<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

કોઠારીયા સોલવન્‍ટના ઝુબેદાબેન પર પારડીમાં જુના પાડોશી પિતા-પુત્રનો હુમલોઃ છરીના ૯ ઘા ઝીંકી દઇ હત્‍યાનો પ્રયાસ

મહિલા સાંજે કામ સબબ પારડી ગયા ત્‍યારે પ્રવિણ વાઘેલા અને તેનો દિકરો ક્રિશ ઉર્ફે ઢીંગો તૂટી પડયાઃ શાપર પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૨: શાપરના પારડી ગામે  શીતાળમા તાજીના મંદિર નજીક રાજકોટના કોઠારીયા સોલવન્‍ટમાં રહેતી મહિલા પર પિતા-પુત્રએ છરીથી હુમલો કરી ગળા, પેટમાં આડેધડ ૯ જેટલા ઘા મારી આંતરડા કાઢી નાંખતા ગંભીર હાલતમાં તેણી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થઇ છે. શાપર પોલીસે હત્‍યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા સોલવન્‍ટ રસુલપરા હુશેની ચોક પાસે રહેતાં ઝુબેદાબેન અયુબભાઇગુડદી (ઉ.વ.૩૭) ગઇકાલે સાંજે પારડીમાં શિતળા માતાજીના મંદિર પાસે હતાં ત્‍યારે પ્રવિણ ઉર્ફે પવલો ગેલાભાઇ વાઘેલા અને તેના દિકરા ક્રિશ ઉર્ફે ઢીંગો પ્રવિણભાઇ વાઘેલાએ મળી છરીથી હુમલો કરી પેટ, ગળા પર આડેધડ ઘા મારી દેતાં તેણી લોહીલુહાણ થઇ ઢળી પડી હતી. લોકો ભેગા થઇ જતાં  હુમલાખોરો ભાગી ગયા હતાં. ઝુબેદાબેનને સારવાર માટે રાજકોટ ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં શાપરના પીઆઇ આર. બી. રાણાએ રાજકોટ પહોંચી ઝુબેદાબેનની દિકરી ખુશી શીવમભાઇ તિવારી (ઉ.વ.૧૯-રહે. જુના માર્ર્કેટ યાર્ડ પાસે હા.બોર્ડ ક્‍વાર્ટર)ની ફરિયાદ પરથી પ્રવિણ અને તેના દિકરા ક્રિશ વિરૂધ્‍ધ હત્‍યાની કોીશષનો ગુનો નોંધ્‍યો છે.

ખુશીબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે  તેમના માતા જુબેદાબેન અયુબભાઈ ગુડદી અગાઉ પારડી ગામે શીતળા મંદિર પાસે ભાડે રહેતા હતા. ગઇકાલે  સાંજે સાડા આઠેક વાગ્‍યાના અરસામાં ઝુબેદાબેન કોઈ કામસર પારડી ગામે ઝાલાવાડી પાનની દુકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે તેણીના પુર્વ પાડોશી પ્રવિણ ગેલાભાઇ વાઘેલા અને તેના દીકરા ક્રિસ ઉર્ફે ઢીંગો પ્રવિણભાઈ વાઘેલા એ કોઈ અગમ્‍ય કારણોસર જુબેદાબેન સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડો એટલો ઉગ્ર બન્‍યો હતો કે પિતા-પુત્રએ ઉશ્‍કેરાઈને પોતાની પાસે રહેલી છરી વડે જુબેદાબેન પર આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. હુમલાખોરોએ મહિલાને પેટના ભાગે ૪ ઘા મારી દીધા હતાં. જેમાં ડૂંટીની નીચે એક ઊંડો ઘા લાગડતાં આંતરડું બહાર આવી ગયું હતું. તેમજ પીઠ-કમરના ભાગે બે ઘા તેમજ ગળા અને ગાલ પર છરીના ઘા મારી દીધા હતાં. હુમલા બાદ ઘટનાસ્‍થળે હાજર લોકોએ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરી હતી. આ દરમિયાન ફરિયાદી ખુશીબેનના પતિ શિવમના મિત્ર અર્જુન વેગડાએ ફોન કરીને જણાવ્‍યું કે તારા સાસુ ઝુબેદાબેનને પારડીમાં રિક્ષામાં આવેલા કોઈ માણસોએ છરી મારી દીધી છે.  ખુશીબેને તુરંત જ માતાના મોબાઈલ પર ફોન કરતા ત્‍યાં હાજર એક અજાણ્‍યા મહિલાએ ફોન ઉપાડીને જણાવ્‍યું કે તેમને ગંભીર હાલતમાં રાજકોટ સરકારી હોસ્‍પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે દોડી ગયેલી દીકરી ખુશીબેને જ્‍યારે લોહીલુહાણ હાલતમાં સારવાર લઈ રહેલા માતા જુબેદાબેનને પુછયુ ત્‍યારે ગંભીર રીતે ઘવાયેલા અને ભાનમાં રહેલા માતાઅ જણાવ્‍યું હતું કે પાડોશમાં રહેતા પ્રવિણ ગેલાભાઈ વાઘેલા અને તેના દીકરા ક્રિસ ઉર્ફે ઢીંગાએ આ જીવલેણ હુમલો કર્યો છે. હોસ્‍પિટલના તબીબોના જણાવ્‍યા મુજબ, મહિલાના આંતરડામાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી તાત્‍કાલિક ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું અને તેમની સ્‍થિતિ નાજુક છે. આ કેસની આગળની તપાસ રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર રવિરાજસિંહ ભૂપતસિંહ રાણા ચલાવી રહ્યા છે અને ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. હુમલાનું કારણ બહાર આવ્‍યું નથી

(3:12 PM IST)