<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

બાળ સંરક્ષણ ગૃહમાંથી ૧૧ બાળકો ભાગ્‍યાઃ છને શોધી કઢાયા, ૪ને શોધવા માટે ૧૩ ટીમોની દોડધામ

દૂષ્‍કર્મ, ખૂન, ખૂનનો પ્રયાસ, ચોરી, લૂંટ, આર્મ્‍સ એકટ સહિતના ગુનાઓમાં સંડોવણીઃ અંજાર, નવીબંદર, ગાંધીધામ, વાંકાનેર, બોટાદ, વિસાવદર, ઉપલેટા, પુર્વ કચ્‍છ, માલવીયાનગર, થોરાળા, તાલુકા પોલીસમાં નોંધાયા હતાં ગુના પાકિસ્‍તાની બાળકને તારી પાસે કંઇ નથી તું પાછો જા કહીને મોકલી દેવાતાં તે જાતે પરત ફર્યો હતોઃ તમામ પોલીસ સ્‍ટેશન, ક્રાઇમ બ્રાંચ, એલસીબી, પેરોલ ફરલોની ટીમો દ્વારા તપાસઃ છને ક્રાઇમ બ્રાંચની ટીમ સુરેન્‍દ્રનગર-લીંબડી-બોટાદ-નળસરોવર પાસેથી શોધી લાવીઃ ફુલપ્રુફ કાવત્રુ ઘડી બાળકોએ ભાગી જવામાં સફળ થયા

રાજકોટ તા. ૧૫:  શહેરના ભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટ વિસ્‍તારમાં આવેલા બાળ સંરક્ષણ ગળહ (ઓબ્‍ઝર્વેશન હોમ)માંથી કાયદાના સંઘર્ષમાં આવેલા ૧૧ કિશોરો કાવત્રુ ઘડીને રવિવારે સવારે લોખંડની જાળી તોડી ભાગી જતાં દોડધામ મચી ગઇ હતી. જો કે એક પાકિસ્‍તાની કિશોર પરત આવી ગયો હતો અને બાકીના ૪ને ક્રાઇમ બ્રાંચની ટીમે લીંબડી, સુરેન્‍દ્રનગર પાસેથી શોધી કાઢયા હતાં. હજુ છ બાળકોની શોધખોળ ૧૩ ટીમો બનાવીને કરવામાં આવી રહી હોઇ વધુ બે બાળકો બોટાદ અને નળ સરોવર ખાતેથી મળી આવ્‍યા છે. જે બાળ આરોપી ભાગ્‍યા તેની સામે હત્‍યા, દૂષ્‍કર્મ, આર્મ્‍સ એક્‍ટ, મારામારી, હત્‍યાની કોશિષ, ચોરી, લૂંટ સહિતના ગુનાઓ છે. એક બાળકને મુંબઇ જવાની ઇચ્‍છા હોઇ તેણે જ બીજા બાળકોને ભાગી જવાના પ્‍લાનમાં સામેલ કર્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી. આ બાળકો બે ગ્રુપ બનાવીને ભાગ્‍યા હતાં. એક ગ્રુપમાં છ અને બીજામાં પાંચ બાળકો હતાં. જો કે એક પાકિસ્‍તાની બાળકને તેરે પાસ કુછ નહિ હૈ કહીને પરત મોકલી દેવામાં આવતાં તે પાછો આવી ગયો હતો.

રવિવારે સવારે બાળ સંરક્ષણ ગૃહમાંથી બાળકો ભાગી ગયાની ઘટના જાહેર થતા જ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી, એ-ડિવીઝન પોલીસનો કાફલો, ક્રાઇમ બ્રાંચ, એલસીબી, પેરોલ ફરલો સ્‍ક્‍વોડની ટીમો પહોંચી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જીલ્લા કલેક્‍ટર ઓમ પ્રકાશ પણ પહોંચ્‍યા હતાં અને તપાસ બાદ તેમણે આ ઘટના પુર્વઆયોજીત કાવતરાનો ભાગ હોવાનું જણાવ્‍યું હતું. એક બાળકે પ્‍લાન મુજબ પોતાના હાથમાં ઇજા થઇ છે તેવું કહી ગાર્ડ પાસે સારવાર ચાલુ કરાવી હતી અને બીજી તરફ બીજા દસ બાળકોએ લોખંડની જાળી તોડવાનું કામ ચાલુ કર્યુ હતું. આ પહેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્‍યા હતાં. બાદમાં અગીયાર બાળકો ભાગી નીકળ્‍યા હતાં. જો કે

પોલીસે તપાસ કરતાં ખબર પડી હતી કે  સૌથી પહેલાં ત્રણ રૂમની ઉપર લગાવેલો સીસીટીવી કેમેરો તોડી નાખવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ, એક બાળકે પોતે ઈજાગ્રસ્‍ત થયો હોવાનું નાટક કરી વોર્ડનને પાટાપિંડી કરવા વ્‍યસ્‍ત રાખ્‍યો હતો. આ તકનો લાભ ઉઠાવીને અન્‍ય કિશોરો રૂમની મજબૂત લોખંડની જાળી તોડીને ત્‍યાંથી છટકી ગયા હતા. હાલ આ સંરક્ષણ ગળહમાં કુલ ૫૫ જેટલા કિશોરો આશ્રય લઈ રહ્યા છે. કલેક્‍ટરશ્રીએ કહ્યું હતું કે આ સંસ્‍થાનો મુખ્‍ય હેતુ ગુનાહિત પ્રવળત્તિમાં સંડોવાયેલા કિશોરોને સુધારીને સમાજના મુખ્‍ય પ્રવાહમાં પાછા લાવવાનો હોવાથી અહીં ખૂબ જ હળવું અને મૈત્રીપૂર્ણ વાતાવરણ રાખવામાં આવે છે. સિકયોરિટી ગાર્ડ્‍સ પણ સામાન્‍ય કપડામાં જ ફરજ બજાવે છે અને ત્રણ શિફ્‌ટમાં બે-બે ગાર્ડ દેખરેખ રાખતા હોય છે.

 વહીવટી તંત્રે જણાવ્‍યું છે કે હાલ હ્યુમન ઈન્‍ટેલિજન્‍સ અને આધુનિક ટેકનોલોજીની મદદથી ભાગી છૂટેલા દસ કિશોરોને ટ્રેક કરવાની કાર્યવાહી શરૂ થઇ હતી. તેના ફળ સ્‍વરૂપે લીંબડી અને સુરેન્‍દ્રનગર નજીકથી ચાર બાળકોને શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાંચને સફળતા મળી હતી. આ બાળકોને બાળ સંરક્ષણ ગૃહના હવાલે કરાયા હતાં. આ ઉપરાંત વધુ બે બાળકોને બોટાદ અને નળ સરોવર પાસેથી શોધી લેવાયા છે.

જે બાળકો ભાગી ગયા તેમાં રાજકોટ, ભુજ, પાકિસ્‍તાન, બિહાર, ઓરિસ્‍સા, બોટાદ, જુનાગઢ, ઉપલેટા, પુર્વ કચ્‍છ, રાજકોટ માલવીયાનગર, થોરાળા, તાલુકા પોલીસ સ્‍ટેશનના ગુનાના બાળ આરોપીઓ સામેલ છે. આ તમામ સામે ગંભીર પ્રકારના ગુનાઓ હોઇ તેને અહિ રાખવામાં આવ્‍યા હતાં. ચાર બાળકો હજુ ફરાર હોઇ તેને શોધવા તેર અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે.

(3:46 PM IST)