હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાંઢીયા પુલ પર યાતાયાત શરૂ : યાતનાનો અંત
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવા ફોર લેન બ્રિજનું ઉદઘાટનઃ તમામ કોર્પોરેટરો મનપા કચેરીએથી ઇ-બસમાં સ્થળ પર પહોંચ્યા

રાજકોટ, તા. ૧૩ : શહેરના જામનગર રોડ પર બે વર્ષના સમય ગાળા બાદ રૂા.૭૪.૩ર કરોડના ખર્ચે નવનિર્મિત સાંઢિયા પુલનું રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે લોકાર્પણ સાદગીથી થયું છે. હજારો વાહન ચાલકો શહેરના સુવ્યવસ્થિત અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના વધુ એક મહત્વપૂર્ણ સોપાનરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર રૂ.૭૪.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજ, જે સાંઢિયા પુલ તરીકે લોકપ્રિય છે, તેનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજે સવારે ૧૦:૦૦ કલાકે કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના તમામ કોર્પોરેટરો મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ એકત્રીત થઇ જામનગર રોડ પર સાંઢીયા પુલ ખાતે ઇ-બેસમાં પહોંચ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કરકસરની અપીલને ઝીલી એક નવી કાર્ય પ્રણાલીની અપીલ કરી છે.
શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવા તથા નાગરિકોને સરળ, ઝડપી અને સલામત વાહનવ્યવહારની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નિર્માણ પામેલ આ અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હવે લોકાર્પણ માટે તૈયાર છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઝડપી વિસ્તરણ અને વધતા ટ્રાફિકના દબાણને ધ્યાનમાં રાખીને વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે જ દિશામાં સાંઢિયા પુલનું નિર્માણ શહેર માટે એક ઐતિહાસિક અને જનઉપયોગી પ્રોજેક્ટ સાબિત થશે.
સાંઢિયા પુલ કાર્યરત થતાં જામનગર રોડ, માધાપર ચોકડી, ઘંટેશ્વર વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં વર્ષોથી અનુભવાતી ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.
આ ઓવરબ્રિજ શરૂ થતાં દરરોજ અંદાજે ૭૦ હજાર થી એક લાખ જેટલા વાહનચાલકોને સીધો લાભ મળશે, જેના પરિણામે મુસાફરીનો સમય બચશે, ઇંધણનો વ્યય ઘટશે તેમજ માર્ગ સલામતીમાં પણ વધારો થશે. વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે પણ અવરજવરની સરળતા વધતા આર્થિક પ્રવળત્તિઓને પ્રોત્સાહન મળશે.

સાંઢિયા પુલની વિશેષતાઓ આ અત્યાધુનિક ઓવરબ્રિજનું નિર્માણ આધુનિક તકનીકી ધોરણો અનુસાર કરવામાં આવ્યું છે. બ્રિજની મુખ્ય વિગતો આ મુજબ છેઃ
બ્રિજની કુલ લંબાઈઃ ૬૭૮ મીટર * બ્રિજની કુલ પહોળાઈઃ ૧૬.૪૦ મીટર * બંને બાજુ ૭.૫૦ મીટર પહોળાઈના કેરેજ-વેની સુવિધા *રેલવે ટ્રેકથી ક્લીયર ઊંચાઈઃ ૬.૨૫ મીટર * કુલ પ્રોજેક્ટ ખર્ચઃ રૂ. ૭૪.૩૨ કરોડ * કામ શરૂ કરવાની તા. ૧૫ માર્ચ, ૨૦૨૪ * આર.સી.સી. ગર્ડરઃ ૧૨૦ નંગ *સ્ટીલ ગર્ડરઃ ૭ નંગ * પિલરઃ ૨૨ નંગ * સ્લેબઃ ૨૧ નંગ










