હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૧૦ કરોડની વાંધાવાળી જમીનના સોદામાં ૫૦ ટકાની ભાગીદારીની લાલચમાં ઇજનેરના અઢી કરોડ ગયા
જો આપણે વચગાળાના વાંધા ઉકેલી સોદો કરાવીએ તો કરોડોની દલાલી મળશે...કહી અવધના ઢાળીયાની જમીન બતાવી ખેલ પાડયો રાજકોટ મ્યુ. કોર્પોરેશનના આસીસ્ટન્ટ એન્જિનીયર કરણરાજસિંહ ઝાલાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે હનુમાન મઢીના આશિષ દેથરીયા અને તેની શિક્ષીકા પત્નિ દીપા દેથરીયા સામે ગુનો નોંધ્યોઃ દીપા સકંજામાં, અન્ય આરોપી હાથવેંતમાં રોકડા ખંખેરી લીધા પછી આશિષે દલાલીના રૂપિયા આવી ગયા છે એવુ બતાવવા ૧૪ કરોડ લખેલી બેંકની નકલી ડીપોઝીટ સ્લીપ મોકલી હતીઃ દેવાંગભાઇ, કિશોરભાઇ કોટેચા, દફતરી સાહેબના નામ ધારણ કરી આશિષ પોતે જ ફોનમાં વાત કરતો હતો!

રાજકોટ તા. ૧૧: શહેરમાં યુનિવર્સિટી રોડ પર રહેતાં અને મહાનગર પાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનીયર તરીકે ફરજ બજાવતાં યુવાન સાથે હનુમાન મઢી નજીક રહેતાં એક શખ્સ અને તેની શિક્ષીકા પત્નિએ અઢી કરોડની ઠગાઇ કરી છે. ઇજનેરના પત્નિ સાથે આરોપીની પત્નિ પણ શિક્ષીકા તરીકે નોકરી કરતી હોઇ આ કારણે ઓળખાણ થયા બાદ મઢી પાસે રહેતાં શખ્સે કાલાવડ રોડની વાંધાવાળી ૧૧૦ કરોડની જગ્યાનો સોદો થઇ જાય તો ૫૦ ટકા ભાગીદારીના મળે તેમ છે તેવી લાલચ આપી અઢી કરોડની ઠગાઇ કરી લીધી હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી મહિલા આરોપીને સકંજામાં લઇ તેના પતિને પણ ઝડપી લેવા તજવીજ કરી છે.
આ બનાવમાં પોલીસે યુનિવર્સિટી રોડ શારદાનગર સોસાયટી-૧માં રહેતાં અને મનપામાં આસિસ્ટન્ટ એન્જિનીયર તરીકે ફરજ બજાવતાં કરણરાજસિંહ યોગેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી રૈયા રોડ હનુમાન મઢી પાસે તિરૂપતીનગર નજીક નિરંજની સોસાયટીમાં રહેતાં આશિષ બાવાલાલ દેથરીયા અને તેની પત્નિ દીપાબેન આશિષ દેથરીયા સામે ગુનો નોંધ્યો છે.
ફરિયાદની વિગત મુજબ આસિસ્ટન્ટ એન્જિનીયર કરણરાજસિંહ ઝાલાના ધર્મપત્નિ કળપાબા અગાઉ આત્મીય સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તે સમયે તેમની સાથે નોકરી કરતી દીપાબેન આશિષભાઈ દેથરીયા સાથે મિત્રતા થઈ હતી. આ મિત્રતાના કારણે દીપાબેન અને તેમના પતિ આશિષ બાવાલાલ દેથરીયા અવાર-નવાર કરણરાજસિંહના ઘ્આવતા-જતા થયા હતા. ગત તા. ૧૯/૦૪/૨૦૨૪ના રોજ આશિષ દેથરીયા અને તેની પત્નિ દીપાબેન કરણરાજસિંહના ઘરે આવ્યા હતા અને હાથઉછીના ૨૦,૦૦૦માંગ્યા હતા. કરણરાજસિંહે આ રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી, જે બે-ત્રણ દિવસમાં પરત આપી દંપતીએ તેમનો ભરોસો અને વિશ્વાસ કેળવી લીધો હતો.
ત્યારબાદ આશિષે મોટી લાલચ આપતા કરણરાજસિંહને જણાવ્યું હતું કે હું એક્ઝિબિશન અને જમીન-મકાન દલાલીનું કામ કરું છું. મારી અને મારા મિત્ર મુકેશભાઈ રાદડિયા પાસે કાલાવડ રોડ, અવધના ઢાળિયા પાસે આવેલી કિશોરભાઇ કોટેચાની રૂપિયા ૧૧૦ કરોડની વાંધાવાળી જમીનનો સોદો આવ્યો છે. આ જમીન ખરીદવા માટે મુંબઈના મોટા આસામી દફતરી સાહેબ તૈયાર છે. જો આપણે વચગાળાના વાંધા ઉકેલી સોદો કરાવી આપીએ, તો કરોડો રૂપિયાની દલાલી મળશે.
