News of Monday, 15th June 2026
પારડીમાં જુના પાડોશી પિતા-પુત્રના હુમલામાં ઘાયલ કોઠારીયા સોલવન્ટના ઝુબેદાબેનનું મોતઃ બનાવ હત્યામાં પલ્ટાયો
પ્રવિણ વાઘેલા અને તેનો દિકરો ક્રિશ ઉર્ફે ઢીંગાએ છરીના ૯ ઘા ઝીંક્યા હતાં: શાપર પોલીસે હત્યાની કલમ ઉમેરી સાથે રહેવા બાબતે માથાકુટ થયાની શક્યતાઃ જો કે આરોપી પકડાયા બાદ સાચી વિગતો ખુલશેઃ પીઆઇ આર. બી. રાણા

રાજકોટ તા. ૧૫: શાપરના પારડી ગામે શીતળા માતાજીના મંદિર નજીક રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં રહેતી મહિલા પર પિતા-પુત્રએ છરીથી હુમલો કરી ગળા, પેટમાં આડેધડ ૯ જેટલા ઘા મારી આંતરડા કાઢી નાંખતા ગંભીર હાલતમાં તેણી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ મહિલાનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો છે. શાપર પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો તેમાં હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ કોઠારીયા સોલવન્ટ રસુલપરા હુશેની ચોક પાસે રહેતાં ઝુબેદાબેન અયુબભાઇગુડદી (ઉ.વ.૩૭) ૧૧મીએ સાંજે પારડીમાં શિતળા માતાજીના મંદિર પાસે હતાં ત્યારે પ્રવિણ ઉર્ફે પવલો ગેલાભાઇ વાઘેલા અને તેના દિકરા ક્રિશ ઉર્ફે ઢીંગો પ્રવિણભાઇ વાઘેલાએ મળી છરીથી હુમલો કરી પેટ, ગળા પર આડેધડ ઘા મારી દેતાં તેણી લોહીલુહાણ થઇ ઢળી પડી હતી. લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. ઝુબેદાબેનને સારવાર માટે રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં શાપરના પીઆઇ આર. બી. રાણાએ રાજકોટ પહોંચી ઝુબેદાબેનની દિકરી ખુશી શીવમભાઇ તિવારી (ઉ.વ.૧૯-રહે. જુના માર્ર્કેટ યાર્ડ પાસે હા.બોર્ડ ક્વાર્ટર)ની ફરિયાદ પરથી પ્રવિણ અને તેના દિકરા ક્રિશ વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો.ખુશીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના માતા ઝુબેદાબેન અયુબભાઈ ગુડદી અગાઉ પારડી ગામે શીતળા મંદિર પાસે ભાડે રહેતા હતા. ૧૧મીએ સાંજે સાડા આઠેક વાગ્યાના અરસામાં ઝુબેદાબેન કોઈ કામસર પારડી ગામે ઝાલાવાડી પાનની દુકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે તેણીના પુર્વ પાડોશી પ્રવિણ ગેલાભાઇ વાઘેલા અને તેના દીકરા ક્રિસ ઉર્ફે ઢીંગો પ્રવિણભાઈ વાઘેલા એ કોઈ અગમ્ય કારણોસર જુબેદાબેન સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે પિતા-પુત્રએ ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલી છરી વડે જુબેદાબેન પર આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. હુમલાખોરોએ મહિલાને પેટના ભાગે ૪ ઘા મારી દીધા હતાં. જેમાં ડૂંટીની નીચે એક ઊંડો ઘા લાગડતાં આંતરડું બહાર આવી ગયું હતું. તેમજ પીઠ-કમરના ભાગે બે ઘા તેમજ ગળા અને ગાલ પર છરીના ઘા મારી દીધા હતાં.
હુમલા બાદ ઘટનાસ્થળે હાજર લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ દરમિયાન ફરિયાદી ખુશીબેનના પતિ શિવમના મિત્ર અર્જુન વેગડાએ ફોન કરીને જણાવ્યું કે તારા સાસુ ઝુબેદાબેનને પારડીમાં રિક્ષામાં આવેલા કોઈ માણસોએ છરી મારી દીધી છે. ખુશીબેને તુરંત જ માતાના મોબાઈલ પર ફોન કરતા ત્યાં હાજર એક અજાણ્યા મહિલાએ ફોન ઉપાડીને જણાવ્યું કે તેમને ગંભીર હાલતમાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયેલી દીકરી ખુશીબેને જ્યારે લોહીલુહાણ હાલતમાં સારવાર લઈ રહેલા માતા જુબેદાબેનને પુછયુ ત્યારે ગંભીર રીતે ઘવાયેલા અને ભાનમાં રહેલા માતાઅ જણાવ્યું હતું કે પાડોશમાં રહેતા પ્રવિણ ગેલાભાઈ વાઘેલા અને તેના દીકરા ક્રિશ ઉર્ફે ઢીંગાએ આ જીવલેણ હુમલો કર્યો છે. પીઆઇ આર. બી. રાણાએ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ઝુબેદાબેનનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલ્ટાયો છે. કારણ હજુ પણ બહાર આવ્યું નથી.
(3:27 PM IST)










