તા. ૧૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૧ શનિવાર
બુધવારે ઇસ્લામી નૂતનવર્ષ : આ વખતે ‘આશૂરા' શુક્રવારે
મંગળવારે સાંજે જ ચંદ્રોદય, એ સાથે હિજરી સન ૧૪૪૮નો થશે પ્રારંભ : કરબલાના શહીદોની સ્મૃતિમાં મનાવાશે મહોર્રમ માસ : ગત વર્ષે ઇસ્લામી નૂતનવર્ષ શુક્રવારે હતું આ વખતે પણ ગયા વર્ષની જેમ ઝીલહજજ મહિનાના ર૯ દિ' જ થશે

તાજીયા નિર્માણ : આગામી દિવસોમાં મહોર્રમ માસનો પ્રારંભ થનાર હોઇ એ પહેલા કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘‘તાજીયા'' બનાવવાની કામગીરી છેલ્લા ૧ મહિનાથી ચાલી રહી છે. વિવિધ વિસ્તારોમાં આવેલા ઇમામખાનાઓમાં તાજીયા બનાવનારા કાર્યકરો અને કારીગરો મોડી રાત સુધી જાગીને આ કલાકારીગરી કરી રહ્યા છે જે તસ્વીરમાં નજરે પડે છે.
(ફાઇખ દ્વારા) રાજકોટ તા. ૧૨ : આગામી બુધવારના રોજ ઇસ્લામી નૂતન વર્ષ અર્થાત હિજરી ૧૪૪૮ નો પ્રારંભ થનાર છે.
હાલમાં ઇસ્લામી પંચાગનો હજજનો ૧ર મો મહિનો જીલ હજજ ચાલી રહ્યો છે. જેના ર૯ માં દિવસે એટલે કે તા. ૧૬-૬-ર૦ર૬ ના મંગળવારે સાંજે ચંદ્રદર્શન થનાર હોઇ તા. ૧૭-૬-ર૦ર૬ બુધવારે ૧લી મહોર્રમ થશે. બીજી તરફ હાલમાં હિજરી સંવત ૧૪૪૭ ચાલી રહી છે જે ૧૭ મીથી ૧૪૪૮ માં પરિવર્તીત થઇ જશે. મહોર્રમ માસ ઇસ્લામી પંચાગનો પ્રથમ મહિનો છે.
અત્રે એ નોંધનીય છે કે ગત ર૦રપ ના વર્ષમાં ઇસ્લામી નુતન વર્ષે શુક્રવાર હતો જયારે આ વખતે ર૦ર૬માં ‘આશૂરાહ' શુક્રવારના દિવસે આવેલ છે. ઉલટુ થયેલ છે.
જો કે જીલ હજજમાં ઇદ ઉજવાઇ હતી. જે પર્વ બલિદાનની ભાવના પ્રકટ કરે છે. ત્યારે ઇસ્લામી ઇતિહાસમાં મહોર્રમ માસમાં પણ અનેક ઘટનાઓ અંકીત થઇ છે જે પૈકી ઇરાકના કરબલા શહેરમાં બનેલી ઘટના પણ બલિદાનની ભાવના પ્રકટ કરતી હોય ઇસ્લામી વર્ષની શરૂઆત અને અંત બંન્ને બલિદાનની ભાવના ઉપર નિર્ભર રહ્યા છે.
તા. ૧૭ થી મહોર્રમ માસ શરૂ થનાર હોય ત્યારે આ મહિનામાં ખાસ ઇસ્લામી ૧૦ મી તારીખના દિને આશૂરાહ પર્વ મનાવશે જે આ વખતે તા. ૨૬ મી જૂનના દિવસે રહેશે અને એ દિવસે શુક્રવાર હશે.
ખાસ કરીને મુસ્લિમ વર્ષનો આ પ્રથમ મહીનો મહોર્રમ માસમાં તાજીયા બનાવવામાં આવે છે જેની કામગીરી છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે જે તાજીયા આગામી તા. ર૬-૬-ર૦ર૬ શુક્રવારના દિવસે ફરનાર છે જે ૧૦ મી મહોર્રમનો દિવસ હશે આ દિવસને આશૂરા કહેવામાં આવે છે. આ પૂર્વે તા. રપ-૬-ર૦ર૬ ગુરૂવારના સાંજે તમામ તાજીયાઓ મેદાનમાં આવી જશે.
ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક અને અંતિમ પૈગમ્બર હઝરત મુહમદ સાહેબના દૌહીત્ર હઝરત ઇમામ હુસૈનએ સત્યતાની કાજે ઇરાકના રેતાળ પ્રદેશ કરબલાના તપતા મેદાનમાં યુધ્ધ ખેલીપોતાના ૭ર પરીવારજનો અને સાથીદારો સાથે ભવ્ય શહીદી પામી ઇતિહાસના પાને અમર થઇ જતા આ ભવ્ય બલીદાન ગાથાની સ્મૃીતમાં દર વર્ષે મહોર્રમ માસમાં તાજીયા બનાવવામાં આવે છે. આ તાજીયામાં અનેક પ્રકારની કલાત્મકતા દર્શાવવામાં આવે છે અને તેમાં વિવિધ સજાવટો કરવામાં આવે છે. અને તેનો આશુરાના દિવસે જાહેરમાં હિન્દુ મુસ્લીમો એક સાથે દર્શન કરવા ઉમટી પડતા હોય ભાઇચારાની ભાવના એ સમયે મહેકી ઉઠે છે.
આ ઉપરાંત મહોરમ માસમાં આજથી ૧૩૮૮ વર્ષ પહેલા કરબલા ખાતે બનેલી આ કરૂણગાથાના માનમાં દરરોજરાત્રે લતે લતે ખાસ કરીને હુસેની મજાલિસો યોજાય છે. સબીલો રચવામાં આવે છે અને તેના દ્વારા વિના ભેદભાવે સરબત પાણી ચા વગેરે વિતરણ કરવામાં આવે છે. જયારે દરરોજ જાહેર નિયાઝના કાર્યક્રમો પણ વિના ભેદભાવે યોજાય છે. આ અંગેના આયોજનોને આખરી ઓપ અપાઇ રહયો છે.
મહોર્રમ માસમાં લતે લતે આગામી તા.૧૫ મી સોમની રાત્રીથી જ હુસૈની મજાલિસો શરૂ થઇ જશે. જેના આયોજનને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
આમ ૧૭ મી જુનથી જ ૧ લી મહોરમ ગણવામાં આવનાર છે. યાદ રહે કે મર્હોરમ મહીનો શરૂ થવાને હવે માત્ર ૬-૭ દિવસ બાકી રહયા છ. રાજકોટમાં જુદા જુદા વિસ્તારોમાં તાજીયાઓ, ડોલીઓ અને દુલદુલ બની રહયા છે.
જેમાં લક્ષ્મીનગર-૧, નૂરાનીપરા રૈયા રોડ ૧, નહેરૂનગર-૧ બજરંગવાડી-૧, પોપટપરા-ર, સદર ખાટકી જમાત-૧, તુલારામ રત્નારામ ધોબીનો ૧, પેન્ટર આરીફ નં. ૧, મુસ્લિમ લાઇન, બાબરીયા કોલોનીમાં તાજીયા બને છે. જંગલેશ્વરના તાજીયા જે જંગલેશ્વરમાં જ રહે છે. લાઇન દોરીમાં ફરતા નથી. હૈદરી ચોક ભગવતી સોસાયટી તથા હાઉસીંગ કવાર્ટસ, ગંજીવાડા, માજોઠીનગર મળી કુલ ૧૪ અને ૧૦ ડોલી મોટા પીર છીલ્લા અને ચામડીયા ખાટકીવાસ મળીને ર સોની બજાર ૧, સીપાહી જમાત-ર, ઘાંચીવાડ ૧, કોઠારીયા કોલોની-૧, ઢેબર કોલોની -૧, લક્ષ્મીનગર-૧, બાવાગોર-૧, જિલ્લાવાળી શેરી -૧, રામનાથપરા, મફતીયા પતરાવાડ, નવયુગપરા, રામનાથપરા, પોલીસ લાઇન, કુંભારવાડા-૧, મનહરપરા-૧, ફાયરબ્રીગેડ, રાજમોતી મીલ પાસે, મફતીયાપરા-ર, જિલ્લા ગાર્ડન-૧, આમ કુલ અંદાજીત ૧૩૦ થી વધુ કલાત્મક તાજીયાઓ રાજકોટ શહેરમાં બની રહ્યા છે.
એક અહેવાલ મુજબ સદર વિસ્તારમાં કુલ ૧૬ તાજીયા બને છે જે લાઇન દોરીમાં તેની સાથે ૧૦ ડોલી, બે દુલ દુલ અને ચાર જારફ અખાડા રહેશે. રાજકોટ શહેર મધ્ય વિસ્તાર અને છેવાડાના વિસ્તારના તાજીયા મળી આ સંખ્યા દોઢ-સો જેવી થવા પામે છે.










