તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
રાજકોટ એરપોર્ટઃ ૧૨ વર્ષમાં જબરી પ્રગતિઃ રોજના ૨૮૦૦ મૂસાફરોની અવરજવરઃ વાર્ષિક ૩૫ લાખ મુસાફરોની સંચાલન ક્ષમતા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શાનદાર યાત્રી સુવિધા દિવસની ઉજવણી : રાજકોટ હવે ૭ શહેરો સાથે કનેકટઃ આગામી બે મહિનામાં આંતરરાષ્ટ્રીય ફલાઇટસઃ ત્રણ વર્ષ માટે એરલાઇન્સને ખાસ પ્રોત્સાહન જાહેર : મૂસાફરોનું કુમકુમ તિલકથી સ્વાગતઃ વંદે માતરમનું સમૂહગાનઃ રાસ-ગરબાની રમઝટ

રાજકોટ તા.૧૫: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના શાસન કાળમાં દેશમાં હવાઈ ઉડ્ડયન અને માળખાકીય ક્ષેત્રમાં વ્યાપક વિકાસ થયો છે અને હવાઈ મુસાફરોની સુવિધામાં વધારો થયો છે. હવાઈ ક્ષેત્રના આ વિકાસને ઉજાગર કરતા, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તેમના તમામ એરપોર્ટ પર ૧૫મી જૂને ‘‘યાત્રી સુવિધા દિવસ''ઉજવવામાં આવશે. જે અંતર્ગત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફથી મળેલી યાદીમાં જણાવાયા પ્રમાણે, સાંજે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ મુસાફરોનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ સાથે એરપોર્ટ પર વંદે માતરમનું સમૂહ ગાન, રક્તદાન કેમ્પ તેમજ નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ પણ યોજવામાં આવ્યા હતા. ઉપરાંત હવાઈ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓ અને હાઉસકીપિંગ સ્ટાફનું સન્માન કરવામાં આવેલ. તેમજ એરાઇવલ હોલમાં ગુજરાતના લોકનળત્ય એવા ગરબાથી વાતાવરણ સંગીતમય બન્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજકોટના હિરાસર પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જુલાઈ ૨૦૨૩માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે જ તેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું અને આ એરપોર્ટને ‘રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ' નામ આપવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર ૨૦૨૩થી અહીં વાણિજ્યિક ફ્લાઇટ્સ શરૂ થતાં તમામ કામગીરી જૂના એરપોર્ટથી નવા ટર્મિનલ પર સ્થાનાંતરિત કરાઈ હતી. ફેબ્રુઆરી ૨૦૨૫થી અહીં નવું ટર્મિનલ બિલ્ડિંગ પણ કાર્યરત થઈ ગયું છે.
રાજકોટ એરપોર્ટની છેલ્લા ૧૨ વર્ષમાં થયેલી પ્રગતિ જોઈએ તો, જૂના એરપોર્ટ પર પીક અવર્સ દરમિયાન મુસાફરોની ક્ષમતા ૩૦૦ની હતી, જે હવે વધીને ૨૮૦૦ (૧૪૦૦ અરાઇવલ અને ૧૪૦૦ ડિપાર્ચર) થઈ ગઈ છે. આ ટર્મિનલ બિલ્ડિંગ વાર્ષિક ૩૫ લાખ મુસાફરોના સંચાલનની ક્ષમતા ધરાવે છે. વર્ષ ૨૦૨૫માં પ્રથમ વખત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૧૦ લાખથી વધુ મુસાફરોની અવરજવર નોંધાઈ હતી. અગાઉ રાજકોટ માત્ર બે શહેરો સાથે જોડાયેલું હતું, જે હવે દેશના સાત શહેરો સાથે કનેક્ટ થયું છે.
પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના ભાગરૂપે ગ્રીન એરપોર્ટની પહેલ અંતર્ગત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગને ‘GRIHA 4’ રેટિંગ આપવામાં આવ્યું છે.
અહીં ૩૦૦ કે.એલ.ડી.નો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) સ્થાપવામાં આવ્યો છે, જેનાથી ૧૦૦% વેસ્ટ વોટરનો ઉપયોગ ગાર્ડનિંગ અને ટોઇલેટ ફ્લશ માટે થાય છે. ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટે ૧૦ રેઇન વોટર હાર્વેસ્ટિંગ પિટ્સ બનાવવામાં આવ્યા છે, જેનાથી સિંચાઈમાં પાણીનો વપરાશ ૫૧% કરતા વધુ ઘટયો છે.
અહીં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવા માટે એરલાઇન્સને ત્રણ વર્ષ માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેમાં વર્ષ ૨૦૨૬-૨૦૨૭માં યુઝર ડેવલપમેન્ટ ફી (UDF) સામાન્ય દરના ૧૦% વસૂલવામાં આવશે અને વર્ષ ૨૦૨૭-૨૦૨૮માં તે બિલકુલ શૂન્ય રહેશે.
જ્યારે ઇમિગ્રેશન મંજૂરી આગામી બે મહિનામાં મળવાની અપેક્ષા છે.
(3:39 PM IST)










