના કારણે વાહનચાલકોને વધુ સ્‍પષ્ટ દૃશ્‍યતા મળશે તેમજ માર્ગ અકસ્‍માતોની સંભાવનામાં ઘટાડો થવાની અપેક્ષા છે.

સ્‍થાપિત કરવામાં આવેલી એલઇડી લાઇટો ઊર્જા કાર્યક્ષમતાની દૃષ્ટિએ પણ લાભદાયી છે. ઓછી વીજળીના વપરાશ સાથે વધુ પ્રકાશ આપવાની ક્ષમતાને કારણે વીજ ખર્ચમાં બચત થશે તેમજ ઓછા જાળવણી ખર્ચને કારણે આ વ્‍યવસ્‍થા લાંબા ગાળે વધુ અસરકારક સાબિત થશે.

(3:42 PM IST)