હર્ષ સંઘવી મારા ઘરે ચા-પાણી પીવા માટે આવ્યા હતા, માત્ર સામાજિક ચર્ચાઓ જ થઇ છે, આ સિવાય કોઇ ચર્ચાઓ થઇ નથી : નરેશભાઇ પટેલ
નરેશભાઇની નિવૃત્તિ એ તેમનો વ્યક્તિગત પ્રશ્ન છે અને આ મુલાકાતને હું રાજકીય રીતે જોતો નથી : રમેશભાઇ ટીલાળા

રાજકોટ : રાજકોટ શહેરમાં સાંઢીયા પુલનું લોકાર્પણ કરી ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલના ઘરે પહોંચ્યા હતા. અહીં હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે લગભગ અડધો કલાક બંધબારણે બેઠક ચાલી હતી.
દરમિયાન આ અંગે ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાએ જણાવ્યું હતું કે, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની એવી ઈચ્છા હતી કે આપણે નરેશભાઈ પટેલના ઘરે શુભેચ્છા મુલાકાત માટે જઈએ જેથી અહીં તેઓ મળવા આવ્યા છે. નરેશભાઈની નિવળત્તિ એ તેમનો વ્યક્તિગત પ્રશ્ન છે અને આ મુલાકાતને હું રાજકીય રીતે જોતો નથી.
આ મુલાકાત અંગે નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચા-પાણી પીવા માટે મારા ઘરે આવ્યા હતા અને માત્ર સામાજિક ચર્ચાઓ જ થઈ છે આ સિવાયની કોઈપણ ચર્ચાઓ થઈ નથી.
આગામી જાન્યુઆરી ૨૦૨૭માં કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ૧૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ભવ્યાતિભવ્ય 'દશાબ્દી મહોત્સવ ૨૦૨૭'નું આયોજન કરવામાં આવ્યું છે. દશાબ્દી મહોત્સવના આયોજનના ભાગરૂપે ૨૩ મેએ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલે સર્વ સમાજને આમંત્રણ આપવા માટે માતાજીના અલગ અલગ ત્રણ રથને રાજકોટથી પ્રસ્થાન કરાવ્યું હતું. જે સમગ્ર ગુજરાતમાં ફરી લોકોને ફરી આ આયોજનને ભવ્યાતિભવ્ય બનાવવા આમંત્રણ આપવામાં આવશે.
તસ્વીરમાં હર્ષ સંઘવી સાથે નરેશભાઇ પટેલ અને રમેશભાઇ ટીલાળા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)










