હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાધુ વસવાણી કુંજ રોડની દયનીય સ્થિતિ : કોર્પોરેશન, રૂડા અને ગ્રામ પંચાયતના પાપે જનતા પરેશાન
પાઇપલાઇન નાખ્યા બાદ રોડનું પુનઃસ્થાપન ન થતાં અકસ્માતનો ભય : વરિષ્ઠ નાગરિક અને નિવૃત્ત રેલવે અધિકારી મનીષ મહેતાએ મેયર ડૉ. નેહલ શુક્લાને કરી ધારદાર લેખિત રજૂઆત

રાજકોટઃ રાજકોટ શહેરના વોર્ડ નં.૩ વિસ્તારમાં આવેલ સાધુ વસવાણી કુંજ રોડ પર દ્વારિકા વિલેજથી મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ માર્ગની ખરાબ સ્થિતિ અંગે સ્થાનિક રહેવાસી, વરિષ્ઠ નાગરિક અને રાજકોટ રેલવેના નિવળત્ત ચીફ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ તેમજ આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ અમ્પાયર શ્રી મનીષ બી. મહેતાએ રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડૉ. નેહલભાઈ શુક્લાને એક લેખિત રજૂઆત કરી તાકીદે યોગ્ય પગલાં લેવા માંગ કરી છે.
શ્રી મહેતાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, આ વિસ્તારમાં પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર કે તંત્ર દ્વારા માર્ગનું પુનઃસ્થાપન (રિપેરિંગ) યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. જેના કારણે સમગ્ર રોડ પર મોટા ખાડાઓ સામ્રાજ્ય વર્તાઈ રહ્યું છે અને સપાટી અસમતલ બની ગઈ છે.
શ્રી મહેતાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ માર્ગના પ્રશ્ને અગાઉ કેન્દ્ર સરકારના 'CPGRAM' પોર્ટલ પર તથા ઈ-મેઈલ દ્વારા પણ અનેકવાર ઓનલાઈન ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ તંત્રના બહેરા કાને અથડાઈને આ રજૂઆતો પાછી આવી છે. આ પ્રશ્ન રોણકી-મનહરપર ગ્રામ પંચાયત, રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા વચ્ચે લાંબા સમયથી ટલ્લે ચડેલો છે. જેનો ભોગ સ્થાનિક નાગરિકો બની રહ્યા છે.
રોડની દયનીય સ્થિતિને કારણે સ્થાનિક રહેવાસીઓ, શાળાએ જતા માસૂમ વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. માર્ગ પર ઉડતી ધૂળ અને કાદવ-કીચડના સામ્રાજ્યને કારણે લોકોના સ્વાસ્થ્ય સામે પણ ખતરો ઊભો થયો છે. ખાસ કરીને રાત્રિના સમયે અને આગામી ચોમાસાની ઋતુ દરમિયાન અહીં મોટા અકસ્માતો સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. વિકાસ કાર્યોના નામે જનતાને આવી હાલાકી ભોગવવી પડે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.
શ્રી મનીષ મહેતાએ રાજકોટના ૨૩મા મેયર તરીકે ચૂંટાઈ આવવા બદલ ડૉ. નેહલભાઈ શુક્લાને અભિનંદન પાઠવતા આશા વ્યક્ત કરી છે કે, તેમના કાર્યકાળમાં શહેરના વિકાસ સાથે નાગરિક સુવિધાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા મળશે. તેમણે મેયરશ્રીને રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરવા, જવાબદાર વિભાગ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવા તેમજ ગુણવત્તાયુક્ત રોડ રી-સરફેસિંગની કામગીરી તાત્કાલિક શરૂ કરાવવા વિનંતી કરી છે. સ્થાનિક રહીશોએ પણ આ મામલે મેયરશ્રી સીધો હસ્તક્ષેપ કરે તેવી જોરદાર માંગ ઉઠાવી છે.










