<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

સંઘે પોતાનો એક સાચો સ્‍વયંસેવક- કાર્યકર અને આદર્શ લોકસેવક ગુમાવ્‍યો

રાજુભાઇ ધ્રુવ દ્વારા જનકભાઇ કોટકને શ્રધ્‍ધાંજલી

રાજકોટ રાષ્‍ટ્રીય સ્‍વંયસેવક સંઘના વર્ષો જુના સ્‍વંયસેવક અને ભારતીય જનસંઘના અને ભાજપના અગ્રણી રાજકોટના પૂર્વ મેયર અને રાજકોટ મહાનગરપાલિકામાં સાત સાત ટર્મ કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા અને સેવાકીય કાર્યના માધ્‍યમથી જ જાહેરજીવનમાં પોતાની ઓળખ ઉભી કરનારા જનકભાઇ મોરારજીભાઈ કોટકના નિધનથી ભાજપ જ નહી પરંતુ રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘે પણ પોતાનો એક સાચો સ્‍વયંસેવક-કાર્યકર અને આદર્શ લોક સેવક ગુમાવ્‍યો છે તેમ જણાવી પ્રદેશ ભાજપના અગ્રણી રાજુભાઈ ધ્રુવે શબ્‍દાંજલિ આપી છે. તેમણે કહ્યુ છે કે, સ્‍વ. જનકભાઈ ખરા અર્થમાં સેવા કાર્યોને વરેલા હતા.

તેમણે ઉમેર્યું છે કે, મહાપાલિકાની ચૂંટણીમાં સતત સાત સાત ટર્મ સુધી ચૂંટાયેલા સ્‍વ જનકભાઈની લોકપ્રિયતા ઘણી હતી અને કોઈ પણ વ્‍યક્‍તિના કામ માટે હંમેશા પડખે ઉભા રહેતા હતા.

સ્‍વ. જનકભાઈ કોટક ભાજપ રાજકોટ શહેર સિવાયની અન્‍ય શહેરોમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, ધારાસભા/ લોકસભાની પેટા ચુંટણીઓમાં પોતાના વોર્ડના કાર્યકર્તાઓની ટીમ સાથે પહોંચી જતા હતા.

સ્‍વ. કોટક ભાજપના પક્ષના બંધારણ પ્રમાણે ની સર્વોચ્‍ચ બોડી પૈકીની એક રાષ્‍ટ્રીય પરિષદના સભ્‍ય તરીકેજવાબદારી સોંપવામાં આવી હતી. ૧૯૭૪માં નવનિર્માણ આંદોલન હોય કે રાજકોટ મહાનગરપાલિકાની સ્‍થાપના સમયે ભાદરની પાઇપલાઇન માટેનું આંદોલન હોય કે અસામાજિક તત્ત્વો સામેની લડત હોય સ્‍વ. કોટક હંમેશા અગ્રેસર રહેતા હતા. સ્‍વ. કોટક ૧૯૭૫-૭૬માં ભારતના તત્‍કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્‍દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી આંતરિક કટોકટી સમયે ‘મીસા' ના કાયદા હેઠળ ૧૧ માસ સુધીનો કારાવાસ કરવામાં આવ્‍યો હતો.

સ્‍વ. કોટક જામનગર રોડ ઉપર પોલીસ હેડક્‍વાર્ટર ની સામે આવેલા કનકેશ્વર મહાદેવ મંદિર માં પવિત્ર શ્રાવણ માસમાં અન્નક્ષેત્ર નું સંચાલન કરતા હતા. અહીંયા ગરીબ લોકોને વિના મૂલ્‍યે ભોજન આપવામાં આવતું હતું. તેમણે એમ પણ જણાવ્‍યું છે કે, સ્‍વ. કોટક જંકશન પ્‍લોટ વિસ્‍તારમાં છેલ્લા ૪૫ વર્ષથી નવરાત્રીના તહેવારોમાં પ્રથમ નોરતા થી ચેક શરદપુનમ સુધી પ્રાચીન ગરબીનું સંચાલન કરતા હતા. જાહેરજીવનમાં મહત્‍વનું સ્‍થાન હોવા ની સાથે સાથે ગરબી સંચાલનને પણ સ્‍વ. કોટક અગ્રતા આપતા હતા. નવરાત્રીના તહેવાર પહેલા ૨૦ દિવસ પહેલા પ્રેક્‍ટિસ કરવાથી માંડીને તમામ વ્‍યવસ્‍થા સ્‍વ. કોટક કરતા હતા. સ્‍વ. કોટકના સંચાલન વાળી આ પ્રાચિન ગરબી રાજકોટ શહેરની પ્રાચીન ગરબીઓમાં મશહૂર છે.

(3:38 PM IST)