News of Saturday, 13th June 2026
અજીતમોૈલાની ક્રુરતાઃ ૧૪ વર્ષના શુભમની હત્યા બાદ ત્રણ દિવસ લાશ બાથરૂમમાં રાખીઃ બે સગીરને બાજુમાં બેસાડી છરાથી કટકા કર્યા'તા!
૮ વર્ષ પહેલા રૂખડીયાપરા આજી નદીમાંથી મળેલું માથું બંગાળના ૧૪ વર્ષના બાળક શુભમ વિનોદભાઇ હસદાનું હોવાનો ક્રાઇમ બ્રાંચે શોધી કાઢતાં ભેદ ખુલ્યો અને બંગાળી ઠેકેદારની શૈતાનીયત પણ સામે આવીઃ નિર્દોષ બાળકને પતાવી દીધા બાદ નિરાંતે જમ્યો હતોઃ કૃત્યને જાણી ગયેલા બે બાળકને સતત ડરાવતો કે-કોઇને કહેશો તો તમારા પણ આવા હાલ થશે! ઢીકા-પાટા મારતાં શુભમ મરી ગયો તે બીજા બે સગીરને ખબર હોઇ બીજા કોઇને કહે નહિ તેથી તેને લાશના કટકા કરવા બેસાડયાઃ પણ બંનેએ ના પાડતાં બાજુમાં બેસાડયા હતાં: પહેલા ધડનો નિકાલ બેડી પાસે કર્યો, ત્યારે પણ એક સગીરને સાથે લઇ ગયો હતોઃ તેના બે દિવસ પછી માથાનો નિકાલ કર્યો હતોઃ રિમાન્ડ મેળવવા તજવીજઃ જેસીપી ચૈતન્ય માંડલીકે વિગતો વર્ણવી ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીએસઆઇ સી. બી. જાડેજા, જનકભાઇ, પ્રતિકભાઇ દ્વારા તપાસઃ ૧૦ દિવસના રિમાન્ડ મંજુર થતાં નક્કર પુરાવા એકઠા કરવા તપાસનો ધમધમાટ

તસ્વીરમાં આઠ વર્ષ પહેલા મળેલુ માથુ, બાજુમાં જેનુ માથુ હતું તે બાળક શુભમનો ફોટો અને ક્રુરતા આચરનારો ઠેકેદાર અજીતમોૈલા અજમતમોૈલા તથા ઘટના સ્થળે પીએસઆઇસી. બી. જાડેજાએ આરોપીને સાથે રાખી રીકન્ટ્રકશન કરાવ્યું તે દ્રશ્ય અને વિગતો જણાવતાં જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયા જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૧૩: આઠ વર્ષ પહેલા ૨૦૧૮માં શહેરના રૂખડીયાપરા પાસેથી પસાર થતી આજી નદીમાંથી બાળકનું માથુ મળી આવ્યું હતું. આ ઘટનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખતા ખળભળાટ મચાવતી વિગતો સામે આવી છે. આ માથુ પヘમિ બંગાળના શુભમ વિનોદભાઈ હસદા (ઉ.વ.૧૪)નું હોવાનું અને તેને મજુરી માટે બંગાળથી રાજકોટ લાવનારા બંગાળી ઠેકેદાર હાલ સામા કાંઠે રાજનગરમાં રહેતાં બંગાળના અજીતમૌલા આજમતમૌલા (ઉ.વ.૪૦)એ આ બાળકની હત્યા કર્યાનું ખુલતાં તેનો જેલમાંથી કબ્જો લઇ ધરપકડ કરાઇ છે. તપાસમાં આ ઠેકેદારની ક્રુર શૈતાનીતય સામે આવી છે. તોફાન કરતાં અને વતન જવાની જીદ કરતાં શુભમને ઢીકાપાટા મારી પતાવી દીધા બાદ અજીતમોૈલાએ ત્રણ દિવસ સુધી લાશ રામનાથપરાના ઘરના બાથરૂમમાં રાખી હતી. આ પછી આ ઘટનાને જાણી ગયેલા બે સગીરને લાશની પાસે બેસાડી છરાથી ટુકડા કર્યા હતાં. આ બાળકો કોઇને ઘટનાની જાણ ન કરે તે માટે લાશનો નિકાલ કરવામાં પણ એકને સાથે રાખ્યો હતો!
