<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

દ્વારકા દર્શને જતાં અમદાવાદના પરિવારોની બસ પલ્‍ટીઃ દસને ઇજા

માલિયાસણથી બેડી વચ્‍ચેના બાયપાસ પર બનાવ : પાંચને સારવાર માટે દાખલ કરાયાઃ અન્‍યોને પ્રાથમિક સારવારઃ સોસાયટીના ૧૯ લોકો હતાં

રાજકોટ તા. ૧૩: રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલિયાસણથી બેડી તરફના બાયપાસ વચ્‍ચે ખાનગી બસ પલ્‍ટી મારી જતાં તેમાં બેઠેલા અમદાવાદની સોસાયટીના અલગ અલગ પરિવારના લોકોને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જેમાં પાંચને દાખલ કરાયા હતાં. બાકીનાને પ્રાથમિક સારવાર અપાઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ અમદાવાદ રાણેકપુર વિસ્‍તારમાં એક જ સોસાયટીમાં રહેતાં અલગ અલગ પરિવારના ૧૮ લોકો પુરૂષોત્તમ માસ નિમીતે દ્વારકા દર્શન કરવા જવા એક મીની લક્‍ઝરી બસ ભાડે બાંધીને અમદાવાદથી રવાના થયા હતાં. આ બસ વહેલી પરોઢે રાજકોટના માલિયાસણ પાસે બેડી બાયપાસ નજીક પહોંચી ત્‍યારે ડ્રાઇવરે કોઇપણ કારણોસર કાબુ ગુમાવતાં પલ્‍ટી મારી જતાં તમામને નાની મોટી ઇજાઓ થઇ હતી.

જો કે તેમાંથી મીત રાકેશભાઇ પટેલ, રાકેશભાઇ નારણભાઇ પટેલ, માન્‍ય ભરતભાઇ પ્રજાપતિ, નીતાબેન સુનિલભાઇ પટેલ અને વર્ષાબેન ભરતભાઇ પ્રજાપતિને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં દાખલ કરી સારવાર અપાઇ હતી. બાકીનાને પ્રાથમિક સારવાર અપાઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં કુવાડવા પોલીસ નિવેદન નોંધવા પહોંચી હતી. પણ ઘાયલોએ કોઇ ફરિયાદ કરવી નહિ હોવાનું જણાવ્‍યું હતું.

 

(12:20 PM IST)