News of Friday, 12th June 2026
વિજયભાઇ રૂપાણીની આજે પણ ખોટ વર્તાય છેઃ પૂ.નમ્રમુનિ મ.સા.
પૂ.પરમ ગુરૂદેવના સાનિધ્યે વિજયભાઈને પ્રિય એવી જીવદયા, કરુણા, માનવતા, પશુરક્ષા અને લોક કલ્યાણના કાર્યોને આગળ વધારીને એમને શ્રદ્ધાંજલિ અર્પણ

રાજકોટ, તા. ૧રઃ ૨૭૦ વ્યક્તિનો ભોગ લેનારી અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને જ્યારે એક વર્ષ પૂરું થયું છે ત્યારે યાદ આવે છે તે દુર્ઘટનાનો ભોગ બનેલાં ગુજરાત રાજ્યના માનનીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીવદયા પ્રેમી એવા મહાનાયક વિજયભાઈ રૂપાણીની.
વિજયભાઈ એક એવું જીવન જીવી ગયા કે તેઓ લાખોના હૃદયને સ્પર્શી ગયા. કાઠિયાવાડમાં કહેવાય કે ‘અડધી રાતના હોંકારા' જેવું વ્યક્તિવ્ય સમગ્ર ગુજરાતે ગુમાવ્યું. જ્યારે જરૂ૨ પડે તે વ્યક્તિ માટે હમેશા ઊભા હોય! પોતાના શાસનકાળમાં અનેક પ્રકારના માનવસેવા જીવદયા, ગૌરક્ષા અને લોકકલ્યાણના કાર્યો કરનારા શ્રી વિજયભાઈ રૂપાણી માત્ર એક સફળ રાજનેતા જ ન હતા પરંતુ અબોલ, નિરાધાર, લાચાર અને દુઃખી જીવોની વેદના, સંવેદના ને સમજનારા એક મુઠ્ઠી ઉંચેરા કરુણાવાન માનવ હતાં.
ઉલ્લેખનીય છે કે, જેઓ પોતાના રાજ્ય નિર્ણયો ૫૨ ધર્મનું તિલક લઈને ચાલતા હતા એવા જૈન સમાજના પનોતા પુત્ર શ્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના શાસનકાળમાં કરેલા જીવદયા અને જિનશાસનના કાર્યોથી પ્રભાવિત થઈને રાષ્ટ્રસંત ૫૨મ ગુરુદેવ દ્વારા તેમને ૨૦૧૭માં ‘જીવદયા રત્ન' ની પદવી અર્પણ ક૨વામાં આવી હતી.
વિજયભાઈ રૂપાણીએ પોતાના શાસનમાં ગુજરાત રાજ્યની દરેક જ્ઞાતિઓ માટે કરેલાં વિકાસલક્ષી કાર્ય અનેક ગૌશાળા અને નિરાધાર પાંજરાપોળ માટેના માનવતાલક્ષી કાર્યો તેમજ ગુજરાતની દરેક પાંજરાપોળ તેમજ ગૌશાળા માટે આર્થિક સહાય અને પ્રતિ પશુ દૈનિક અનુદાન (સબસીડી) વધારવાના તેમના આપેલા આદેશથી હજારો અબોલ જીવોને મળેલી શાતાના કાર્યો આજે પણ એ લોકનાયકની કદી ન પુરાઈ એવી ખોટની અનુભૂતિ કરાવી રહ્યાં છે.
વિજયભાઈ રૂપાણીના જીવદયા, જિનશાસન અને સંત- સતીજીની વૈયાવચ્ચના શ્રેષ્ઠ કર્તવ્યો, તેમનો જીવદયા પ્રેમ આજે પણ આપણા સહુ માટે પરમાર્થ અને પરકલ્યાણની એક પ્રેરણા આપી રહ્યા છે. એવા જીવદયા રત્ન શ્રી વિજયભાઈ રૂપાણીને પ્રિય એવી જીવદયા અને માનવતાના કાર્યોને આગળ વધારીને એમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ.
(3:24 PM IST)










