<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

લોકલાડીલા સ્‍વ. વિજયભાઈ રૂપાણીની પાવન સ્‍મૃતિમાં ‘સેવા વર્ષ - ૨૦૨૬'નો પ્રારંભ

સેવા, સમર્પણ અને જનકલ્‍યાણના વિચારોને આગળ વધારવા માટે‘વિજયભાઇ રૂપાણી મેમોરીયલ ફાઉન્‍ડેશન'ની સ્‍થાપના : ઋષભ રૂપાણી : શ્રી વિજયભાઇ રૂપાણી મેમોરિયલ અને આઇએમએ રાજકોટ દ્વારા શનિવારે કિડની અવેરનેસ સેમિનાર અને રવિવારે વિનામૂલ્‍યે સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્‍પનું આયોજનઃ સૌરાષ્ટ્રના પ્રખ્‍યાત તબીબો સેવા આપશે : ‘કિડની અવેરનેસ સેમીનાર'માં જાણીતા ડો.પ્રાંજલભાઇ મોદી અને ડો. સંજયભાઇ પંડયા માર્ગદર્શન આપશે : કિડની અવેરનેસ સેમિનાર અને વિનામુલ્‍યે સર્વરોગ નિદાન- સારવાર કેમ્‍પનો લાભ લેવા અંજલીબેન વિજયભાઇ રૂપાણીનો અનુરોધ

રાજકોટઃ ગુજરાતના લોકલાડીલા પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. શ્રી વિજયભાઈ રૂપાણીના દુઃખદ અવસાનને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમની પાવન સ્‍મૃતિને સાચી શ્રદ્ધાંજલિ સ્‍વરૂપે સ્‍થાપિત ‘શ્રી વિજય રૂપાણી મેમોરિયલ' દ્વારા સમગ્ર વર્ષને ‘‘સેવા વર્ષ - ૨૦૨૬'' તરીકે ઉજવવાનો સંકલ્‍પ કરવામાં આવ્‍યો છે. આ સેવા વર્ષ દરમિયાન આરોગ્‍ય, શિક્ષણ, યુવા વિકાસ, મહિલા સશક્‍તિકરણ, સ્‍વરોજગાર, કૌશલ્‍ય વિકાસ, પર્યાવરણ, સામાજિક જાગૃતિ અને જનકલ્‍યાણના વિવિધ સેવાકીય કાર્યો સમગ્ર ગુજરાતમાં આયોજિત કરવામાં આવશે. ફાઉન્‍ડેશનનો મુખ્‍ય હેતુ સમાજના છેવાડાના માનવી સુધી વિકાસ અને આશા પહોંચાડવાનો છે, જે સ્‍વ. વિજયભાઈના જીવનનો મુખ્‍ય મંત્ર ‘‘જ્‍યાં માનવી ત્‍યાં સુવિધા'' ને સાર્થક કરે છે.

અકિલાની મુલાકાતે આવેલા સ્‍વ. વિજયભાઇ રૂપાણીના સુપુત્ર અને યુવા અગ્રણી શ્રી ઋષભ રૂપાણીએ જણાવેલ કે આ સેવા વર્ષના પ્રથમ અને અત્‍યંત મહત્‍વપૂર્ણ કાર્યક્રમ તરીકે શ્રી વિજય રૂપાણી મેમોરિયલ તથા ઇન્‍ડિયન મેડિકલ એસોસિએશન  - રાજકોટના સંયુક્‍ત ઉપક્રમે રાજકોટ તથા સમગ્ર સૌરાષ્ટ્રના નાગરિકો માટે એક વિશાળ ‘‘કિડની અવેરનેસ સેમિનાર''નું આયોજન આગામી ર્ંતા. ૧૩ જૂન, શનિવારના રોજ સાંજે ૫ થી ૭ કલાકે, શ્રી પ્રમુખસ્‍વામી ઓડિટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્‍યું છે.

આજના સમયમાં કિડની સંબંધિત રોગો ઝડપથી વધી રહ્યા છે. ડાયાબિટીસ, બ્‍લડ પ્રેશર, અનિયમિત જીવનશૈલી અને યોગ્‍ય સમયસર નિદાનના અભાવે હજારો લોકો કિડનીની ગંભીર સમસ્‍યાઓનો સામનો કરે છે. આ સેમિનારનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય માત્ર સારવારની માહિતી આપવાનો નથી, પરંતુ ‘Preventive Healthcare' ને પ્રોત્‍સાહન આપીને લોકોને બીમારી પહેલા જ સાવચેત બનાવવાનો છે.

આ સેમિનારમાં દેશના જાણીતા સર્જન અને કિડની આરોગ્‍ય ક્ષેત્રના અગ્રણી નિષ્‍ણાંત ડો. પ્રાંજલભાઈ મોદી અને રાજકોટના જાણીતા કિડની રોગ નિષ્‍ણાંત ડો. સંજયભાઈ પંડ્‍યા મુખ્‍ય વક્‍તા તરીકે ઉપસ્‍થિત રહી નાગરિકોને કિડનીના રોગોના કારણો, બચવાના ઉપાયો અને ઓર્ગન ડોનેશન (અંગદાન)ના મહત્‍વ વિશે વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડશે.

