<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

રાજકોટ ભાજપના પાયાના પથ્‍થર સમા પૂર્વ મેયર જનકભાઈ કોટકનું દુઃખદ અવસાન

‘જનકરાજા'ના નામે જાણીતા હતા, એકદમ સરળ વ્‍યક્‍તિત્‍વ ધરાવતા હતા : અકિલા પરિવાર સાથે દાયકાઓ જુનો સંબંધ : સુખ દુઃખના સહભાગી : આજે સાંજે ૪ વાગ્‍યે તેમના નિવાસસ્‍થાન બેડીનાકા ટાવર ખાતેથી અંતિમયાત્રા નીકળશેઃ રામનાથ સ્‍મશાનગૃહ ખાતે અંતિમ સંસ્‍કાર કરાશે

રાજકોટ : રાજકોટના રાજકીય અને સામાજિક ક્ષેત્રે આજે એક મોટી ખોટ પડી છે. રાજકોટના પૂર્વ મેયર, રઘુવંશી સમાજના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્‍થર સમાન વરિષ્‍ઠ નેતા જનકભાઈ કોટકનું દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચાર વહેતા થતાં જ રાજકીય અગ્રણીઓ, વેપારીઓ અને રઘુવંશી સમાજ સહિત સમગ્ર રાજકોટ શહેરમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

જનકભાઈ કોટક વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા હતા અને પક્ષને મજબૂત બનાવવામાં તેમણે પાયાની ભૂમિકા ભજવી હતી. રાજકોટના મેયર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે લોકાભિમુખ કાર્યો કરીને શહેરીજનોના દિલ જીત્‍યા હતા. માત્ર રાજકારણ જ નહીં, પરંતુ સામાજિક સ્‍તરે પણ રઘુવંશી સમાજના પ્રશ્નો અને ઉત્‍થાન માટે તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા. એક મિલનસાર અને સનિષ્‍ઠ નેતા ગુમાવતા ભાજપ પરિવાર અને તેમના ચાહકોમાં ભારે ગમગીની વ્‍યાપી ગઈ છે.

જનકભાઈ કોટકની અંતિમયાત્રા આજે સોમવાર, તારીખ ૧૫-૦૬-૨૦૨૬ના રોજ સાંજે ૪ વાગ્‍યે તેમના નિવાસસ્‍થાન ‘બાલકળષ્‍ણ એપાર્ટમેન્‍ટ', બેડીનાકા ટાવરની અંદર, રાજકોટ ખાતેથી નીકળશે. ત્‍યાંથી આ અંતિમયાત્રા રામનાથ સ્‍મશાનગળહ ખાતે પહોંચશે, જ્‍યાં તેમના પાર્થિવ દેહને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવશે અને અંતિમ વિદાય આપવામાં આવશે. તેમના અવસાન પર વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓએ ઘેરા શોકની લાગણી વ્‍યક્‍ત કરી શ્રદ્ધાંજલિ અર્પી છે. શ્રી જનકભાઇ કોટક (ઉં.વ. ૮૦) (પૂર્વ મેયર શ્રી રાજકોટ મ્‍યુનિસિપાલ કોર્પોરેશન) તે સ્‍વ. મોરારજીભાઇ કેશવજીભાઇ કોટક (ભગત) કરાંચીવાળાના પુત્ર તે સ્‍વ. નિર્મળાબેનના પતિ તે સ્‍વ. હિરાભાઇ, સ્‍વ. વસંતભાઇ, સ્‍વ. હસમુખભાઇ તથા શ્રી પ્રતાપભાઇ કોટક (પૂર્વ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ)ના ભાઇ તથા શ્રી રાજેશભાઇ, શ્રીઅમિતભાઇ, યોગીતાબેન (યુએસએ) તથા ભારતીબેનના પિતાશ્રી તે સ્‍વ. હેમરાજભાઇ મીઠુભાઇ સોમૈયાના જમાઇ તથા યોગેશકુમાર હરગોવિંદભાઇ ઠકરારના સસરાનું આજ રોજ અવસાન થયેલ છે. તેમની અંતિમ શોભા યાત્રા આજે તા. ૧પ સોમવારે સાંજે ૪ કલાકે તેમના નિવાસસ્‍થાન બાલકૃષ્‍ણ એપાર્ટમેન્‍ટ, બેડી નાકા ટાવરની અંદર, રાજકોટથી નીકળશે અને રામનાથપરા, સ્‍મશાનગૃહે અંતિમિવિધિ થશે.

અકિલા પરિવાર સાથે દાયકાઓ જુનો સંબંધ : સુખ દુઃખના સહભાગી

અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા, અકિલા તંત્રી અજીતભાઇ ગણાત્રા અને અકિલાના વેબએડીશનના એડીટર નિમિષભાઇ ગણાત્રા તેમજ સ્‍ટાફ પરિવાર દ્વારા બે મિનિટ મૌન પાડી સદ્દગત જનકભાઇ કોટકને શ્રદ્ધાંજલી અર્પી.

ગુરૂવારે પ્રાર્થનાસભા
સદ્દગતનું બેસણું-પ્રાર્થનાસભા તા.૧૮ના ગુરૂવારે સાંજે પ થી ૬ઃ૩૦ સુધી રાષ્ટ્રીયશાળા,
ડૉ. યાજ્ઞિક રોડ ખાતે રાખેલ છે.

(2:55 PM IST)