તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 15th June 2026
નરેન્દ્રભાઇના ખાસ અને વજુભાઈ-કેશુભાઈના સાથીદાર એવા જનકભાઈએ જેલવાસ વેઠીને પણ રાષ્ટ્રધર્મ નિભાવ્યો
મેયર પદ હોવા છતાં ચકલીના માળા અને ગાયોના પાણી માટે લડનારા જીવદયા પ્રેમી લોકનેતાની વિદાયથી મોટી ખોટઃ હરેશ જોશી


રાજકોટઃ રાજકોટ મહાનગર પાલિકાના પૂર્વ મેયર અને લોકલાડીલા ‘રાજા'ના હુલામણા નામથી જાણીતા એવા પીઢ અગ્રણી જનકભાઇ કોટકનું દુઃખદ અવસાન થતાં સમગ્ર રાજકીય અને પબ્લિક લાઈફમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. તપ, ત્યાગ અને બલિદાનનો સમન્વય ધરાવતા જનકભાઈના અચાનક નિધનથી રાજકોટ ભાજપે વર્તમાન સમયના સાચા ‘ઋષિપુરુષ' ગુમાવ્યા હોવાની લાગણી પૂર્વ કાર્યાલય મંત્રી હરેશ જોષી અને પૂર્વ કોર્પોરેટર પોપટભાઈ ટોળિયાએ ભારે હૈયે શ્રદ્ધાંજલિ પાઠવતા વ્યક્ત કરી છે. જનકભાઇ કોટક વર્ષોથી આર.એસ.એસ., જનસંઘ અને હિન્દુત્વની વિચારધારા સાથે જોડાઈને અવિરત સંઘર્ષ, અનેક યાતનાઓ અને જેલવાસ ભોગવી રાષ્ટ્રસેવા માટે સતત મથતા રહ્યા હતા. બાળપણથી જ દેશદાઝ અને રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવી સંઘ અને ભાજપમાં વિવિધ જવાબદારીઓ સંભાળી તેમણે જાહેર જીવનમાં એક આગવી ઓળખ ઊભી કરી હતી. નામ એવા જ ગુણ ધરાવતા જનકભાઇને શહેરીજનો ‘રાજા'ના નામથી જ ઓળખતા હતા અને તેમણે અંતિમ શ્વાસ સુધી પ્રજાના કાર્યોની ચિંતા કરી હતી.
વર્ષ ૧૯૫૨માં ગુજરાતમાં જ્યારે જનસંઘની સ્થાપના રાજકોટ ખાતે કરવામાં આવી અને મોહનલાલ દીક્ષિત ગુજરાત જનસંઘના પ્રથમ પ્રમુખ બન્યા, તે ઐતિહાસિક ક્ષણના જનકભાઇ કોટક સાક્ષી બન્યા હતા. ત્યારબાદ તેમણે વાલજીભાઈ નથવાણી, ચીમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલ, અરવિંદભાઈ મણિયાર, વજુભાઈ વાળા અને ગોધુમલજી આહુજા જેવા અનેક કદાવર આગેવાનો સાથે સક્રિય રહી રાજકોટમાં જનસંઘનો પાયો મજબૂત કરવાનું બીડું ઝડપ્યું હતું. જનકભાઇના જીવનમાં ડર જેવો શબ્દ કયારેય આવ્યો નહોતો, તેઓ હંમેશાં સિંહની અદાથી કહેતા કે ‘ખુદ કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદો સે ખુદ પૂછે કે બતા તેરી રજા કયા હૈ'. જનકભાઇએ કયારેય પોતાની અંગત ચિંતા કર્યા વિના એક ઓલિયા જેવું ફકીરી જીવન જીવી હંમેશાં બીજાની ચિંતા કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જનકભાઇ કોટકે કોર્પોરેશનમાં દંડક, પક્ષના નેતા, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવી વિવિધ મહત્વની જવાબદારીઓ સંભાળી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમની લોકપ્રિયતા અને સંગઠન શક્તિને પારખીને રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકેની સર્વોચ્ચ જવાબદારી સોંપી હતી. મેયર હોવા છતાં તેમણે કયારેય પદનું લેશમાત્ર અભિમાન કર્યું નહોતું અને સેવાકીય પ્રવળત્તિઓમાં હંમેશા મોખરે રહ્યા હતા. ભજન, ભોજન અને કાયમી સાધુસંતોના પરમ પ્રેમી રહેલા જનકભાઈના મેયર પદના શાસનકાળ દરમિયાન જ કોર્પોરેશનમાં ચકલીઓ માટે માળા અને પાણીના કૂંડા વિતરણ કરવાનો ઐતિહાસિક પ્રારંભ થયો હતો. આ ઉપરાંત ઉનાળાની કાળઝાળ ગરમીમાં મૂંગા પશુઓ તરસ્યા ન મરે તે માટે ગાયો માટે પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા પણ તેમણે કરાવી હતી. મેયર પદ દરમિયાન સતત લોકસેવાના કાર્યોમાં જોડાયેલા રહેલા જનકભાઇના અચાનક અવસાનથી રાજકોટના જાહેર જીવનને કયારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે ત્યારે ઈશ્વર તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના સહ અગ્રણીઓએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી છે.
(3:42 PM IST)










