હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલે હર્ષ સંઘવી રાજકોટમાં : સાંઢીયો પુલ ખુલ્લો મુકાશે
છેલ્લા બે વર્ષથી લોકોને પડતી પારાવાર તકલીફ પુરી થશેઃ તા.૧૩ના સવારે ૧૦ વાગ્યે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ : ૪૦ વર્ષથી વધુ જૂના સાંઢિયા પુલના સ્થાને રૂ. ૭૪.૩૨ કરોડ રૂપિયાના ખર્ચે નવો ફોર લેન ઓવરબ્રિજ અંતે બે વર્ષે તૈયાર

રાજકોટ, તા. ૧ર : શહેરના જામનગર રોડ પર બે વર્ષના સમય ગાળા બાદ રૂા.૭૪.૩ર કરોડના ખર્ચે નવનિર્મિત સાંઢિયા પુલનું રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષદભાઇ સંઘવીના હસ્તે લોકાર્પણ થશે. હજારો વાહન ચાલકો શહેરના સુવ્યવસ્થિત અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના વધુ એક મહત્વપૂર્ણ સોપાનરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર રૂ.૭૪.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજ, જે સાંઢિયા પુલ તરીકે લોકપ્રિય છે, તેનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે તા.૧૩ ને શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કરવામાં આવનાર છે. તેમજ તા.૧૨ ને શુક્રવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાંઢિયા પુલ ખાતે “Happy Street” નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે તેમ, મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણાએ યાદીમાં જણાવ્યું હતું.
શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવા તથા નાગરિકોને સરળ, ઝડપી અને સલામત વાહનવ્યવહારની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નિર્માણ પામેલ આ અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હવે લોકાર્પણ માટે તૈયાર છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઝડપી વિસ્તરણ અને વધતા ટ્રાફિકના દબાણને ધ્યાનમાં રાખીને વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે જ દિશામાં સાંઢિયા પુલનું નિર્માણ શહેર માટે એક ઐતિહાસિક અને જનઉપયોગી પ્રોજેક્ટ સાબિત થશે.
સાંઢિયા પુલ કાર્યરત થતાં જામનગર રોડ, માધાપર ચોકડી, ઘંટેશ્વર વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં વર્ષોથી અનુભવાતી ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.આ ઓવરબ્રિજ શરૂ થતાં દરરોજ અંદાજે ૭૦ હજાર થી એક લાખ જેટલા વાહનચાલકોને સીધો લાભ મળશે, જેના પરિણામે મુસાફરીનો સમય બચશે, ઇંધણનો વ્યય ઘટશે તેમજ માર્ગ સલામતીમાં પણ વધારો થશે. વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે પણ અવરજવરની સરળતા વધતા આર્થિક પ્રવળત્તિઓને પ્રોત્સાહન મળશે.
સાંઢિયા પુલની વિશેષતાઓ
આ અત્યાધુનિક ઓવરબ્રિજનું નિર્માણ આધુનિક તકનીકી ધોરણો અનુસાર કરવામાં આવ્યું છે. બ્રિજની મુખ્ય વિગતો આ મુજબ છેઃ
* બ્રિજની કુલ લંબાઈઃ ૬૭૮ મીટર * બ્રિજની કુલ પહોળાઈઃ ૧૬.૪૦ મીટર * બંને બાજુ ૭.૫૦ મીટર પહોળાઈના કેરેજ-વેની સુવિધા *રેલવે ટ્રેકથી ક્લીયર ઊંચાઈઃ ૬.૨૫ મીટર * કુલ પ્રોજેક્ટ ખર્ચઃ રૂ. ૭૪.૩૨ કરોડ * કામ શરૂ કરવાની તા. ૧૫ માર્ચ, ૨૦૨૪ * આર.સી.સી. ગર્ડરઃ ૧૨૦ નંગ *સ્ટીલ ગર્ડરઃ ૭ નંગ * પિલરઃ ૨૨ નંગ * સ્લેબઃ ૨૧ નંગ