ગયા વર્ષે શહેર ક્રાઇમ બ્રાંચના તત્કાલીક ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલની રાહબરીમાં તે વખતે એસીપી ભરત બસીયા, એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, એએચટીયુના પીઆઇ બી. એમ. ઝણકાટ સહિતે બાતમીને આધારે ૨૧ જેટલા બંગાળી બાળકો કે જેને બંગાળથી અજીતમોૈલા અજમતમોૈલા રૂા. ૮૦૦૦માં મજુરી કરવા લાવ્યો હતો અને આ બાળકો પર સીતમ ગુજારતો હોઇ તેમને મુક્ત કરાવ્યા હતાં. જે તે વખતે બાળકોની તબીબી તપાસ થતાં અજીતમોૈલાએ એક બાળક સાથે બળજબરી આચરી હોવાનું ખુલતાં અલગથી ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તે જેલહવાલે થયો હતો. જે તે વખતે પોલીસને જાણવા મળ્યુ હતું કે જે બંગાળી બાળકોને મુક્ત કરાવ્યા તેમાંથી એક બાળક ગૂમ છે.
આ બાળક કોણ હોઇ શકે? બાળક ક્યાં હશે? સહિતના સવાલો ઉકેલવા હાલની ક્રાઇમ બ્રાંચની ટીમે ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત એસીપી ભરત બસીયાની રાહબરીમાં તપાસ શરૂ કરી હતી. જે તે વખતે બી-ડિવીઝનમાં ફરજ બજાવતાં પીએઅસાઇ એસ. એમ. રાણાએ ૨૦૧૮માં આજી નદીમાંથી મળેલા માથાને ધ્યાને રાખી તપાસ શરૂ કરી હતી. આ તપાસનો દોર બંગાળ સુધી લંબાયો હતો. પોલીસને માહિતી મળી હતી કે બંગાળના દંપતિનો દિકરો શુભમ હસદા ગુમ છે જે અજીતમોૈલાને ત્યાં કામ કરતો હતો. આ પછી ટીમે તપાસ આગળ ધપાવી હતી. ડીએનએ ટેસ્ટ સહિતની કાર્યવાહી અને એફેઅસએલની મદદ લઇ ગૂમ થયેલા બાળકોના દેશભરના ડેટા મંગાવી કાર્યવાહી કરી હતી.
આ દરમિયાન અજીતમોૈલાની પણ વિસ્તૃત પુછતાછ થતાં તેણે પ્રાથમિક તબક્કે નદીમાંથી જે માથુ મળ્યું તે શુભમનું હોવાની અને હત્યા કર્યાની કબુલાત તાજેતરમાં આપી દીધી હતી. ડીએનએ પરિક્ષણ બાદ રીપોર્ટ આવતાં માથુ બંગાળી બાકળનું જ હોવાનું સ્પષ્ટ થઇ જતાં અજીતમોૈલા અજમતમોૈલાનો કબ્જો મેળવી વિસ્તૃત પુછતાછ થઇ હતી. ગઇકાલે તેની વિધીવત ધરપકડ બાદ જોઇન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાએ સમગ્ર ઘટનાની વિગતો આપી હતી. અજીતમોૈલાએ કબુલ્યું હતું કે મજુર માટે રાખેલો બાળક શુભમ તોફાન કરતો હોઇ કામમાં ધ્યાન દેતો ન હોઇ અને વતન કરવાની જીદ કરતો હોઇ રામનાથપરા-૧૮ના મકાનમાં તેને મારકુટ કરી હતી. આ વખતે અન્ય બે ૧૪ અને ૧૨ વર્ષના બાળકો પણ હતાં.
