News of Monday, 15th June 2026
નવ ફૂટથી વધુ ઉંચાઇના તાજીયા બનાવવા- વહન કરવા પર પ્રતિબંધ
રાત્રે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા પર સંપુર્ણ પ્રતિબંધ રહેશેઃ બીજા પણ અનેક નિયમો જાહેર કરાયા મહોર્રમ નિમીતે પોલીસ કમિશનર બ્રજેશ ઝાનું જાહેરનામુ

રાજકોટ તા. ૧૫: શહેરમાં આગામી તારીખ ૨૬ અને ૨૭ જુનના રોજ મુસ્લિમ સમુદાય દ્વારા મહોર્રમ (તાજીયા)ના તહેવારની પરંપરાગત ઉજવણી કરવામાં આવનાર છે. આ તહેવાર દરમિયાન ઝુલુસ સહિતના ધાર્મિક કાર્યક્રમ સરળતાથી પુર્ર્ણ થાય, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં, તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક ખાસ જાહેરનામું બહાર પાડીને કેટલાક કડક નિયમો અને પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.
આ જાહેરનામું તારીખ ૧૭/૦૬/૨૦૨૬ના રાત્રીના ૧૨થી તારીખ ૨૮/૦૬ના રાત્રીના ૧૨ સુધી સમગ્ર રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં અમલી રહેશે. આ જાહેરનામામાં પ્રતિબંધિત કળત્યો અને નિયમો જણાવાયા છે તેમાં તાજીયાની ઊંચાઈ મર્યાદાઃ તાજીયાની બેઠક સહિત ૦૯ (નવ) ફુટ કરતાં વધારે ઊંચાઈના તાજીયા બનાવવા, વેચવા તથા જાહેર માર્ગ પર તેનું પરિવહન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. નિયત કરેલા સ્થળ સિવાય અન્ય જગ્યાએ તાજીયા રાખવા પર પ્રતિબંધ છે. તાજીયા બનાવવાના કે વેચાણના સ્થળે આજુબાજુ ગંદકી ન કરવી તેમજ જાહેર રોડ પર ટ્રાફિકને અડચણ થાય તે રીતે તાજીયા રાખવા નહીં. પબ્લિક સ્ટોલ કે જાહેર રસ્તા પર સફાઈ રાખવાની અને કચરાપેટી મુકવાની જવાબદારી તાજીયા કમિટીના આયોજકોની રહેશે.
કોઈ પણ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા ચિન્હો કે નિશાનીવાળા તાજીયા બનાવવા નહીં, ખરીદવા નહીં કે તેવું વર્તન કરવું નહીં. કોઈ પણ તાજીયાને બિનવારસી હાલતમાં મુકી શકાશે નહીં. પોલીસ સ્ટેશન દ્વારા જે રૂટ અને સમયની મંજૂરી આપવામાં આવી હોય, તે જ નક્કી કરેલા રૂટ પર અને સમય મર્યાદામાં જ તાજીયા પૂર્ણ કરવાના રહેશે. પરમિટ સિવાયના અન્ય રૂટ પર જવા પર પ્રતિબંધ છે.
સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો અનુસાર રાત્રે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા પર સંપુર્ણ પ્રતિબંધ રહેશે. સ્પેશિયલ બ્રાન્ચના ધ્વનિ પ્રદૂષણ અંગેના જાહેરનામાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. તાજીયામાં લાઈટિંગ (બલ્બ, ડેકોરેટિવ ફિટિંગ સીરીઝ વગેરે) માટેનું વાયરિંગ ખુલ્લું રાખવા પર પ્રતિબંધ છે. તેમજ ચાલુ વીજ લાઈનને કોઈ પણ ધાતુના પદાર્થ કે લાકડાની કેચી (વાંસ/બામ્બુ) વડે ઊંચા કરવા પર સખ્ત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામાના કોઈ પણ નિયમનો ભંગ કરનાર વ્યક્તિ સામે બીએનએસ-૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તેમ જાહેરનામામાં જણાવાયું છે.
(3:45 PM IST)










