<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

રેલનગર વિસ્‍તારમાં ધાર્મિક બાંધકામ દુર કરવા મનપાની નોટીસઃ રોષ

ડિમોલેશનની કાર્યવાહી માંથી આ ધાર્મિક બાંધકામ મુકત રાખવા વિસ્‍તારવાસીઓ દ્વારા મેયર નેહલ શુકલને રજુઆત

રાજકોટ : તા.૧૨: રાજ્‍યભરમાં જાહેર માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ ધર્મસ્‍થાનોના દબાણો દૂર કરવા માટે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. અગાઉ શહેરના ૧૨ ધર્મસ્‍થાનો પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાયા બાદ હવે ટાઉન પ્‍લાનિંગ શાખાએ ફરી સર્વે શરૂ કરીને વિવિધ વિસ્‍તારોમાં ધર્મસ્‍થાનોને નોટિસો ફટકારવાનું શરૂ કર્યું છે.

આ દરમિયાન રેલનગર વિસ્‍તારમાં રામેશ્વર પાર્ક નજીક આવેલા સેતુબંધ રામેશ્વર મહાદેવ મંદિરને ડિમોલિશનની નોટિસ આપવામાં આવતા સ્‍થાનિક રહીશો અને ભાવિકોમાં રોષની લાગણી પ્રસરી છે. વિસ્‍તારના લોકોના જણાવ્‍યા મુજબ આ મંદિર હજારો લોકોની આસ્‍થાનું કેન્‍દ્ર છે અને તે કોઈ પણ પ્રકારની ટ્રાફિક સમસ્‍યા કે જાહેર માર્ગમાં અવરોધ ઊભો કરતું નથી.

મંદિરને નોટિસ મળ્‍યા બાદ રેલનગર અને રામેશ્વર પાર્ક વિસ્‍તારના રહીશોનું ટોળું તાજેતરમાં મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્‍લ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્‍યું હતું. સ્‍થાનિકોએ મંદિરને ડિમોલિશનની કાર્યવાહીમાંથી મુક્‍ત રાખવા અને નોટિસ પરત ખેંચવા માંગણી કરી હતી. રજૂઆત દરમિયાન મેયરે નાગરિકોની વાત સાંભળી યોગ્‍ય વિચારણા કરવામાં આવશે તેવી ખાતરી આપી હોવાનું જણાવાયું છે. મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્‍યા મુજબ શહેરના વિવિધ વિસ્‍તારોમાં આવેલા અનેક મંદિરોને પણ નોટિસ આપવામાં આવી છે. 

 

(3:12 PM IST)