News of Sunday, 14th June 2026
નવા ૧૫૦ રિંગ રોડ પરસાણા ચોકમાંથી ૧૯ ચોરાઉ સાયકલો સાથે તાલુકા પોલીસે ૪ સગીરને પકડયા
ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી. જે. ચૌધરીની સૂચના મુકબ રાજકોટ તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબીરીમાં પીએસઆઇ બી.ડી. ભરવાડ અને ટીમની કામગીરી: કોન્સ. બળભદ્રસિંહ જાડેજા, જયપલાસિંહ સરવૈયા તથા કુલદિપસિંહ જાડેજાની બાતમી

રાજકોટ: તાલુકા પોલીસે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી સાયકલોની ઉઠાંતરી કરતા સગીરોને પકડી લીધા છે. પોલીસે સઘન પેટ્રોલિંગ અને ચોક્કસ બાતમીના આધારે નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પરસાણા ચોક નજીકથી કાયદાના સંઘર્ષમાં આવેલા ચાર સગીરો (બાળ-કિશોરો)ને ઝડપી પાડ્યા છે. તેમની આકરી પૂછપરછ દરમિયાન એક ખંઢેર મકાનમાંથી બ્રાન્ડેડ કંપનીઓ સહિત કુલ ૧૯ ચોરાઉ સાયકલો મળી આવી છે, જેની કુલ કિંમત રૂપિયા ૯૫,૦૦૦ આંકવામાં આવી છે. તાલુકા પોલીસે આ તમામ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેર પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશ્નર રાકેશ દેસાઈ (ઝોન-૨) તથા મદદનિશ પોલીસ કમિશ્નર બી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા અને વાહન ચોરી અટકાવવા માટે પોલીસને સઘન પેટ્રોલિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એસ.આર.મેધાણી સાહેબની દોરવણી હેઠળ સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્કોડના માણસોને ટેકનિકલ સોર્સિસ અને ચોક્કસ બાતમી મળી હતી કે, ચાર બાળ કિશોરો ચોરી કરેલ સાયકલો સાથે નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પરસાણા ચોક પાસે ઉભેલા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ચાર બાળ-કિશોરોને ચાર સાયકલો સાથે ઝડપી લીધા હતા.
જ્યારે પોલીસે તેમની પાસે સાયકલોના આધાર-પુરાવા કે બિલ માંગ્યા, ત્યારે તેઓ કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા. શંકા દ્રઢ થતાં પોલીસે આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હતી. પોલીસની સઘન પૂછપરછ અને યુક્તિ પ્રયુક્તિ સામે બાળ-કિશોરો ભાંગી પડ્યા હતા અને તેઓએ કબૂલાત કરી હતી કે તેઓ રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી સાયકલોની ચોરી કરતા હતા. ચોરી કરેલી સાયકલો તેઓ 'અવધનો ઢાળ' વીરસાવરકરના ક્વાર્ટરની અંદર પાણીના સંપની બાજુમાં આવેલા એક ખંઢેર જેવા મકાનમાં સંતાડી રાખતા હતા.
પોલીસે આ સ્થળે તપાસ કરીને અન્ય ૧૫ (પંદર) સાયકલો પણ શોધી કાઢી હતી. આમ, કુલ ૧૯ (ઓગણીસ) ચોરાઉ સાયકલો, જેની કુલ કિંમત રૂપિયા ૯૫,૦૦૦ થાય છે, તેને કબ્જે કરવામાં આવી છે. કાયદાના સંઘર્ષમાં આવેલા આ બાળ-કિશોરોના વાલીઓને બોલાવી, જરૂરી સમજ કરી તેમને સોંપવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા કબ્જે કરાયેલી ૧૯ સાયકલોમાં RALEIGH HYBRID, HARLAN અને RISKY14 જેવી બ્રાન્ડેડ તથા અલગ-અલગ કલરની સાયકલો સામેલ છે. દરેક સાયકલની આશરે કિંમત ૫,૦૦૦ ગણવામાં આવી છે, જેની વિગતો નીચે મુજબ છે: કાળા અને દૂધિયા કલરની સાયકલ (ફ્રેમ નં. KA5582218), કાળા સિલ્વર કલરની સાયકલ (ફ્રેમ નં. 0379987,,દૂધિયા કલરની સાયકલ (ફ્રેમ નં. 09H266102), બ્લ્યુ અને સફેદ કલરની સાયકલ (ફ્રેમ નં. Y21H50644), ગ્રે અને કેસરી કલરની RALEIGH HYBRID સાયકલ (ફ્રેમ નં. NL02211365), લીલા અને કાળા કલરની HARLAN સાયકલ (ફ્રેમ નં. N23C66091),લાલ અને કાળા કલરની સાયકલ (ફ્રેમ નં. BDR082103, સિલ્વર અને કાળા કલરની સાયકલ (ફ્રેમ નં. A786086), પીસ્તા અને સફેદ કલરની સાયકલ,પીસ્તા અને કાળા કલરની સાયકલ, બ્લ્યુ કલરની RISKY14 સાયકલ, કોફી અને કાળા કલરની સાયકલ,લીલા અને ગુલાબી કલરની (સીટ વિનાની) સાયકલ, ગ્રે કલરની નાની સાયકલ, કાળા અને સફેદ કલરની સાયકલ, આછા ગુલાબી કલરની સાયકલ, ગ્રે કલરની સાયકલ, કાળા કલરની (સીટ વગરની) સાયકલ, ગોલ્ડ, દૂધિયા અને સિલ્વર કલરની (સીટ વગરની) સાયકલ સામેલ છે.
આ કામગીરીમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.મેધાણી, પો.સબ.ઇન્સ. બી.આર.ભરવાડ તેમજ પો.હેડ.કોન્સ. કૌશેન્દ્રસિંહ ઝાલા, અજયભાઈ ભુંડીયા, અક્ષયભાઈ નાથાણી અને પો.કોન્સ. મુકેશભાઈ ડાંગર, બળભદ્રસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, ઉગાભાઈ બાળા, જયપાલસિંહ સરવૈયા, કુલદીપસિંહ જાડેજા, નિકુંજભાઈ મારવીયા, ભીખુભાઈ મૈયડ તથા હોમગાર્ડ પરેશ એચ. આહુંદરા, અનિલ પી. સાગઠીયા અને પાર્થ એસ. દવે જોડાયા હતા.
(6:25 PM IST)










