<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

ટ્રકે એક્‍ટીવાને ઉલાળતાં ધો-૧૧ના છાત્રનું મોત

જામનગર રોડ પર શ્રી ખાટુ શ્‍યામજી મંદિર નજીક જીવલેણ અકસ્‍માત : રેલનગરમાં રહેતો ૧૬ વર્ષનો મિલન મોરીયા ઘંટેશ્વર પાસેની ક્રિસ્‍ટલ સ્‍કૂલથી ઘરે જતો હતો ત્‍યારે બનાવઃ પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૧૩: જામનગર રોડ પર શ્રી ખાટુ શ્‍યામજી મંદિર નજીક ટ્રકના ચાલકે એકટીવાને ઉલાળી દેતાં એકટ્‍ીવા ચાલક રેલનગરમાં રહેતાં ધોરણ-૧૧ના વિદ્યાર્થીનું  ગંભીર ઇજા થવાથી કમકમાટી ભર્યુ મોત થયું છે. શાળાએથી છુટીને તે ઘરે જતો હતો ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ રેલનગર ક્રિષ્‍ના બંગ્‍લોઝ-૩ ખાતે રહેતો મિલન અખિલેશભાઇ મોરીયા (ઉ.વ.૧૬) બપોરે એકટીવા હંકારી ઘરે જતો હતો ત્‍યારે જામનગર રોડ પર શ્રી ખાટુ શ્‍યામજી મંદિર નજીક પહોંચ્‍યો ત્‍યારે ટ્રકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર મિલન એક ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને ઘંટેશ્વર પાસે  આવેલી ક્રિસ્‍ટલ સ્‍કૂલમાં ધોરણ-૧૧માં ભણતો હતો. બપોરે શાળાએથી છુટીને ઘરે જતો હતો ત્‍યારે ટ્રક કાળ બની ગયો હતો. તેના પિતા એલ્‍યુમીનીયર સેક્‍શનનું મજુરી કામ કરે છે. દિકરાના મૃત્‍યુથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

(3:23 PM IST)