News of Thursday, 11th June 2026
કોર્પોરેશન હાય હાયઃ ગંદા પાણીનું વિતરણઃ મહિલાઓ વિફરી
શહેરના વોર્ડ નં.૧ તથા ર માં ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી ગયાની વ્યાપક ફરિયાદો : મનપા પાસે નળની લાઇનનો નકશો ન હોવાનો સ્થાનીકોનો આક્ષેપઃ રિપેરીંગ ગોકળ ગતિએઃ કોર્પોરેટરો- અધિકારીઓ સુષુપ્ત

રાજકોટઃ શહેરના અનેક વિસ્તારો હાલ રસ્તા ખોદી પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે વોર્ડ નં.૧ તથા વોર્ડ નં.ર ના અમુક વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનમાં દુષીત પાણી ભળી ગયાની ફરિયાદો ઉઠવા લાગી છે. જેમાં ૧ મહિનાથી ગંદા પાણીની મનપામાં ફરિયાદ કરી હોવા છતા કોઇ નિરાકરણ ન આવતા સ્થાનીકોમાં રોષ સાથે રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો છે. મહિલાઓ દ્વારા કોર્પોરેશન હાય-હાયના નારા લગાવી આક્રોશ વ્યકત કરાયો હતો.
વોર્ડ નં.૧ના ધરમનગર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી દૂષિત પાણી આવતા સ્થાનિકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક મહિલાઓએ એકત્ર થઈ કોર્પોરેશન હાય-હાયના નારા લગાવી પોતાની વેદના અને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
રહેવાસીઓના જણાવ્યા મુજબ, ગંદુ પાણી પીવાને કારણે બાળકો અને વળદ્ધો બીમાર પડી રહ્યા છે, તેમજ ત્વચાની સમસ્યાઓ પણ વધી છે. નિયમિત વેરો ભરવા છતાં પાયાની સુવિધા મળતી ન હોવાથી મહિલાઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસોઈ અને કપડાં ધોવા જેવી પાયાની જરૂરિયાતોમાં પણ દૂષિત પાણીના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો તંત્ર દ્વારા વહેલી તકે સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
જયારે શહેરના વોર્ડ નંબર ૨ માં ચુડાસમા પ્લોટ શેરી નંબર ૪ માં છેલ્લા ૭ વર્ષ થી નળ ની લાઇન માં ગટર નુ પાણી આવે છે જેનું કાયમી નિરાકરણ આજ દિવસ સુધી થતું નથી અને દર ૨ થી ૩ મહિને ૧૫ થી ૨૦ દિવસ સુધી ગટર નુ પાણી નળ ની લાઇન માં ભળી જાય છે અને તે વપરાશ માં લેવા ની ફરજ પડે છે અને વાસણ, કપડાં અને નહાવા માં પણ આ ગટર નુ પાણી વાપરવાથી લતાવાસીઓને બીમારીનો ભોગ બનવું પડે છે કોર્પોરેશન માં ફરિયાદ કરવા છત્તા કોઈ રીપેરીંગ કરવા આવતું નથી અને ૨૦ દિવસ પછી આપમેળે પાણી ચોખ્ખું થઈ જાય છે
હાલ છેલ્લા ૧૮ દિવસ થી આ અંગે જાગૃત નાગરીક દ્વારા ફરિયાદ કરતા ૩ દિવસ થી રીપેરીંગ ગોકળગાય ની ગતિએ ચાલે છે અને નળ ની લાઇન કાપતા તેમાં થી ગટરની લાઇનનુ પાણી નીકળ્યા હોવા છતાં રીપેરીંગ ન થયો હોવાનો સ્થાનીકોએ આક્ષેપ કર્યો છે.
અનેક વખત કોર્પોરેટરો તથા તંત્રને ફરિયાદ કરવા છતા પીવાનું પાણી જીવન જરૂરિયાત ની પ્રાથમિક આવશ્યકતામાં આવે જે સ્વાસ્થ્ય ને સીધી અસર કરે છે જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નિરાકરણ કરાયું ન હોવાનો પણ સ્થાનીકોએ રોષ વ્યકત કર્યો હતો.
(3:45 PM IST)










