<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

મનપાની આમંત્રણ પત્રિકામાં કરકસરનો પ્રયોગઃ પ્રિન્‍ટ નહીં ઈ પત્રિકા

જામનગર રોડના નવનિર્મિત ફોર લેન બ્રિજના લોકાર્પણ પ્રસંગે નવી કાર્યપ્રણાલી : સંગઠનના હોદ્દેદારોના નામોની બાદબાકીઃ માત્ર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કોર્પોરેશન પદાધિકારીઓને સ્‍થાનઃ રાજ્‍યભરની મહાનગરપાલિકાઓમાં એક જ પેટર્ન અપનાવાશે

રાજકોટ ,તા., ૧૨:મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે જામનગર રોડ પર નવનિર્મિત ફોર લેન રેલવે ફ્‌લાયઓવર બ્રિજનું  લોકાર્પણ સાદગીથી થનાર છે. જોકે કાર્યક્રમ કરતાં વધુ ચર્ચા તેની આમંત્રણ પત્રિકાની થઈ રહી છે. મહાનગરપાલિકા દ્વારા આ વખતે કરકસરના ભાગરૂપે અત્‍યંત સાદી અને મર્યાદિત માહિતી ધરાવતી પત્રિકા તૈયાર કરવામાં આવી હોવાનું સામે આવ્‍યું છે.

મહાનગરપાલિકાના નવા વહીવટી અભિગમ મુજબ ખર્ચમાં ઘટાડો અને કાર્યપદ્ધતિમાં સરળતા લાવવાના ઙ્કયાસો વચ્‍ચે આ આમંત્રણ પત્રિકા એક નવતર પ્રયોગ તરીકે જોવામાં આવી રહી છે. અગાઉ લોકાર્પણ અને ખાતમુહૂર્તની પત્રિકાઓમાં શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારોના નામોનો સમાવેશ કરવામાં આવતો હતો. જોકે આ વખતે બહાર પાડવામાં આવેલી પત્રિકામાં સંગઠનના હોદ્દેદારોના નામો સંપૂર્ણપણે દૂર રાખવામાં આવ્‍યા છે.

પત્રિકામાં માત્ર મુખ્‍ય મહેમાન તરીકે રાજ્‍યના નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી, શહેરના સાંસદો, ધારાસભ્‍યો તેમજ રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્‍યુટી મેયર, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન અને અન્‍ય સત્તાવાર પદાધિકારીઓના નામોને સ્‍થાન આપવામાં આવ્‍યું છે. જેના કારણે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે.

ભાજપના સૂત્રોના જણાવ્‍યા મુજબ પ્રદેશ સંગઠનની માર્ગદર્શિકા અનુસાર કાર્યક્રમોની પત્રિકાઓમાં જરૂરી નામો જ સમાવવાની નવી પ્રણાલી અપનાવવામાં આવી રહી છે. રાજકોટમાં શરૂ કરાયેલો આ પ્રયોગ આગામી સમયમાં સમગ્ર રાજ્‍યની મહાનગરપાલિકાઓ અને સ્‍થાનિક સ્‍વરાજ્‍ય સંસ્‍થાઓમાં પણ અમલમાં મૂકાય તેવી શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્‍યા મુજબ વહીવટી ખર્ચમાં ઘટાડો અને કાર્યક્રમોને વધુ વ્‍યવસ્‍થિત બનાવવા માટે આ પ્રકારના ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આમંત્રણ પત્રિકાની નવી ડિઝાઇન અને તેમાં અપનાવવામાં આવેલી કરકસરની નીતિ આગામી દિવસોમાં ચર્ચાનો વિષય બની રહે તેવી શકયતા છે. 

(3:24 PM IST)