મકાનના ઉપરના રૂમમાં મારકુટ વખતે દેકારો થતાં નીચેના માળેથી બે બાળકો ઉપર જોવા જતાં અજીતમોૈલાએ તેને ચુપ રહેવા કહ્યું હતું. આ દરમિયાન શુભમનું મોત થઇ ગયું હતું.બે બાળકો હાજર હોઇ અજીતમોૈલાએ તેમને ડરાવ્યા હતાં કે જો તમે કોઇને કહેશો તો તમને પણ મારી નાંખીશ. આથી બાળકો નીચે જઇ સુઇ ગયા હતાં. ડરી ગયેલા અજીતમોૈલાએ ઉપરના રૂમમાં બાથરૂમમાં શુભમની લાશ મુકી દીધી હતી અને બાદમાં નિરાંતે જમીને સુઇ ગયો હતો. એ પછી લાશનો નિકાલ કરવાનો પ્લાન કર્યો હતો અને કોથળામાં ભરવાનો પ્રયાસ કર્યો હતો. પણ લાશ તેમાં સમાઇ નહોતી. આથી તે ગુજરીબજારમાં જઇ મટન કાપવાના બે છરા લઇ આવ્યો હતો.
ત્રણ દિવસ સુધી લાશ બાથરૂમમાં રહેતાં ગંધ આવવા માંડતા તેણે બે સગીર કે જે ઘટનાથી વાકેફ હતાં તેને બોલાવ્યા હતાં અને લાશ કાપવામાં મદદ કરવાનું કહી છરો આપ્યો હતો. પણ આ બાળકોએ આવુ કરવાની ના પાડતાં તેને લાશની બાજુમાં જ બેસાડી રાખી પોતે ધડ-માથુ અલગ કર્યા હતાં. આથી આ બાળકો ખુબ ફફડી ગયા હતાં અને કોઇને વાત કરી નહોતી. ધડ માથુ નોખા કર્યા પછી ધડ કોથળામાં ભરી ટીવીએસ મોપેડ પર તેને બેડી પાસે ફેંકવા ગયો હતો. આ વખતે પણ બેમાંથી એક સગીરને સાથે લીધો હતો.
એ પછી વધુ એક દિવસ સુધી માથુ બાથરૂમમાં રાખી મુકી બાદમાં ફરીથી સગીરને સાથે લઇ આજી નદીમાં ફેંકી આવ્યો હતો. આ પછી કંઇ બન્યું ન હોય તેમ રૂટીન કામમાં પરોવાઇ ગયો હતો. આ ઘટનાના આઠ વર્ષ બાદ શહેર પોલીસે અજીતમોૈલાને બાળકોને ગેરકાયદે ગોંધી રાખી બાળમજુરી કરાવવાના ગુનામાં પકડતાં એક બાળક ગુમ હોવાની વિગતો સામે આવી હતી અને તેની તપાસ શરૂ થતાં અંતે ભેદ ખુલ્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં એસીપી ભરત બસીયાના માર્ગદર્શનમાં પીએસઆઇ સી. બી. જાડેજા, મદદનીશ જનકભાઇ કુગશીયા, પ્રતિકભાઇ રાઠોડ વધુ તપાસ કરે છે. આરોપી અજીતમોૈલાને સાંજે જ્યાંથી માથુ મળ્યું હતું ત્યાં અને રામનાથપરામાં તેણે જ્યાં હત્યા કરી તે સ્થળે લઇ જઇ રીકન્સ્ટ્રકશન કરાવાયું હતું. હવે ૧૪ દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ કરવામાં આવી હતી. અદાલતે ૧૦ દિવસના રિમાન્ડ મંજુર કરતાં નક્કર પુરાવા એકઠા કરવા આગળની તપાસ પીએસઆઇ ચંદ્રસિંહ બી. જાડેજા અને ટીમે હાથ ધરી છે.
(2:08 PM IST)