 આ કાર્યક્રમમાં અધ્‍યક્ષસ્‍થાન કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સંભાળશે. મુખ્‍ય મહેમાન તરીકે સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને અતિથિ વિશેષ તરીકે રાજકોટના તમામ ધારાસભ્‍યો, મેયરશ્રી ડો. નેહલ શુકલ અને રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે.

આ જ શૃંખલાના બીજા ચરણમાં, ફાઉન્‍ડેશન દ્વારા પ્રથમ વિશાળ જનકલ્‍યાણકારી પ્રોજેક્‍ટ સ્‍વરૂપે તા. ૧૪ જૂન, રવિવારના રોજ સવારે ૯ થી ૧૨  સુધી ન્‍યુ એરા સ્‍કૂલ, હનુમાન મઢી પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે એક વિશાળ ‘‘વિનામૂલ્‍યે સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્‍પ'' નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કેમ્‍પમાં સૌરાષ્ટ્રના ખ્‍યાતનામ ન્‍યુરો સર્જન, યુરો સર્જન, ગેસ્‍ટ્રો સર્જન, જનરલ સર્જન, ફિઝિશિયન એમ.ડી.,સ્ત્રી રોગ, બાળરોગ, ત્‍વચા અને હાડકાના નિષ્‍ણાંત ડોક્‍ટર્સ પોતાની સેવાઓ વિનામૂલ્‍યે આપશે. કેમ્‍પમાં દર્દીઓને નિષ્‍ણાંત ડોક્‍ટરોની સલાહ મુજબ વિનામૂલ્‍યે લેબોરેટરી તપાસ સીબીસી, ઇએસઆર, આરબીએસ, ક્રિએટીન, કોલેસ્‍ટ્રોલ તેમજ મફત દવા વિતરણ પણ કરવામાં આવશે.

ફાઉન્‍ડેશનના ફાઉન્‍ડર ચેરપર્સન શ્રીમતી અંજલીબેન રૂપાણીએ સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રના જનતાને આ બંને લોકઉપયોગી કાર્યક્રમોનો મહત્તમ લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્‍યું છે. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે શ્રી પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટની ટીમ, ઇન્‍ડિયન મેડિકલ એસોસિએશન - રાજકોટ, શ્રી એચ. એન. શુક્‍લ ગ્રુપ ઓફ કોલેજીસ, ગુજરાત સ્‍કૂલ ઓફ એક્‍સેલન્‍સ, ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ ડિઝાઇન, ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્‍ડ હોસ્‍પિટલ તેમજ આર્યવીર હોમીયોપેથિક મેડિકલ કોલેજ સંપૂર્ણપણે કાર્યરત હોવાનું જણાવાયું છે.  કેમ્‍પ અંગેની વધુ માહિતી માટે શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટના વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઈ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં. ૦૨૮૧-૨૭૦૪૫૪૫ કે મો. ૯૮૨૪૪૯૭૪૯૭ દ્વારા સંપર્ક સાધી શકાશે.  તસ્‍વીરમાં યુવા અગ્રણી શ્રી ઋષભ રૂપાણી સાથે ડો. તેજસ કરમટા (આઇએમએ-પ્રમુખ), શ્રી ભાવેન ભટ્ટ, શ્રી નિરજભાઇ પાઠક અને શ્રી પરેશભાઇ હુંબલ નજરે પડે છે.(તસ્‍વીર : અભિજીત બગથરીયા)

આ  સર્વરોગ નિદાન કેમપમાં સવશ્રેષ્‍ઠ તબીબો સેવા આપશે

ડો.પ્રકાશ મોઢા (ન્‍યૂરો અને સ્‍પાઈન સર્જન), ડો.કાંત જોગાણી (ન્‍યૂરો અને સ્‍પાઈન સર્જન), ડો.વિરલ વરસાણી (ન્‍યૂરો અને સ્‍પાઈન સર્જન), ડો.જીતેન્‍દ્ર અમલાણી (યુરો સર્જન), ડો.કાર્તિક સુતરીયા (ગેસ્‍ટ્રો સર્જન), ડો.જીજ્ઞેશ ભીમાણી (જનરલ સર્જન), ડો.અમિત હાપાણી, ડો.મયંક ઠક્કર, ડો.જયેશ ડોબરીયા, ડો.સંકલ્‍પ વણઝારા, ડો.તેજસ કરમટા, ડો.જતિનભાઈ મોદી, ડો.નિરવ મોદી, ડો.યશ કાકડિયા, ડો.વૈભવ હાપલિયા, ડો.પ્રતિમાબેન પરિખ, ડો.દર્શનાબેન પંડયા, ડો.તારાબેન ગાંધી, ડો.અલ્‍પા સોલંકી વાઢીયા, ડો.કેતન ઠક્કર, ડો.ભાવેશ સચદે, ડો.કલ્‍પેશ બજાણિયા, ડો.ચેતન લાલસેતા, ડો.ભરત ટાંક,ડો.પાયલ ટાંક, ડો.નિરવ કરમટા, ડો.કૃણાલ આહ્યા, ડો.સવજ વામજા.

(3:48 PM IST)