News of Thursday, 11th June 2026
સોપારી ખાવા મામલે પ્રેમીના હુમલામાં ઘાયલ જ્યોતિનું મોતઃ બનાવ હત્યામાં પરિણમ્યો
જુનાગઢની ઘટનામાં યુવતિએ રાજકોટમાં દમ તોડયોઃ મૃતક દશામાની ભુઇમા હોવાનું કહી પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવા આનાકાની કરી : તે બાધા લીધી છે તો'ય કેમ સોપારી ખાઇ ગઇ? કહી પ્રેમી કમ પતિ તૂટી પડયો હતો

રાજકોટ તા. ૧૧: જુનાગઢના ધરારનગરમાં બે દિવસ પહેલા જ્યોતિ રમેશભાઇ પરમાર (ઉ.વ.૨૦) ઉપર તેના પ્રેમી ભોલા ગોવિંદભાઇ સોલંકીએ દસ્તો કે બોથડ પદાર્થ ફટકારી ગંભીર ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ મામલે જુનાગઢ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. દરમિયાન જ્યોતિનું સારવારમાં મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
જુનાગઢ પોલીસના જણાવ્યા મુજબ ધરારનગરમાં હુડકો પોલીસ લાઇન પાછળ રહેતો ભોલો અને તેની સાથે એક વર્ષથી લગ્ન વગર રહેતી જ્યોતિ એમ બંને તા. ૮ના રોજ સક્કર બાગ નજીક જ્યોતિના ભાઇ સાગર પરમારના ઘરે છાપરૂ બાંધવા ગયા હતાં. અહિ જ્યોતિએ પોતે સોપારી ખાવાની બાધા લીધી હોવા છતાં સોપારી ખાઇ લીધી હોઇ આ જોઇ પ્રેમી કમ પતિ ભોલાએ તેની સાથે ઝઘડો કર્યો હતો. આ વખતે જ્યોતિના ભાઇ સાગરે બંનેને સમજાવ્યા હતાં. પણ ભોલાએ ઉશ્કેરાઇ જઇ બોથડ પદાર્થથી પ્રહાર કરી દેતાં જ્યોતિને ગંભીર ઇજા થઇ હતી અને રાજકોટ ખસેડાઇ હતી. અહિ તેણીનું મોત થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેણી નાનપણથી દશામાની ભુઇ હોઇ તેનું પોસ્ટમોર્ટમ કરાવવાની આનાકાની કરી હતી. જો કે બાદમાં પરિવારજનો સમજી ગયા હતાં. તેણી બે ભાઇ, બે બહેનમાં નાની હતી. લગ્ન વગર એક વર્ષથી ભોલા ભેગી રહેતી હતી.
(3:45 PM IST)