આ પછી આશિષ દેથરીયા ફરિયાદી કરણરાજસિંહ ઝાલાને અવધના ઢાળિયા પાસે જમીન બતાવવા પણ લઈ ગયો હતો. ત્યારે પણ લાલચ આપી હતી કે-આપણે આખી જિંદગી નોકરી કરીને પૈસાવાળા નહીં થઈ શકીએ, આ સોદામાં તમે રોકાણ કરો, દલાલીની ૫૦ ટકા રકમ હું તમને અને તમારા પત્નિ કળપાબાને આપીશ. આથી વિશ્વાસમાં આવીને આશિષને જરૂર હોઇ કરણરાજસિંહે પોતાનું એક વોડાફોન કંપનીનું સિમકાર્ડ પણ આશિષને વાપરવા આપ્યું હતું.
જમીનના સોદાના બહાને અને હીરાસર પાસેની અન્ય એક જમીનની દલાલીની લાલચ આપી આરોપીએ કરણરાજસિંહ અને તેમના પરિવાર પાસેથી મોટી રકમ મેળવી લીધી હતી.
આશિષના કહેવાથી ફરિયાદી કરણરાજસિંહે પોતાના સગા-સંબંધીઓ, મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લીધા, સોનાના કિંમતી દાગીના ગીરવે મુકયા અને વેચી નાખ્યા, તેમજ પોતાના અને પત્નિના નામે બેંકોમાંથી મોટી પર્સનલ લોન લીધી હતી.
આ ઉપરાંત કરણરાજસિંહે પોતાના આઇસીઆઇસીઆઇ, એક્સીસ અને એચટીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ તેમજ પરિવારના અન્ય સભ્યોના કાર્ડમાંથી લાખો રૂપિયા સ્વાઈપ કર્યા હતા. આ તમામ રકમ આરોપી આશિષ દેથરીયાના કહેવાથી તેના અલગ-અલગ શખ્સો જેવા કે ડેરલ યાર્ડલી, હસબીન અંસારી, હાર્દિક ઝાલાવડિયા, દીપક રામચંદ્રાની, બલદેવ અભિષેક અને જયપ્રકાશ તિવારીના ખાતામાં ઓનલાઈન, બેંક ટ્રાન્સફર, આંગણિયા મારફતે તેમજ કેશ સ્વરૂપે ચૂકવવામાં આવી હતી.
આ રીતે મે-૨૦૨૪ થી જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં બેંક ખાતા/રોકડ/આંગડીયાા મારફતે થયેલી રૂા. ૧,૯૪,૮૩,૫૦૮ આશિષને અપાયા હતાં. તેમજ રેડિટ કાર્ડ સ્વાઈપિંગ/ઓનલાઈન રૂપિયા ૫૪ લાખની વધુ મળી કુલ ૨,૪૯,૭૦,૧૦૧ ચુકવ્યા હતાં. આસિસ્ટન્ટ એન્જિનિયરને વધુ વિશ્વાસ અપાવવા માટે મુખ્ય સુત્રધાર આશિષ દેથરીયાએ આઇડીએફસી બેંકની એક ડિપોઝિટ સ્લિપ મોકલી હતી, જેમાં રૂપિયા૧૪,૦૦,૦૦,૦૦૦ (ચૌદ કરોડ રૂપિયા) લખેલા હતા અને બેંકના સિક્કા મારેલા હતા. આરોપી આશિષે એવો દાવો કર્યો હતો કે દલાલીના આ નાણાં જમા થઈ ગયા છે અને ટૂંક સમયમાં ફરિયાદીના ખાતામાં આવી જશે. પરંતુ કરણરાજસિંહ કે તેમના પત્નિના ખાતામાં કોઈ રકમ જમા થઈ નહોતી.
તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, આશિષ દેથરીયા જે કશોર કોટેચા, આંગડીયાવાળા દેવાંગભાઇ અને મુંબઈના દફતરી સાહેબના નામે ફોન પર વાત કરાવી રહ્યો હતો, તેવા કોઈ વ્યક્તિ અસ્તિત્વમાં જ નહોતા! તે તમામ મોબાઈલ નંબર આશિષ દેથરીયા અને તેના મિત્ર ડેરલ યાર્ડલીના નામે રજીસ્ટર્ડ હતા અને આશિષ પોતે જ અલગ-અલગ વ્યક્તિ બનીને, અવાજ બદલીને ફરિયાદી સાથે ફોન પર વાત કરતો હતો અને છેતરતો હતો.
કરણરાઝસિંહને અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા શહેર પોલીસ કમિશનરને સંબોધીને લેખિત અરજી કરી હતી. આ અરજીની ઊંડાણપુર્વક તપાસ બાદ ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં હેડકોન્સ. જી. એસ. ઝાલાએ ગુનો દાખલ કર્યો હતો.
આગળની તપાસ પીઆઇ સી. એન. દવે, એએસઆઇ વિરેન્દ્રસિંહ ઝાલા, કિરીટભાઇ રામાવત, જયંતિભાઇ ગોહેલ સહિતે હાથ ધરી એક આરોપી દીપા દેથરીયાને સકંજામાં લઇ પુછતાછ કરી છે. જો કે પોતે વ્યવહારો બાબતે કંઇ જાણતી ન હોવાનું રટણ કરે છે. તેનો પતિ આશિષ દેથરીયા હાથમાં આવ્યા બાદ પોલીસ આગળ તપાસ કરશે. તપાસમાં અન્ય શખ્સોની સંડોવણી ખુલવાની પણ શક્યતા છે










