News of Sunday, 14th June 2026
રાજકોટના કોટેચા ચોકમાં ટ્રાફિક પોલીસની શરમજનક વર્તણૂક :કાર ચાલકને લાફા ઝીક્યાં :મહિલા સાથે પણ અભદ્ર વ્યવહાર
કાર લોક કરવાના મુદ્દે શરૂ થયેલો નાનકડો વિવાદ એટલો વણસ્યો કે પોલીસના સાથીદારે કાર ચાલકને જાહેરમાં તમાચા ઝીંક્યા :વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા

રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા કોટેચા ચોક વિસ્તારમાં આજે ટ્રાફિક પોલીસ અને એક કાર ચાલક વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયમન કરતી પોલીસની કામગીરી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ આ વખતે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
મળતી માહિતી મુજબ, કાર ચાલક પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા તેમની કારને લોક મારી દેવામાં આવ્યું હતું. આ જોતા જ કાર ચાલક તરત જ બહાર આવ્યા હતા અને પોલીસ કર્મચારીઓને વિનંતી કરી હતી કે તેઓ અત્યારે જ અહીંથી નીકળી જશે, માટે લોક ખોલી આપવામાં આવે. આ રજૂઆત બાદ બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. વાત સામાન્ય વિવાદથી શરૂ થઈ હતી પરંતુ ગણતરીની મિનિટોમાં જ ગરમાઈ ગઈ હતી.
આ સમગ્ર વિવાદ દરમિયાન એક એવી ચોંકાવનારી બાબત સામે આવી છે જેણે સૌને સ્તબ્ધ કરી દીધા છે. ટ્રાફિક પોલીસની ટીમ સાથે એક ખાનગી યુવક પણ ત્યાં હાજર હતો. બોલાચાલીની પરાકાષ્ઠાએ જ્યારે પોલીસ અને ચાલક વચ્ચે દલીલો ચાલતી હતી, ત્યારે પોલીસના સાથીદારે કાયદો પોતાના હાથમાં લઈને કાર ચાલકને જાહેરમાં જ એક પછી એક ફડાકા ઝીંકી દીધા હતા. પોલીસની હાજરીમાં જ એક નાગરિક પર આ રીતે હાથ ઉપાડવામાં આવતા આસપાસના લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
આ મામલો માત્ર પુરુષ ચાલક સુધી સીમિત નહોતો રહ્યો. કારમાં સવાર મહિલા જ્યારે આ અન્યાય સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ત્યાં હાજર મહિલા પોલીસ કર્મચારીએ પણ તેમની સાથે ભારે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. જાહેરમાં એક મહિલા સાથે આ પ્રકારની ભાષા અને વર્તણૂક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
(7:30 PM IST)










