તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th June 2026
રાજકોટ બસ સ્ટેશન પાછળ હોટેલમાં બેસી મુંબઇનો રવિન્દ્ર ઓપરેટ કરતો'તો મ્યુલ એકાઉન્ટઃ આંગડીયામાં હવાલા પાડી રોકડની હેરફેર
ડીસીપી પીઆઇ ચિરાગ જાદવ અને ટીમે બાતમી પરથી દરોડો પાડી ઝડપી લીધોઃ મુંબઇના સુત્રધાર વિનોદની શોધખોળઃ ૮ જેટલા મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ થતો હતો ફ્રોડના નાણા જે પ્રથમ ખાતામાં આવે ત્યાંથી પકડાવાના ડરથી આ નાણા તુરંત જ બીજા મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતા હતાઃ તેમજ બીજા ખાતાના હેન્ડલર પાસેથી આંગડિયાના હવાલા મારફત રોકડેથી નાણા ઉપાડી લેવાતાં

રાજકોટ તા. ૧૩: રાજકોટ તા. ૧૩: શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ે મુંબઈની સાયબર ક્રાઈમ ગેંગના એક સક્રિય સાગરીતને રાજકોટના એસ.ટી. બસ સ્ટેશન પાછળ આવેલી હોટેલમાંથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી પોતાના મોબાઈલ ફોન મારફતે દેશભરમાં છેતરપિંડીના નાણાં સેરવી લેવા માટે વપરાતા મ્યુલ એકાઉન્ટ્સ-ભાડાના બેંક ખાતાનું નેટવર્ક ઓપરેટ કરતો હતો. તેની સામે મુંબઇનો તેનો સાગ્રીત પણ આ કારસ્તાનમાં સામેલ હતો. અલગ અલગ ૮ મ્યુલ બેંક એકાઉન્ટની વિગતો મોબાઇલ ફોનમાંથી મળી હતી. આ બંને ફ્રોડના નાણાની હેરફેર માટે આંગડીયામાં હવાલા પાડી રોકડાનો વ્યવહાર પણ કરતાં હતાં. પોલીસે આરોપી પાસેથી ૩ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ડીસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ સી. એચ. (ચિરાગભાઇ હરિભાઇ) જાદવની ફરિયાદ પરથી મુંબઇ તારદેવ સ્લેટર રોડ ગંગા જમુના થીએટરની સામે સોનાવાલા બિલ્ડીંગ નં. ૮૮-ઇમાં રેહતાં રવિન્દ્ર ઘેવરચંદ જૈન અને વિનોદ કિશોરમલ રાંકા તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્યો છે. આ બંને મુંબઇના શખ્સો રાજકોટના બસ સ્ટેશન પાછળ સમ્રાટ હોટેલમાં રોકાયા હતાં અને પુર્વઆયોજીત કાવત્રુ રચી મ્યુલ એકાઉન્ટમાંથી સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરી અન્ય મ્યુલ એકાઉન્ટ હેન્ડલર પાસેથી આંગડીયામાં હવાલા મારફતે રોકડા રૂપિયા લઇ પહેલા મ્યુલ એકાઉન્ટ હેન્ડલર સુધી સાયબર ફ્રોડના નાણા પહોંચાડી તેમાંથી કમિશન મેળવવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વધુ માહિતી મુજબ ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચીરાગકુમાર હરીભાઈ જાદવ અને તેમની ટીમ લેપટોપ અને પ્રિન્ટર જેવા જરૂરી સાધનો સાથે ખાનગી વાહનમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ત્રિકોણબાગ પાસે પહોંચતા જ ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટ એસ.ટી. બસ સ્ટેશનની પાછળ આવેલી હોટેલ સમ્રાટ ઇન્ટરનેશનલના રૂમ નં. ૩૧૦માં એક શખ્સ રોકાયેલો છે અને તે પોતાના મોબાઈલમાંથી મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરીને સાયબર ફ્રોડના નાણાંની હવાલા મારફતે ગેરકાયદેસર લેતી-દેતી કરે છે.
