કુચીયાદળ પાસે ટ્રીપલ અકસ્માતમાં ઇકો ચાલક પ્રકાશ મેઘાણીનું પણ મોતઃ મૃત્યુઆંક પાંચ થયો
ચોટીલાના મોટી મોલડીમાં કોળી પરિવારના પાંચ લોકોના મોતથી કાળો કલ્પાંતઃ ૯ લોકો કુવાડવા જીઆઇડીસીના કારખાનેથી છુટી પ્રકાશભાઇની ઇકોમાં ઘરે જતાં હતા ત્યારે ગેસના ટેન્કરે ટ્રકને ઉલાળતાં ટ્રક ઇકો ઉપર ખાબક્યો પ્રકાશ સાથે તેના માતા લાભુબેન મેઘાણી, બહેન વિલાસબેન મેઘાણીના પણ મૃત્યુઃ ધુનાબેન ડાભી અને ભાવીશાબેન ડાભી પણ કાળનો કોળીયો બન્યોઃ દરરોજ બધા પ્રકાશભાઇની ઇકોમાં અપડાઉન કરતાં: લીલાબેન ડાભી, પુર્વી ડાભી, શ્રધ્ધા ડાભીને ઇજા

તસ્વીરમાં ઘટના સ્થળના દ્રશ્યો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લીલાબેન ડાભી તથા સવારે મૃત્યુ પામનાર ઇકો ચાલક પ્રકાશભાઇ મેઘાણીનો નિષ્પ્રાણ દેહ તથા ફાઇલ ફોટો જોઇ શકાય છે. લીલાબેનની દિકરી ભાવીશાનું રાતે મોત થયું હતું (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૧૩: કુવાડવા નજીક કુચીયાદળ પાસે ગેસના ટેન્કરે ટ્રકને ઠોકરે લેતાં ટ્રક રોંગ સાઇડમાં જઇ ચોટીલા તરફ જઇ રહેલી ઇકો ઉપર ત્રાટકતાં ઇકો કારનો બૂકડો બોલી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં ચોટીલાના મોટી મોલડી ગામના બે મહિલા અને યુવતિના ઘટના સ્થળે જ મોત થયા હતાં. જ્યારે એક યુવતિનું રાતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. સવારે ઇકો ચાલક યુવાને પણ દમ તોડી દેતાં આ અકસ્માતનો મૃત્યુઆંક પાંચ થયો હતો. દરરોજ આ ઇકો ચાલક પોતાના ગામના મહિલા, દિકરીઓને લઇ કુવાડવા જીઆઇડીસીમાં બેગની ફેક્ટરીમાં કામે આવતો હતો અને સાંજે છુટીને બધાને પોતાની ઇકોમાં પરત ઘરે લઇ જતો હતો. ગઇકાલે આ ક્રમ મુજબ બધા મોલડી ઘરે જવા નીકળ્યા ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ કુચીયાદળ નજીક ગેસના ટેન્કરે ટ્રકને ઠોકરે લેતાં આ ટ્રક કુવાડવાથી ચોટીલા તરફ જઇ રહેલી ઇકો કારને માથે રોંગ સાઇડમાં જઇને પડયો હતો. આ કારને ઇકો કારનો બૂકડો બોલી ગયો હતો. તેમાં બેઠેલા કારચાલક સહિત ૯ને ઇજાઓ થઇ હતી. જે પૈકી ત્રણ મહિલાઓ મોટી મોલડીના પુનાબેન દિનેશભાઇ ડાભી (ઉ.વ.૨૫), લાભુબેન વિનુભાઇ મેઘાણી (ઉ.વ.૫૫) તેમના દિકરી વિલાસબેન વિનુભાઇ મેઘાણી (ઉ.વ.૨૨)ને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત થયા હતાં.
જ્યારે અન્ય ઇજાગ્રસ્તો ઇકો કારના ચાલક મોટી મોલડીના પ્રકાશભાઇ વિનુભાઇ મેઘાણી (ઉ.વ.૩૦), ભાવીશાબેન રમેશભાઇ મેઘાણી (ઉ.વ.૧૭), શ્રધ્ધાબેન દિનેશભાઇ ડાભી (ઉ.વ.૧૬), પુર્વીબેન દિનેશભાઇ ડાભી (ઉ.વ.૧૮), લીલાબેન રમેશભાઇ ડાભી (ઉ.વ.૫૫)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સાંજે સારવાર દરમિયાન ભાવીશાએ દમ તોડી દેતાં મૃત્યુ આંક ૪ થયો હતો. દરમિયાન આજે સવારે ઇકો ચાલક પ્રકાશભાઇ મેઘાણીનું પણ મોત થતાં મૃત્યુ આંક પાંચ થયો હતો.
આ અકસ્માતમાં લાભુબેન વિનુભાઇ મેઘાણી, તેમની દિકરી વિલાસબેન અને દિકરો પ્રકાશભાઇ મળી ત્રણ સદસ્યોના જીવ ગયા છે. જ્યારે પુનાબેન ડાભી અને ભાવીશા ડાભી પણ કુટુંબી સગા હતાં. એક જ ગામના કોળી પરિવારના પાંચ લોકો કાળનો કોળીયો બની જતાં ગામમાં ગમગીની વ્યાપી ગઇ છે અને પરિવારોમાં કાળો કલ્પાંત સર્જાયો છે. આ બધા કુવાડવા ફેક્ટરીમાં કામે આવતાં હતાં. દરરોજ તેઓ પ્રકાશભાઇની ઇકોમાં આવતાં અને જતાં હતાં. મૃત્યુ પામનાર લાભુબેનને સંતાનમાં બે દિકરી, બે દિકરા છે. જેમાં તેની સાથે એક દિકરો અને દિકરીના મોત થયા છે. લાભુબેનના પતિ ખેત મજુરી કરી ગુજરાન ચલાવે છે. પોતે દિકરા, દિકરી સાથે કુવાડવા ફેક્ટરીમાં કામે આવતાં હતાં. ભાવીશા પાંચ બહેન અને એક ભાઇમાં નાની હતી. તેના પિતા ખેતી કરે છે. તેના માતા લીલાબેન રમેશભાઇ સારવાર હેઠળ છે. એરપોર્ટ પોલીસ વધુ તપાસ કરી રહી છે.










