હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાંઢીયા પુલના ઉદ્ઘાટન પહેલા આનંદ : આજે રાત્રે હેપ્પી સ્ટ્રીટઃ રોશનીનો શણગાર
શહેરીજનો લીંબુ ચમચી, રસ્સા ખેંચ, કોથળા દોડ, દોરડા કુદ, ગરબા, પઝલ સહિતના આયોજનમાં ભાગ લઇ શકશેઃ લાઇટીંગ મન મોહી લેશે : રાત્રે ૯ કલાકે એરપોર્ટ ગાર્ડન સામે, જામનગર રોડ ખાતે લોકોને ઉમટી પડવા પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા જાહેર આમંત્રણ

રાજકોટ, તા.૧૨: મહાનગરપાલિકા શહેરને આધુનિક સુવિધાસભર, ટ્રાફિકમુક્ત અને નાગરિકમૈત્રી શહેર તરીકે વિકસાવવાના સંકલ્પ સાથે સતત કાર્યરત છે. સાંઢિયા પુલનું નિર્માણ માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નહીં પરંતુ શહેરના સર્વાંગી વિકાસ, સુવિધાયુક્ત પરિવહન વ્યવસ્થા અને નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાના પ્રયાસોનું જીવંત પ્રતિબિંબ છે.
કોર્પોરેશન દ્વારા શહેરવાસીઓ માટે એક અનોખી અને યાદગાર સાંજનું આયોજન કરવામાં આવ્યું છે. નવનિર્મિત સાંઢિયા પુલની ભવ્યતા અને અદ્વુત રોશની વચ્ચે પરિવારજનો અને મિત્રો સાથે આનંદની ક્ષણો માણી શકાય તે માટે “Happy Street” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના વિકાસના નવા પ્રતીક સમાન સાંઢિયા પુલ પર યોજાનાર આ વિશેષ કાર્યક્રમમાં નાગરિકો માટે મનોરંજન, રમતગમત પ્રવળત્તિઓ અને ઉત્સાહથી ભરપૂર વાતાવરણ ઊભું કરવામાં આવશે. શહેરના વ્યસ્ત જીવનમાંથી થોડો વિરામ લઈને લોકો પોતાના પરિવાર સાથે ખુશીની પળો વિતાવી શકે અને જાહેર સ્થળોને સામૂહિક આનંદના કેન્દ્ર તરીકે અનુભવી શકે તેવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની વિગતોમાં આજે
તા.૧૨ને શુક્રવારના રોજ રાત્રે ૦૯:૦૦ વાગ્યે, એરપોર્ટ ગાર્ડન સામે, સાંઢિયા પુલ બ્રિજ, જામનગર રોડ, ખાતે હેપ્પી સ્ટ્રીટ યોજાશે.
નવનિર્મિત સાંઢિયા પુલ ખાતે કરવામાં આવેલી ભવ્ય અને આકર્ષક રોશની શહેરવાસીઓને વિકાસનું ઝગમગતું નજરાણું માણવાની અનોખી તક આપશે. આ અવસરે નાગરિકો પ્રકાશથી ઝળહળતા બ્રિજ પર પરિવાર અને મિત્રો સાથે સહેલગાહનો આનંદ માણી શકશે તેમજ શહેરના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નજીકથી અનુભવી શકશે.
હેપ્પી સ્ટ્રીટ ખાતે યોજાનાર વિવિધ આકર્ષક ગેમ્સ અને એક્ટિવિટીમાં લીંબુ ચમચી, રસ્સા ખેંચ, કોથળા દોડ, દોરડા કૂદ, લૂડો, સાપસીડી, હોપ્સકોચ, પઝલ જેવી રમતો, ડ્રોઈંગ એક્ટિવિટી, જુમ્બા, ગરબા, આકર્ષક લાઈટિંગનું આયોજન કરવામાં આવ્યુ છે.
“Happy Street” અંતર્ગત વિવિધ વયજૂથના લોકો માટે અનેક આકર્ષક પ્રવળત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રમતગમત પ્રવળત્તિઓ, ફન એક્ટિવિટીઝ, ફિટનેસ આધારિત કાર્યક્રમો, મ્યુઝિકલ માહોલ અને સામૂહિક મનોરંજનની પ્રવળત્તિઓનો સમાવેશ કરવામાં આવશે. બાળકો, યુવાનો, મહિલાઓ તેમજ વડીલો સૌ માટે આ કાર્યક્રમ આનંદ અને ઉત્સાહથી ભરપૂર બની રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરવાસીઓને આ વિશિષ્ટ કાર્યક્રમમાં પરિવારજનો, મિત્રો અને સ્વજનો સાથે ઉપસ્થિત રહી ‘વિકાસની ઝગમગાટ વચ્ચે ખુશીની પળો' માણવા મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત “Happy Street”માં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.










