તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 15th June 2026
સ્વ. વિજયભાઈની ખોટ કયારેય નહીં પુરાય : જૈન વિઝને સેવાકાર્યોથકી આપી ભાવાંજલી

રાજકોટ : એક વર્ષ પહેલા અમદાવાદની વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલા રાજકોટના સપૂત અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જૈન વિઝન દ્વારા અનેક સેવા કાર્યો કરીને તેમને ભાવાંજલિ આપવામાં આવી હતી. જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારીએ કહ્યુ હતું કે, વિજયભાઈ રૂપાણી એક મહાન વ્યક્તિત્વ હતા અને તેમની ખોટ કયારેય નહીં પુરાય. તેમના સ્મરણાર્થે જૈન વિઝન સંસ્થા દ્વારા ભજન, ભોજન, ભક્તિ, જીવદયા, સેવા અને માનવતાલક્ષી કાર્યો વિવિધ સ્થળોએ હાથ ધરવામાં આવ્યા હતા. શુક્રવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વિવિધ સેવા કાર્યો હાથ ધરાયા હતા. સવારે રોયલ પાર્ક સ્થા.જૈન સંઘ, ઓમાનવાલા ઉપાશ્રય, સી.એમ. પૌષધશાળા ખાતે ચતુર્વિધ સંઘની પ્રેરક ઉપસ્થિતિમાં નમસ્કાર મહામંત્રના જાપ અને બાદમાં પ્રભાવના પણ આપવામાં આવી હતી. આ તકે રૂપાણી પરિવારમાંથી શ્રીમતી અંજલીબેન રૂપાણી, મેયર શ્રી નેહલભાઈ શુક્લ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ઋસભ વિજયભાઈ રૂપાણી, જૈન અગ્રણી સી. એમ. શેઠ, અંશ અભયભાઈ ભારદ્વાજ, શ્રીમતી કાશમીરાબેન નથવાણી સહીતના આગેવાનો માનવતા કાર્યમા સહભાગી બનેલ હતા. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ ખાતે અબોલ જીવોને ૨૫૦ કીલો લાડવા તથા પારેવાને ચણ ૧૦૦ કિલો અર્પણ કરી જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પૂ.ધીર ગુરુદેવ દ્રારા નિર્મિત વિરાણી મૂક-બુધિર શાળા સંસ્થાના દિવ્યાંગ બાળકોને જૈન વિઝન દ્વારા મિષ્ટ ભોજન કરાવાયુ હતુ તથા પૂ.ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત રોટી અભિયાનમાં એક દિવસન ઝૂપડપટ્ટી અને છેવાડાના લોકોને ભોજન કરાવવામાં જૈન વિઝન મદદરૂપ બન્યુ હતું. પૂ.ગુરુદેવ પારસ મુનિ મ.સા. પ્રેરિત જૈન ભોજનાલયમાં એક દિવસ દરેકને ભોજન કરાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. શ્રી રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટમાં જરુરીયાતમંદ નિર્ધારિત લોકોને ભોજન તેમજ ટિફિન પાર્સલ પહોંચાડીને સેવા કરવામાં આવી હતી. ઉપરાંત બોલબાલા ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા અન્નપૂર્ણા રથમાં દીન - દુઃખીયા લોકોની જઠરાગ્નિ ઠારવામાં ટિમ જૈન વિઝન નિમિત્ત બની હતી. તેમજ જીવદયા રક્ષક સમીતા દ્વારા ચાલતી છાસ વિતરણ સેવામાં પણ જૈન વિઝને યોગદાન આપેલ. આમ સેવા કાર્યોની હારમાળા યોજી ભાવાંજલિ આપવામાં આવી હતી.
(3:06 PM IST)