બાતમીના આધારે પોલીસે તુરંત જ બે સ્થાનીય પંચોને સાથે રાખી હોટેલના રૂમ નં. ૩૧૦માં દરોડો પાડ્યો હતો. જ્યાંથી મુંબઈના તારદેવ વિસ્તારનો વતની રવિન્દ્ર ઘેવરચંદ જૈન (ઉ.વ. ૪૧) રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અને પકડાયેલા મોબાઈલ ફોનની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. રવિન્દ્ર જૈન અને તેનો મુંબઈનો તેનો પાર્ટનર વિનોદ કિશોરમલ રાંકા બંને સાથે મળીને આ આખું નેટવર્ક ચલાવતા હતા.
આ ટોળકી અન્ય નિર્દોષ કે લાલચુ વ્યક્તિઓના નામે સીમકાર્ડ મેળવી અલગ-અલગ બેંકોમાં મ્યુલ એકાઉન્ટ્સ ખોલાવતી હતી. તેમજ સાયબર ફ્રોડ દ્વારા ભોગ બનનાર વ્યક્તિના નાણાં જે પ્રથમ ખાતામાં આવે, ત્યાંથી પકડાવાના ડરથી આ નાણાં તુરંત જ બીજા મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતા હતા. તેમજ બીજા ખાતાના હેન્ડલર પાસેથી આંગડિયાના હવાલા મારફતે રોકડ રકમ મેળવી લેવાતી અને સાયબર ફ્રોડના નાણાં હોવાની પુરી જાણ હોવા છતાં આ ગેંગ કમિશન મેળવીને આર્થિક લાભ મેળવવામાં આવતો હતો.
પોલીસે આરોપી રવિન્દ્ર પાસેથી કબજે કરેલા વન પ્લસ અને સેમસંગ કંપનીના ૩ મોબાઈલ ફોનની ગેલેરી અને વ્હોટ્સએપ ગ્રુપ્સ ચેક કરતા બેંક ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ, હિસાબોની ચિઠ્ઠીઓ અને હવાલા માટે વપરાતી રૂ. ૨ થી લઈને ૨૦ સુધીની ચલણી નોટોના ફોટા મળી આવ્યા હતા.
મોબાઈલમાંથી અલગ-અલગ બેંકોની મ્યુલ એકાઉન્ટ ડિટેલ્સ મળી આવી છે, જેના પર દેશભરમાંથી અગાઉ પણ અનેક સાયબર ફરિયાદો એનસીસીઆરપી પોર્ટલ પર નોંધાઈ ચુકી છે. આ એકાઉન્ટમાં જય શક્તિ મલ્ટી ટ્રેડ એચડીએફસીબેંક, જય અંબે ટ્રેડીંગ યુનિયન બેંક, ઇલાઇટ એસ્કેપ ઇન્ટરનેશનલ ડીસીબી બેંક, સંજરી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ યુટીઆઇ બેંક, રાવ એન્ડ પાટીલ શીપીંગ આઇસીઆઇસીઆઇ બેંક, હોલીસ્ટીક બીઝનેસ આરબીએલ બેંક, સ્ટોરી ટેલર પ્રોડક્શન એયુ સ્મોલ બેંક અને અજીત ટ્રેડીંગ આરબીએલ બેંક નામના એકાઉન્ટ છે. આ તમામ મ્યુલ એકાઉન્ટ છે જેનો ઉપયોગ ફ્રોડના નાણાની હેરફેર માટે થતો હતો. રવિન્દ્ર અને વિનોદ બંને સાથે મળી ફ્રોડના નાણા ટ્રાન્સફર કરી આંગડીયાથી નાણાની હેરફેર કરી કમિશન મેળવતા હોઇ બંને સામે ગુનો દાખલ કરાયો હતો. હાલ રવિન્દ્રની ધરપકડ કરી વિશેષ તપાસ પીઆઇ સી. એચ. જાદવે હાથ ધરી છે.
(2:12 PM IST)










