<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

નવી નવી સાયકલો ફેરવવાના શોખને લીધે ૪ ટાબરીયા બપોરના સમયે ઉઠાંતરી કરતા'તાઃ ૧૯ સાયકલો ચોરી

નવા ૧૫૦ રિંગ રોડ પરસાણા ચોકમાંથી ચાર ચોરાઉ સાયકલો સાથે પકડાયા બાદ બીજી ૧૫ સાયકલ કાઢી આપી ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી. જે. ચૌધરીની સુચના મુકબ રાજકોટ તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબીરીમાં પીએસઆઇ બી.ડી. ભરવાડ અને ટીમની કામગીરીઃ કોન્‍સ. બળભદ્રસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા અને કુલદિપસિંહ જાડેજાની બાતમી

રાજકોટઃ  તાલુકા પોલીસે શહેરના અલગ-અલગ વિસ્‍તારોમાંથી સાયકલોની ઉઠાંતરી કરતાં ૪ સગીરોને પકડી લીધા છે. આ ચારેયની પુછતાછ થતાં તેણે ખંઢેર પાસે છુપાવેલી વધુ ૧૫ ચોરાઉ સાયકલો કાઢી આપી હતી. નવી નવી સાયકલો ફેરવવાનો શોખ ધરાવતાં આ ટાબરીયાઓ બપોરના સમયે નીકળી પડતાં હતાં અને જે તે ઘરમાં કોઇ નજરે ન પડે અને ફળીયામાં કે ઘર બહાર લોક વગરના સાયકલો રાખી હોય તો તે ઉપાડી લેતાં હતાં અને ફેરવીને અવધના ઢાળ પાસે ખંઢેર જેવી જગ્‍યામાં છુપાવી દેતાં હતાં. તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. બળભદ્રસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા તથા કુલદીપસિંહ જાડેજાની બાતમી પરથી નવા ૧૫૦ રીંગ રોડ પરસાણા ચોકમાંથી ચાર સગીરને ચાર શંકાસ્‍પદ સાયકલ સાથે પકડી બીલ વગેરે અંગે પુછતાં ગલ્લા તલ્લા કર્યા બાદ સાયકલો ચોરી કરેલી હોવાનું કબુલ્‍યું હતું. વધુ પુછપાછ થતાં આવી અન્‍ય ૧૫ સાયકલો પણ ચોરી કરી હોવાનું અને અવધના ઢાળીયા પાસે રાખી મુકી હોવાનું કબુલતાં પોલીસે કુલ ૧૯ સાચયલો રૂપિયા ૯૫ હજારની કબ્‍જે કરી હતી. ઝડપાયેલા ચારેય સગીરો અભ્‍યાસ કરે છે અને ગરીબ મધ્‍યમવર્ગના પરિવારના છે. આ તરૂણોને નવી નવી સાયકલો ફેરવવાનો ચસ્‍કો લાગી ગયો હોઇ જેથી તે મોટે ભાગે બપોરના સમયે અલગ અલગ વિસ્‍તારમાં જતાં હતાં અને જ્‍યાં રેઢી તાળા વગરની સાયકલ જોવા મળે તે ઉઠાવી લેતાં હતાં. મોટા ભાગે બપોરે લોકો સુતા હોય ત્‍યારે જ આ ચોરી કરતાં હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ બી. ડી. ભરવાડ, હેડકોન્‍સ.  કૌશેન્‍દ્રસિંહ ઝાલા, અજયભાઈ ભુંડીયા, અક્ષયભાઈ નાથાણી અને કોન્‍સ. મુકેશભાઈ ડાંગર, બળભદ્રસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, ઉગાભાઈ બાળા, જયપાલસિંહ સરવૈયા, કુલદીપસિંહ જાડેજા, નિકુંજભાઈ મારવીયા, ભીખુભાઈ મૈયડ તથા હોમગાર્ડ પરેશ એચ. આહુંદરા, અનિલ પી. સાગઠીયા અને પાર્થ એસ. દવેએ આ કામગીરી કરી હતી.

(3:44 PM IST)